૪૭૪ - દેવળીઆમાં પારાયણ તથા મૂર્તિપ્રતિષ્ઠા

0:000:00

થોડા દિવસ થયા ત્યાં વળી મિસ્ત્રી પ્રેમજીભાઈનો કાગળ બાપાશ્રી પર આવ્યો કે, ‘તમે ક્યારે આવશો તે મને લખી જણાવવા દયા કરશો. જો તમારો કાગળ નહિ આવે તો મારે જાતે તેડવા આવવું પડશે.’ આવો પત્ર વાંચી બાપાશ્રીએ તેમને તુરત પ્રત્યુત્તર લખાવ્યો જે, ‘ અમો કથાટાણે આવી પહોંચશું, ચિંતા કરશો નહિ.’ પછી પોતે ગામના ચાર-પાંચ હરિભક્તો તથા રામપુરવાળા દેવરાજભાઈને સાથે લઈ ગાડી જોડાવીને પારાયણને દિવસે સવારમાં દેવળીએ પધાર્યા ને મંદિરમાં દર્શન કરી તેમને ઘેર ગયા. ત્યાં મંડપ નીચે સંત-હરિભક્તોની મોટી સભામાં પાટ પર મહારાજ બિરાજતા હતા ને આગળ ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા વંચાતી હતી. બાપાશ્રી તથા દેવરાજભાઈ આદિ સહુએ શ્રીફળ મૂકી, પુરાણી તથા પુસ્તકની પૂજા કરી સૌને ‘ જય સ્વામિનારાયણ’ કર્યા. તે વખતે સભામાં સૌને હર્ષનો પાર રહ્યો નહિ. થોડી વારે સમય થયો ત્યારે સમાપ્તિ થતાં સંત-હરિભક્તો એક પછી એક ઊઠી ઊઠીને બાપાશ્રી તથા દેવરાજભાઈ વગેરેને મળ્યા ને કુશળ સમાચાર પૂછ્યા.

આ પારાયણમાં રામપુરથી મુક્તરાજ ધનબા, તેમનાં સેવક કાનબા સાથે આવેલાં હતાં તથા બાપાશ્રીનાં પુત્રીઓ વાલબા તથા રાધાબા તે પણ પ્રથમથી આવેલાં, એટલે બાપાશ્રી આવ્યાની ખબર પડતાં તેમણે પોતાને ઉતારે બાપાશ્રી માટે થાળ તૈયાર કર્યો ને કહેવરાવી દીધું જે, ‘ તમો ઠાકોરજીને જમાડવા અહીં આવજો.’ મિસ્ત્રી પ્રેમજીભાઈને હેત ઘણું હોવાથી એ તો પારાયણનો પ્રારંભ થયો ત્યાં સુધી વરસાદની પેઠે વાટ જોઈ રહ્યા હતા, તે બાપાશ્રી પધાર્યા એટલે અત્યંત રાજી થયા ને પુત્ર-પરિવાર આદિ સહુને દર્શન કરાવી પોતાની બેઠકનો હૉલ હતો તેમાં ઉતારો કરાવ્યો. ત્યાં તો પુરાણી કેશવપ્રિયદાસજી સાકર નાખેલ ઊનું દૂધ ઠાકોરજીને જમાડી પાવા લાવ્યા. પોતાને દૂધની જરાય રુચિ નહોતી, પણ આ પુરાણી મર્યાદી બહુ એટલે વગર બોલ્યા હાથમાં વાટકો લઈ પાસે ઊભા રહ્યા. તે જોઈ બાપાશ્રી કહે, ‘ પુરાણી! આ શું લાવ્યા?’ ત્યારે કહે, ‘બાપા! આજ ટાઢ વધુ છે ને આપ વહેલા નીકળ્યા હશો તે આ જરા ઊનું ઊનું દૂધ મહારાજને પાઓ તો સારું.’ એમ કહેવાથી રાજી થઈને બાપાશ્રીએ તે દૂધ પીધું. પછી મોડેથી સંતોની પંક્તિ થઈ ત્યારે દર્શન કરી પોતે દેવરાજભાઈને સાથે લઈ મુક્તરાજ ધનબાને ઉતારે ઠાકોરજીને જમાડી આવ્યા.

