૬૯૩ - સોનેરી વસ્ત્રો તથા રૂપામહોરની ભેટ

0:000:00

ચૈત્ર વદ છઠને દિવસે સમાપ્તિ હોવાથી બાપાશ્રી સવારમાં વહેલા નિત્યવિધિ કરી સંતોને મળ્યા. તે વખતે અમદાવાદના શેઠ બળદેવભાઈ, કરાંચીના શેઠ લાલુભાઈ તથા પાટડીના મુક્તરાજ નાગજીભાઈ અને ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ તેમ જ ભારાસર, નારાયણપુર વગેરે ગામના મોટા-મોટા હરિભક્તો અને ડૉક્ટર નાગરદાસભાઈ, મણિલાલભાઈ તથા શિવલાલભાઈ આદિ સર્વેને બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈએ કહ્યું કે, ‘આજે સહુ આપણે ઘેર ચાલો, ઠાકોરજીની છાબો ભરાય છે.’ પછી તે સહુ ઘેર આવ્યા ને મંદિરમાં કથાની તૈયારી થવા માંડી. થોડી વારે સોનેરી તથા જરિયાની વસ્ત્રો અને રૂપામહોરથી છાબો ભરી તૈયાર કરી, ત્યારે હરિભક્તોની મંડળીઓએ આગળ ઉત્સવ કરવા માંડ્યો. પછી મંદિર અને ઘર વચ્ચેના ચોકમાં ઘણી વાર કીર્તન બોલી ધામધૂમ કરતાં સૌએ સભામાં આવી ઠાકોરજી પાસે તે છાબો મૂકી. એ ટાણે મંદિરમાં કથા ચાલતી હતી, તેની આઠ વાગ્યે સમાપ્તિ થઈ એટલે બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિ સહુએ મળી આરતી ઉતારી, પુરાણી તથા સંતોને ચંદન ચર્ચી ફૂલહાર પહેરાવી વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે સભામાં ‘આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે,’ એ કીર્તન સંતો બોલાવતા હતા ને હરિભક્તો વારાફરતી સંતોની પૂજા કરતા હતા. પછી સહુ કીર્તન બોલી રહ્યા ત્યારે ભૂજ મંદિર તરફથી બાપાશ્રી તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવવામાં આવી. તેવી જ રીતે હરિભક્તો પણ બે કલાક સુધી સંતોને વસ્ત્રો ઓઢાડતાં બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા લાગ્યા.