૭૭ - મહિમાની વાતો

0:000:00

સંધ્યા-આરતી પછી રાત્રે સભામાં સ્વામીએ વાત કરતાં ભાઈશ્રીનો મહિમા કહ્યો જે, ‘એમને અખંડ મૂર્તિનું અનુસંધાન રહે છે, તથા સમાધિ થઈ જાય છે, એ કાંઈ સાધારણ વાત ન કહેવાય! શ્રીજીમહારાજ કહે છે કે, એક ક્ષણવાર સમાધિમાં મૂર્તિનું સુખ ભોગવ્યું હોય તોપણ કોટિકલ્પ સુધી વીસરે નહિ, તો આ તો ચાર-ચાર પાંચ-પાંચ દિવસ સુધી સમાધિમાં પડ્યા રહે છે, તે આપણી નજરે માંડવીથી આવ્યા તે જોયું. થોડા દિવસ પહેલાં કાજરડાની સીમમાં છસો હરિભક્તના સંઘે જોયેલું. મૂળીમાં પણ સમાધિ થઈ હતી. નાનપણમાં તો ધાવતા જ નહિ ને ઘણી વાર તો એક એક બબ્બે દિવસ એમ ને એમ પડ્યા રહેતા. એમ તેમનું એ વખતનું ઘણુંય એવું સાંભળ્યું હતું. જેતલપુરમાં સદ્‍ગુરુ ધ્રુવાનંદ સ્વામીને ધામમાં જતાં મહારાજને કહીને ત્રણ દિવસ રખાવ્યા ને ચંદનની વૃષ્ટિ કરાવી. આ બધી વાત બહુ જબરી કહેવાય. સત્સંગમાં આવીને મહિમા સમજતાં આવડે ને આવા મોટા મુક્તને હાથ જોડે, એટલે મહારાજને હાથ જોડ્યા જેટલું ફળ થાય, ને કામ થઈ જાય. સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ આ ફેરે ભૂજમાં અમને રાત્રે ઉઠાડી ઉઠાડીને એમનો મહિમા કહ્યો છે. તમને કહીએ તો જીરવી શકો નહિ. અમારા સાધુમાં પણ સ્વામીશ્રી કેટલાકને કહેતા ને કેટલાકથી છાનું રાખતા. જ્યારે અમે કહીએ કે, ‘સ્વામી! ભલેને આ સાંભળે,’ ત્યારે કહે જે, ‘કીડી માથે લાડવો મૂકીએ તો ખાઈ ન શકે. કેટલાક પૂર્વના બળિઆ હોય ને કેટલાક નવા હોય, બધુંય સેળભેળ ન કરવું, આગળ મોટા સંતો તો જીવને ઓળખતા, માટે આપણે પોતાનો ગોળ ચોળી ખાવો. કાલનો આવેલ જણાતો હોય ને પૂર્વે સદાય મહારાજ ભેળો રહ્યો હોય ને સો વર્ષથી આવ્યો હોય ને પેટ ભરવા સામી નજર હોય એ બેયને ક્યાંથી સરખું સુખ મળે? માટે પાત્ર ઓળખીને મહિમા કહેવો.’ કચ્છમાં હરિભક્તોમાંય કેટલાક સ્થિતિવાળા છે ને બીજા નવા પણ હશે. કેટલાક તો કેડે કેડે ચાલ્યા આવે એવા હોય, માટે બધુંય સરખું ન જાણવું. ભૂજમાં મુક્તરાજ લક્ષ્મીરામભાઈ આવે છે, તે સાધુને દંડવત્ કરવા મંડી પડે છે, ત્યારે હું કહું, ‘ભાઈ! આમાં કેટલાયનું ઘર જશે.’ તો કહે, ‘હું તો મહારાજને દંડવત્ કરું છું.’ એમ તેમને તો મૂર્તિ જ હોય; એવાનો મહિમા જાણવો જોઈએ. દેહાભિમાનીને આવી વાતની ગમ ક્યાંથી પડે? સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા આ ભાઈશ્રી અને કેસરાભાઈ, દેવજીભાઈ જેવા એકાંતે બેસી મહારાજના રહસ્ય-અભિપ્રાયની વાતો કરતા હોય ત્યારે આવી વાતો સમજાય. તેમની વાતોમાં આ લોકની ગંધ જ ન આવે. મહારાજ વિના બીજો પ્રસંગ જ નીકળે નહિ, તોપણ પોતે સૌથી વિશેષ નિયમ પાળે. એમના વૃત્તાંત જોઈને તેમની સ્થિતિની બીજાને હા પડી જાય. આવી વાતો કરી સહુને ભાઈશ્રીનો મહિમા જાણી હેત રાખવાની ભલામણ કરી મંડળ સહિત પોતે ભૂજ પધારવા તૈયાર થયા. સવારે ગામના સૌ હરિભક્તો વળાવવા ચાલ્યા. સાથે ભાઈશ્રી પણ હતા. સૌ બળધેશ્વરથી આગળ જઈ દંડવત્ કરીને મળ્યા. સ્વામીશ્રી તે વખતે બધા હરિભક્તોને એકબીજાનો ભાર રાખી શ્રીજીમહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવાની ભલામણ કરીને ભૂજ પધાર્યા.