૬૫૬ - હરિભક્તોના આગ્રહથી કેરે પધાર્યા

0:000:00

પછી બીજે દિવસ કેરાના હરિભક્તો પોતાને ગામ લઈ જવા માટે ગાડાં લઈ તેડવા આવ્યા, તેમની સાથે બાપાશ્રી તથા સંતો કેરે જવા ચાલ્યા. ત્યારે ગામના બધા હરિભક્તો નાગધરા સુધી ભેળા આવ્યા. ત્યાં બાપાશ્રી તથા સંતો નાહીને સૌને મળ્યા, પછી રેતીમાં સભા થઈ ત્યારે હરિભક્તોએ ચંદન –પુષ્પથી પૂજા કરી દંડવત્ કર્યા. એ વખતે બાપાશ્રીએ સર્વે હરિભક્તોને પ્રસાદી વહેંચ્યા પછી વાત કરી જે, ‘આ નાગધરામાં શ્રીજીમહારાજ સંતોએ સહિત ઘણી વાર નાહ્યા છે, તથા આવા સંતો મૂર્તિમાં રહેનારા રોજ નાહ્ય છે, તેથી મહારાજ ને અનંત મુક્ત ભેળા નાહ્ય છે, એમ ધારી સ્મૃતિએ સહિત જે આ ધરામાં નાહ્ય છે તેનું તો આત્યાંતિક કલ્યાણ થઈ જ રહ્યું છે ને હવે પછી જે કોઈ નહાશે કે જળપાન કરશે તેને અમે મહારાજના દિવ્ય સુખમાં લઈ જશું.’ એવા આશીર્વાદ આપી બાપાશ્રી તથા સંતો કેરે જવા ગાડીમાં બેઠા, એટલે હરિભક્તો સહુ દંડવત્ કરવા લાગ્યા. એ વખતે ધનજીભાઈ તથા તેમના પુત્રાદિ સર્વનાં હૃદય હેતથી ઊભરાઈ જતાં આંખોમાંથી પ્રેમનાં આંસુ પડવા લાગ્યા. એ સહુને બાપાશ્રીએ માથે હાથ મૂકી ધીરજ રાખવાનાં વચનો કહી રાજી કર્યા. પછી સંતોએ સહિત ત્યાંથી કેરે પધાર્યા.

બાપાશ્રી તથા સંતો પધાર્યા એટલે ત્યાંના હરિભક્તોને પણ હર્ષનો પાર રહ્યો નહિ. ત્યાં સાંજે મોટી સભા થઈ તેમાં સંતોએ મહારાજના મહિમાની બહુ વાર વાતો કરી સૌને રાજી કર્યા. મોડેથી બાપાશ્રીને બહુ આગ્રહ કરી હરિભક્તોએ ખીચડી તથા દૂધ જમાડ્યું. પછી હરિભક્તોએ ચોકમાં આસન પાથરી રાખેલ તે પર આવીને પોતે સૂતા, તે જોઈ સંતો પણ ચોકમાં આવ્યા અને હરિભક્તોએ દોકડ-ઝાંઝ લઈ રાત્રે બાર વાગ્યા સુધી ઉત્સવ કરી કીર્તન ગાયાં.

બીજે દિવસે સવારે બાપાશ્રીએ નિત્યવિધિ કરી ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સંતોને મળી ઓસરીમાં આસન નખાવ્યું, એટલે ત્યાં સભા થઈ, તે વખતે પોતે વચનામૃત વંચાવી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું જે, ‘આજ સૌને વાતો કરો,’ તેથી એ વાતો કરવા લાગ્યા અને પોતે ધ્યાને યુક્ત બેઠા. તે દિવસ બાપાશ્રીની જન્મતિથિ હોવાથી ગામડાંના ઘણા હરિભક્તો દર્શન કરવા આવતાં સમૂહ મોટો થયો. એ જોઈ બાપાશ્રીએ સભામાં વાત કરી જે, ‘શ્રીજીમહારાજ આ સમે અનેકને ન્યાલ કરે છે, તે મૂર્તિ આપણને મળી છે. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો આવી ગયા જેવું છે. તેમના મુક્ત પણ મહાસમર્થ છે. એવા મોટા સાથે જેને હેત થયું તે તો ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચી ગયા એમ જાણવું. ક્યાં મહારાજ ને ક્યાં એમના મુક્ત! આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. મહારાજની મૂર્તિમાંથી નવીન ખુશબો છૂટે છે, એ સુખમાં ગુલતાન રહેવું.’ એવાં મહિમાનાં વચનોથી હરિભક્તો ઘણા રાજી થયા.