આવી જ રીતે માગશર સુદ પૂનમને દિવસે કથાની સમાપ્તિ થવાની હતી ત્યાં સુધી રોજ સવાર-સાંજ જમવા જતા. કોઈ વાર બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આગ્રહ કરી જમાડે અથવા પુરાણી કેશવપ્રિયદાસજી દૂધ પાય તો તેમના હેતને લીધે થોડું અંગીકાર કરે. સભામાં તો સવાર-સાંજ આગળથી આવીને બેઠા જ હોય. પ્રેમજીભાઈ કથા વાંચનાર પુરાણી સાથે દરરોજ બાપાશ્રીની ચંદન, કુંકુમ ને ફૂલના હારથી પૂજા કરે. પુરાણી પણ બાપાશ્રીને હાર પહેરાવે. ગામડેથી હરિભક્તો આવ્યા કરે તે સહુ દર્શન કરી પુરાણી તથા બાપાશ્રીને હાર પહેરાવી રાજી કરે. કથામાં ગૃહસ્થ ને ત્યાગીના ધર્મનિયમની વાત આવે ત્યારે પોતે એમ કહે કે, ‘જોજો! મહારાજ શું કહે છે ને આપણથી શું થાય છે! શ્રીજીમહારાજ ચોખ્ખા કરીને આપણને અક્ષરધામમાં લઈ જવા સારુ આ ભલામણ કરે છે, માટે આપણે પણ ખટકો રાખવો.’ આ રીતે ક્યારેક કથાની સમાપ્તિ પછી વાતો કરે ને ક્યારેક આસને હરિભક્તો બેઠા હોય ત્યારે વાતો કરે. નાહવા જાય ત્યારે દેવરાજભાઈ કે કરસન ભક્ત આદિ સાથે જાય. કોઈ વાર મંદિરમાં નાહવાનું કરે ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી અથવા કોઈ હરિભક્તો ઊનું જળ તૈયાર કરી લાવે તે લઈ નાહ્ય. પારાયણ ઉપરાંત સવાર-સાંજ વચનામૃત વંચાય, તેમાંથી પ્રસંગ નીકળે ત્યારે પણ પોતે વાતો કરે. એ વખતે બાપાશ્રીને થોડો થોડો બંધકોષ જણાતો હોવાથી રોજ રાત્રે થોડું એરડિયું દૂધમાં ભેળવીને પીતા, તેથી વહેલામોડા જ્યારે નાહવાનો સંકલ્પ થાય ત્યારે બહારના ભાગમાં કૂવે નાહવા જતા. આમ એ પારાયણમાં બાપાશ્રીએ સંત-હરિભક્તોને ઘણો લાભ આપ્યો હતો.

પૂનમને દિવસ સમાપ્તિ થઈ ત્યારે મિસ્ત્રી પ્રેમજીભાઈ તથા તેમના પુત્રોએ મળી ઠાકોરજીને ભેટ મૂકી, પુસ્તક-પુરાણીની પૂજા કરી આરતી ઉતારી સંતોને વસ્ત્રો ઓઢાડી રાજી કર્યા. પછી બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવવાની હતી, તેથી બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત ત્યાં ગયા ને ચંદન, કુંકુમ ને પુષ્પહારથી મહારાજની પૂજા કરી વિધિ સહિત પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી સૌ ‘જય’ બોલ્યા. પછી સૌને જમવાનો સાદ થયો, એટલે હરિભક્તો જમવા ગયા. જ્યારે પંક્તિઓમાં સહુને પીરસાઈ રહ્યું ને ‘જય’ બોલાણી ત્યારે સહુ મહારાજને સંભારી જમવા લાગ્યા. તે વખતે બાપાશ્રી દેવરાજભાઈ સાથે ત્યાં આવ્યા ને સૌ પર કૃપાદૃષ્ટિ કરતાં ઘણી વાર પંક્તિમાં ફરીને ત્યાથી બાઈઓને ઉતારે ઠાકોરજીને જમાડી મિસ્ત્રી પ્રેમજીભાઈના આગ્રહથી તેમને ઘેર પધાર્યા. ત્યાં નાનામોટા સહુએ હાથ જોડી પ્રાર્થના કરી બાપાશ્રીને રાજી કર્યા. આ રીતે દેવળીઆમાં દર્શન આપી બાપાશ્રી ચાલ્યા તે વળતાં મિસ્ત્રી ગોવાભાઈ તથા તેમના પુત્રોએ કુંભારિયામાં રોકવા ઘણી તાણ કરી, પણ ત્યાં વધુ ન રોકાણા ને મંદિરમાં દર્શન કરી થોડી વાર તેમને ઘેર જઈ બેઠા ને સૌ ને રાજી કર્યા પછી ગામના હરિભક્તોને દર્શન, આશીર્વાદે સુખિયા કરતા દેવરાજભાઈ આદિ હરિભક્તોએ સહિત બાપાશ્રી સીનોગ્રે તથા ખંભરે થઈ વૃષપુર પધાર્યા.