૯૪ - કાંઈ ને કાંઈ નવીનતા જણાયા કરે
હવે વુષપુરમાં દિનપ્રતિદિન આ અનાદિ મુક્તરાજની સ્વાભાવિક પ્રવૃત્તિ કેવળ મોક્ષપરાયણ જેવી જણાવા લાગી. સવારમાં ચાર વાગે ત્યાં તો ગામના હરિભક્તો નાહતા હોય ને પોતે પણ નાહીને પૂજા કરી લે. તુરત જ આંગડી પહેરી, પાઘડી બાંધી, ખંભે ખેસ રાખી, મંદિરમાં ઠાકોરજીને દંડવત્ કરી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરે. એ વખતે હેતવાળા હરિભક્તો બાથમાં ચાંપીને મળે, કોઈ તો ધોતિયાને છેડે હાર બાંધી ફરતા હોય, તે લાગ આવે ત્યારે પહેરાવે, કેમ કે એ વખતે પોતે બહુ મહિમા જાણવાની ના પાડતા ને એમ કહેતા જે, ‘બહારનો દેખાવ ન કરવો, માંહી ભર્યા રહેવું. મહારાજ ને મોટા બધુંય જાણે છે. મહિમા જાણવો, પણ ટાણું ઓળખવું. નહિ તો કેટલાક સમજણ વગરના ઊંધું સમજી પોતાના જીવનું બગાડી નાખે છે, તેમાં મહારાજ રાજી ન થાય. માટે આપણે ખટકો રાખવો. શ્રીજીમહારાજ કહે છે કે અમારે અંનત જીવ ઉદ્ધારવા છે, તેથી કોઈનું બગડે નહિ તેમ કરવું ને પાત્ર પ્રમાણે વાત કરવી.’ વળી કોઈ વાર રાજી થઈ એમ પણ કહેતા જે, ‘આજ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા ને રંગડાની વાળી રેલ’ એવું છે. ‘મહારાજ ન્યાલકરણ’ પધાર્યા ને સૌને ન્યાલ કર્યા. અંનત મુક્તોએ પણ એ જ કામ કર્યાં છે. આ ટાણે પણ એવા મોટા પધાર્યા છે, તે પળમાં ન્યાલ કરી મહારાજની મૂર્તિમાં મૂકી દે છે. જો ઓળખાય તો કામ થઈ જાય.’ એમ સભામાં જ મહિમાની વાતો કરવા માંડે, તેથી સૌ આશ્ચર્ય પામી જાય. આ રીતે કોઈ વાર સમર્થપણું જણાવે ને ક્યારેક તદ્દન અસમર્થ જેવો દેખાવ કરે, પણ મહિમાવાળા સંત-હરિભક્તો તો પારખી ગયા હતા કે મોટા મુક્તની મનુષ્યલીલા એવી જ હોય. જ્યારે પોતે મોટા સંત કે હરિભક્તો પાસે બેઠા હોય ત્યારે મહાન સ્થિતિમાં વર્તતા હોય એવું દેખાય, તેથી સૌને તેમનો અત્યંત દિવ્યભાવ જણાતો ગયો. વાતો કરે ત્યારે કેવળ મૂર્તિનો જ મહિમા કહે. કોઈ બીજી વાત કરે તો રાજી ન થાય અથવા પોતે ઊઠી જાય. એવી જ રીતે નાનાની સાથે નાનાની રીતે બોલે-ચાલે, વાતો કરે, સમાચાર પૂછે, રમૂજ કરી હસાવે, વળી કોઈ પોતાની પાસે બાળકને તેડી લાવે તો તેને ચપટી વગાડી બોલાવે, હસાવે, માથે હાથ મૂકે, મોઢામાં પ્રસાદી આપે, કપાળમાં ચાંદલો કરે, વર્તમાન ધરાવી કંઠી પહેરાવે, એ વખતે પ્રસાદીહાર પોતાની પાસે હોય તો તેની ડોકમાં પહેરાવે. વળી માર્ગમાં જતાં કોઈ બાઈઓ ‘જય સ્વામિનારાયણ’ કરે તો બાઈ, બહેન, દીકરી કહી ‘જય સ્વામિનારાયણ’ કરે ને કોઈને આજ્ઞામાં ખબડદાર રહેવાની ભલામણ કરે. એવી જ રીતે કોઈને કાંઈ દુ:ખ હોય તો કહે જે, ‘મહારાજને સંભારજો, એટલે હૈય્યા, દુ:ખ મટી જશે.’ કોઈ આ લોકનું કાંઈ માંગે તો બહુ રાજીપો ન જણાવે ને કહે જે, ‘શ્રીજીમહારાજમાં બધુંય છે. એને ગમતું હશે તેમ કરતા હશે. આપણે તો એમના ગમતામાં રાજી રહેવું.’ વળી કોઈ વખત આશીર્વાદ-વચન પણ આપી દે ને કહે જે, ‘મહારાજ તમારો મનોરથ પૂરો કરશે, આવા મોટાને સંભારજો.’ એ રીતે જેમ જેને સમાસ થાય તેમ કરતા હોવાથી કચ્છનો સત્સંગ દિનપ્રતિદિન પ્રફુલ્લિત થતો ગયો. પોતે સવાર, સાંજ ને રાત્રે સભામાં બેઠા જ હોય, તેથી સૌને સહેજે દર્શન થાય. ઘર, મંદિર, શેરી, બજાર, વાડી કે ખેતર જ્યાં પોતે બેઠા હોય ત્યાં કાંઈક ને કાંઈક નવીનતા દેખાય. ક્યારેક અદભુત પ્રતાપ પણ જણાવે.