પછી બપોરના સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી પ્રસાદીના ધરે નાહવા પધાર્યા, ત્યાં પણ ધૂન્ય કરાવી બહુ વાર પોતે જળમાં બેસી રહ્યા. પછી સંતોને તુંબડા વતે ને હરિભક્તોને લોટા વતે પાણી રેડીને નવરાવ્યા ને જળમાં મળીને સૌને આત્યંતિક મોક્ષનો વર આપ્યો. પછી બહાર આવી સૌએ માનસીપૂજા કરી, ત્યાંથી પ્રસાદીના સાત કુંડ છે, ત્યાં જઈ ઉગમણી કોરે સભા કરી, ત્યારે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા.

એ વખતે બાપાશ્રીએ વાત કરી જે, ‘અહીં આ ગઢનાં સદાબા તથા માનકૂવાના અદાભાઈ એ બન્નેએ પારાયણ કરાવી હતી, સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી પણ આ ઠેકાણે આવીને સભા કરતા. એક વાર આ ગામના તિલાટનો માનીતો બાવો સવાંદ કરવા આવ્યો હતો, તેને સ્વામીશ્રીએ શાસ્ત્રનાં પ્રમાણ આપી વાતો કરવા માંડી તે તેને ફાવી નહિ, પછી તો એ મિથ્યાજ્ઞાનીની પેઠે જેમતેમ બોલવા મંડ્યો તેથી એ તિલાટને બહુ રીસ ચડી ને જાણ્યું જે, આ તો દંભી છે, પછી તે બાવાને તેણે કાઢી મૂક્યો.

પછી વળી બીજી વાત કરી જે, ‘શ્રીજીમહારાજ સદાબાને ઘેરથી કરેલ (ઊંટે) બેસી માનકૂવે જતા હતા ને ભગુજી ભેગા હતા, ત્યાં માર્ગમાં એક કંડો (ખીજડો) આવે છે, ત્યાં મહારાજ ઊંટને બાંધી પોઢી ગયા, ત્યારે ભગુજી પગ દાબવા લાગ્યા; પછી જાગ્યા ત્યારે કરલે બેસી માનકૂવે ગયા. ત્યાં અદાભાઈએ પૂછ્યું જે, ‘મહારાજ! આપ રાત ક્યાં રહ્યા હતા?’ ત્યારે મહારાજ કહે, ‘અમે કેરે રાત રહ્યા હતા ને ત્યાંથી ગરુડ ઉપર બેસીને આવતાં માર્ગમાં એક કદમનું વૃક્ષ આવ્યું, ત્યાં એ ગરુડને બાંધીને અમે સૂઈ રહ્યા, તે વખતે અક્ષરધામના મુક્ત અમારી પગચંપી કરવા લાગ્યા; પછી ત્યાંથી ઊઠીને અમે અહીં આવ્યા.’ આ વાતથી અદાભાઈએ જાણ્યું જે, ‘આજ મહારાજે શાસ્ત્રમાં લખવાની રીતે પોતાની વાત કરી.’ પછી ત્યાંથી સહુ કેરે આવ્યા ને મંદિરમાં સંધ્યાઆરતી તથા કથાવાર્તા થઈ રહ્યા પછી સમય થયો ત્યારે બાપાશ્રી પાછા ચોકમાં આવી ખાટલા પર સૂતા, ત્યાં હરિભક્તોએ ઘણી વાર ઝીલણીઆં કીર્તન ગાઈને બાપાશ્રીને રાજી કર્યા.

બીજે દિવસ સવારમાં બાપાશ્રી નિત્યવિધિ કરી સંત-હરિભક્તોને મળી રમૂજ કરતાં બોલ્યા જે, ‘આજથી અમારું નવું વર્ષ ચાલતું થયું.’ પછી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવીને બેઠા, ત્યારે વચનામૃતની કથા વંચાવા માંડી; તે વખતે મનજી હરજી પાંચાણીએ આવી ‘જય સ્વામિનારાયણ’ કરી પૂછ્યું જે, ‘બાપા! આપણે શું સંબંધી થઈએ?’ ત્યારે પોતે બોલ્યા જે, ‘અમને મનુષ્ય જેવા જાણો તો તમારા કુટુંબી થઈએ અને જેવા છીએ તેવા જાણો તો સર્વના સ્વામી શ્રી પુરુષોત્તમ ભગવાન તેમની મૂર્તિમાં રસબસ છીએ ને જીવોને એ મૂર્તિના સુખમાં રાખવા આવ્યા છીએ, પણ અમે કોઈના બાપ, દીકરા કે સબંધી નથી; અમે તો અનાદિ મુક્ત જ છીએ, અમારી આ લોકમાં કોઈ જોડ નથી.’ એમ પોતાનો અલૌકિક દિવ્યભાવ જણાવ્યો.

