૪૬૨ - સોની હરિભક્તની સેવા
આ રીતે અનેક પ્રકારે સામર્થ્ય જણાવતા બાપાશ્રીએ જ્યારે મૂળીએથી કચ્છમાં જવાનું નક્કી કર્યું, ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના સંતો તથા સેવક આશાભાઈને સાથે લઈ ઠેઠ વૃષપુર સુધી મૂકવા જવા સાથે તૈયાર થયા. પછી બાપાશ્રી આદિ સહુ ચાલ્યા ત્યારે સ્ટેશન સુધી ઘણા સંત-હરિભક્તો વળાવવા આવ્યા. મૂળીથી ગાડી જ્યારે વાંકાનેર પહોંચી, ત્યારે સ્ટેશને સામા આવેલા હરિભક્તોએ આગ્રહ કરવાથી બાપાશ્રી અને સંતો ત્યાંના મંદિરમાં ગયા. ત્યાં ઠાકોરજીના દર્શન કરી થોડી વાર બેસી વાતો કરી સૌને રાજી કર્યા. ત્યાંથી ચાલતી વખતે બાપાશ્રીને નસકોરી ફૂટી ને જરા લોહી નીકળ્યું હોય તેમ જણાયું કે તુરત પાસે ઊભેલા એક સોની હરિભક્તે પોતાની પાસે રાખેલ ખેસ ફાડીને લૂગડાનો ચીરો લૂવા આપ્યો, તેથી તેમના પર બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂક્યા ને કહ્યું કે, ‘આવું થાય! તમે ભારે સેવા કરીને ટાણું સાચવ્યું!’
પછી ત્યાંથી બાપાશ્રી હરિભક્તોએ સહિત સ્ટેશને આવી ગાડીએ બેઠા ને રાજકોટ પહોંચ્યા ત્યારે ત્યાં રેલવેમાં નોકરી કરતા હરગોવિંદભાઈએ ટપાલના કોથળા જે ગાડીમાં ભર્યા હતા તેના પર લૂગડૂં પાથરી, બાપાશ્રીને તે પર બેસારી સ્ટેશન બહાર લાવ્યા; પછી ગાડીમાં બેસારી ઘણાં વિનયવચનો કહી રાજી કરી દીધા. પછી ત્યાંથી સામા આવેલા હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં આવ્યા ને ઠાકોરજીના દર્શન કરી સંત-હરિભક્તોને આશીર્વાદ આપી પાછા રેલે બેસી જામનગર પધાર્યા. ત્યાંથી તે દિવસે જ કચ્છમાં જવાનો ઠરાવ હતો, પણ આગબોટ સાફ થવા ગઈ હતી તે બીજા ત્રણ દિવસ પછી આવશે એવું સાંભળ્યું, તેથી સંતોએ સહિત બાપાશ્રી ત્યાં ચાર દિવસ રહી સૌને કથાવાર્તા તથા દર્શનસેવા વગેરેનો ઘણો લાભ આપતા હતા.
એક દિવસ તે ગામમાં રહેતા વિપ્ર રતિલાલભાઈ, જે બાપાશ્રીને ઘણીવાર રમૂજી વચનોથી પ્રસન્ન કરતા તથા યજ્ઞપ્રસંગે બનતી સેવાઓ કરી મોજ લેતા તે આ વખતે મૂળીથી સાથે આવેલા, તેમણે બાપાશ્રી પાસે રમૂજ કરતા પૂછ્યું જે, ‘બાપા! મોટાનો રાજીપો કેમ થાય?’ ત્યારે બાપાશ્રી કહે, ‘દ્રૌપદીના જેવું ક્યારેક ટાણું આવી ગયું હોય ને જો તેવો સમય સાચવતાં આવડે તો તુરત રાજીપો થઈ જાય.’ આ વચન સાંભળતાં, વાંકાનેરમાં બાપાશ્રીને નસકોરી ફૂટતાં સોની હરિભક્તે ખેસ ફાડી આપેલ ત્યારે પોતે પાસે ઊભા હોવાથી એ વાત યાદ આવી ગઈ, તેથી પશ્ચાત્તાપ કરતા પ્રાર્થના કરવા લાગ્યા. પછી તે જ દિવસે પોતાને ઘેર તેડી જઈ ઘરમાં નાનામોટા સહુને દર્શન કરાવ્યાં. ને કેટલાંક વિનયવચનોથી બાપાશ્રીને રાજી કરી મોક્ષના આશીર્વાદ લીધા.