૪૬૦ - સંતોને રાજી થઈ વચન આપ્યું
એક દિવસ સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી આ વાત જણાવીને પૂછ્યું જે, 'શ્રીજીમહારાજ તથા આપના જેવા મોટાની કૃપાદૃષ્ટિથી ચાલુ વિક્ષેપનું કોઈ ઉપાયે ઘરમેળે સમાધાન થઈ જાય તો તો સારું, પણ એમ કદાચ ન બને ને કોર્ટે જવું પડે તો પછી અમારે શું કરવું? કેમ કે અમારી અવસ્થા હવે ધામમાં જવા જેવી થઈ ને કોર્ટના કામનો દેહના અંત સુધી પાર ન આવે, તેમ કજિયા-તકરારમાં ભજન-સ્મરણ સુખે થાય નહિ.' ત્યારે બાપાશ્રી કહે, 'સ્વામી! આપણે તો સહુનું સારું થાય એમ કરવાનો ઠરાવ છે, પણ શ્રીજીમહારાજની બાંધેલી પરનાળીકા તૂટતી હોય તો તૂટવા ન દેવી; એટલું તો રાખવું કેમ કે આપણાં મંદિરોમાં શ્રીજીમહારાજની મૂર્તિઓ છે તે પ્રત્યક્ષ ભગવાન છે ને એ સૌના સામું જોઈ રહ્યા છે. કેટલાયના મનોરથ પૂરા કરે છે, દર્શન આપે છે તેથી એમનું જે કાંઈ હોય તે પોતાના ઇષ્ટદેવનું માની બગડવા દેવું નહિ ને એમને અર્થે જે કાંઈ કરવું પડે તે કજિયા-તકરાર ન કહેવાય, પણ પોતાના ઇષ્ટદેવની સેવા ગણાય. આવી સેવા તમ જેવા ધર્મવાળા ને આજ્ઞા પાળનારા સંતો નહિ કરે, તો પછી બીજા કોણ આજ્ઞા લોપનારા કરશે?' આવાં વચનથી સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું કે, 'તો અમને એક વચન આપો કે, આ વિક્ષેપ ચાલે ત્યાં સુધી આપે આપનું આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય ન કરવું.' ત્યારે પોતે પ્રસન્નતા જણાવીને તે વચન આપ્યું ને બોલ્યા જે, 'તમે સહુ હિંમત રાખજો, મહારાજ બધુંય સારું કરશે.'