૬૦૩ - ભૂજ થઈ વૃષપુર આવ્યા
પછી બાપાશ્રી તૂણા બંદર થઈ ભૂજ પહોંચ્યા, ત્યાં ગામડાઓમાંથી ઘણા હરિભક્તો સ્ટેશન પર સામા આવેલા, તેથી ઘણી ભીડને લીધે ધનજીભાઈએ સ્ટેશનમાસ્ટર પાસેથી ખુરશી મગાવી, ત્યાં બાપાશ્રીને થોડી વાર બેસાર્યા; ત્યારે સહુ હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા અને કેટલાકે ફૂલના હાર પહેરાવ્યા. પછી બાપાશ્રી તથા સંતોને ગાડીમાં બેસારી સહુ આગળપાછળ ચાલતા, નારાયણપુરવાળા ખીમજીભાઈ કીર્તન બોલાવતા આવે, એમ સહુ મંદિરમાં આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી નાહ્યા પછી સભામાં પધાર્યા ને સંતોને દંડવત્ કરવા લાગ્યા, પણ સંતોએ ઝાલી લીધા ને આસને બેસારી ફૂલના હાર પહેરાવ્યા. પછી કાનજીભાઈ તથા પૌત્ર રામજીની આંખોના સમાચાર પૂછ્યા, ત્યારે બાપાશ્રીએ પણ ત્યાંના મોટા મોટા સંત-હરિભક્તોની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ને સંતો સાથે વાતો કરી. પછી સંતોએ ઠાકોરજીને જમાડવાનો આગ્રહ બહુ કરવાથી ત્યાં પોતે જમ્યા ને બપોરે થોડી વાર આરામ કરી સંતોએ સહિત વૃષપુર પધાર્યા. ત્યાર પછી તુરત કાનજીભાઈ તથા મનજીભાઈએ પોતાનાં માતુશ્રીનું ઉત્તર કાર્ય કર્યું. તેમાં ગામપરગામનાં સગાંવહાલાંઓ અને સાંખ્યયોગી બાઈઓ સર્વેને જમાડ્યા તથા બાઈઓને સાડલા આપ્યા અને ભૂજમાં રસોઈ આપી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં.
આ વખતે થોડા દિવસમાં જ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘આ ફેરે તમે કારતક મહિનાથી અમારા ભેળા છો તે હવે દેશમાં જાઓ, વળી તેડાવીએ ત્યારે આવજો.’ સંતોને તુરતમાં રજા મળતાં આશાભાઈ વગેરેને ઠીક ન લાગ્યું, પણ આજ્ઞા થઈ એટલે રાજી થકા બીજે દિવસ દેશમાં જવા તૈયાર થયા ને ચાલ્યા ત્યારે ચંદન-પુષ્પથી પૂજા કરી મળ્યા ને પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રીએ પણ તેમની એવી જ રીતે પૂજા કરી સદાય ભેળા રાખવાના આશીર્વાદ આપ્યા.