એક વાર સ્વામી ભક્તિપ્રીયદાસજી તથા શ્રી વલ્લભદાસજી આદિ સંતો ભૂજથી આવ્યા. તેમણે બાપાશ્રીને મળીને પૂછ્યું જે, ‘બાપા! આપને માંદાઈ સાંભળી હતી તે હવે કેમ છે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! અમે માંદા નથી, માંદા તો દેહધારી હોય, અમે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદાય સુખ લઈએ છીએ ને અમને જે ઓળખે, તેને પણ એવા જ સુખિયા કરીએ છીએ, તમે સૌ અમારા જેવા સુખિયા રહેજો, કેટલાક અમારે વિષે મનુષ્યભાવ પરઠીને દુઃખિયા થાય છે, એવું કોઈ કરશો મા, અમે તો સદાય મહારાજની મૂર્તિમાં રસબસ છીએ, તેના સ્વામિનારાયણ સાક્ષી છે અને જે કોઈ અમારી સામે દૃષ્ટિ રાખશે તેને પણ મૂર્તિના સુખે સુખિયા કરીશું.’

એક દિવસ સવારે કથાવાર્તા કર્યા પછી રામજી વાલજી મેપાણીને ઘેર રસોઈ હોવાથી સંતોએ ત્યાં જઈ ઠાકોરજી જમાડ્યા. એ વખતે રામજીભાઈએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં ત્યારે બાપાશ્રીએ તેમના પર પ્રસન્ન થઈ મોક્ષનું વરદાન આપ્યું.

તે દિવસ બપોરે સંતો નાગધરે નાહવા ગયા અને બાપાશ્રી કુંવરજીભાઈની વાડીએ નાહવા ગયેલા. તે જ્યારે સંતો નાહીને મંદિરમાં આવ્યા ત્યારે એક હરિભક્તને તેડવા મોકલીને બાપાશ્રીએ સૌને કુંવરજીભાઈની વાડીએ બોલાવ્યા, તે સંતો આવ્યા ત્યારે પોતે ઊભા થઈ સૌને મળ્યા; પછી વૃક્ષ નીચે બેઠા હતા ત્યાં હરિભક્તોએ ઘણી વાર કીર્તન બોલી બાપાશ્રી તથા સંતોને રાજી કર્યા. એ વખતે પોતે સંતોને કહેવા લાગ્યા જે, ‘તમે નાહવા ગયા હતા ત્યાં તેમને કાંઈ ખાવા નહિ મળ્યું હોય, લ્યો! અમે તેમને જમાડીએ.’ એમ કહી કુંવરજીભાઈ સુખડી લાવ્યા હતા તે સર્વેને જમાડી, પછી વળી હરિભક્તો પોપૈયાં, દ્રાક્ષ, ટોપરાં તથા વરિયાળી લાવેલા તેની પ્રસાદી આપી સૌને રાજી કર્યા, પછી ત્યાંથી સહુ મંદિરમાં આવ્યા.

થોડી વાર થઈ ત્યાં તો એ ગામના મોટા મોટા હરિભક્તોએ આવીને બાપાશ્રીને હરિભક્તોના ઘેર લઈ જવા પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ પોતે એમ બોલ્યા જે, ‘તમે તો રાત હોય કે દિવસ હોય, પણ અમને ક્યારેય જંપવા દેતા નથી. અમે તો તમે જેમ કહો તેમ કરતા આવીએ છીએ. પણ તમારે વિચાર રાખ્યો જોઈએ!’ એમ કહી થોડી વાર સૂતા, તેથી હરિભક્તો વિચારમાં પડી ગયા કે, ‘આજ બાપાશ્રી રાજી થયા નહિ, હવે શું કરવું?’ ત્યાં તો પોતાની મેળાએ જ બોલ્યા જે, ‘અમને બેઠા કરો, ચાલો તમને રાજી કરીએ! આ તો અમને ચાલતાં થાક લાગે છે, તેટલા સારુ કહીએ છીએ.’ આવાં વચન સાંભળી હરિભક્તોએ પાલખી કરી માંહી બેસાર્યા; પછી જ્યાં જ્યાં હરિભક્તોએ તાણ કરી તે સૌને ઘેર દર્શન દઈ, મંદિરમાં આવ્યા. તે વખતે રાતના બાર વાગ્યાથી પણ વધુ સમય થતાં ગામમાં સોપો પડી ગયો હતો, તેથી હરિભક્તો પર બહુ જ પ્રસન્નતા જણાવી સૌના માથે હાથ મૂકી બોલ્યા જે, ‘પ્રથમ અમે તેમને વઢ્યા તે માટે સહુ રાજી રહેજો, આજ અમે ગુણમાં આવી ગયા કે કેમ થયું તેની ખબર ન રહી.’ ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! આપ તો સદાય દિવ્યસ્વરૂપ છો ને અનંત ગુણના સ્થાનરૂપ છો અને જે કોઈ દૃષ્ટિમાં આવે તેને પણ નિર્ગુણ કરી નાખો છો, તો આપને વિષે માયિક ગુણ કેવા?’ આવાં વચનથી બાપાશ્રી સહુ પર રાજી થયા ને બોલ્યા જે, ‘બહુ મોડું થઈ ગયું છે, તેથી સહુ સૂઈ જાઓ.’ એમ કહી પોતે પણ પોઢી ગયા.