૨૧૭ - દાડમનો દાણો દિવ્ય થયો
થોડા દિવસ વીત્યા પછી લૂણાવાડાના રણછોડલાલભાઈ વૃષપુરમાં બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા, ત્યારે પોતાની સાથે બાપાશ્રી સારુ થોડો મેવો તથા એક મોટું દાડમ લાવેલા, તે દાડમ વૃષપુરમાં બાપાશ્રી ઠાકોરજીને જમાડી જમતા હતા ને પાસે રણછોડલાલભાઈ બેઠા હતા, તેવા મુક્તરાજ કેસરાભાઈને દહીંસરામાં દર્શન થવા માંડ્યાં, તેથી તેમને તો આનંદ આનંદ થઈ ગયો. પછી જમતાં જમતાં એક દાણો ચાકળા હેઠે પડી ગયો તે પોતે ચાકળો ઊંચો કરી કાઢ્યો ને રણછોડલાલભાઈને આપી ને બોલ્યા જે, ‘ભાઈ! આટલો એક દાણો ઠેઠ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે લઈ જાય એવો દિવ્ય થઈ ગયો છે.’ એ વચન સાંભળી રણછોડલાલભાઈ ઘણા રાજી થયા.
બીજે દિવસ બાપાશ્રી કહે, રણછોડલાલભાઈ! તમે દહીંસરમાં કેસરાભાઈ બહુ મોટા મુક્ત છે તેમનાં દર્શન કરી આવો.’ ત્યારે તે કહે, ‘ભલે.’ પછી બીજે દિવસ તે દહીંસરે ગયા ને મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કરી કેસરાભાઈને મળ્યા ને દંડવત્ કરી ઘણું હેત જણાવ્યું, ત્યારે કેસરાભાઈએ તેમના સમાચાર પૂછ્યા, તો કહે, ‘બાપાએ મને તમારાં દર્શન કરવા અહીં મોકલેલ છે, માટે મારા પર રાજી થઈ મહારાજના મહિમાની વાતો કરો; આશીર્વાદ આપો. મને કાંઈ તમારી મોટપની ખબર ન પડે.’ ત્યારે મુક્તરાજ કેસરાભાઈ કહે, ‘બાપ! ભલે આવ્યા, મોટપ બધી મહારાજની ને બાપા જેવાની! આપણે તો દાસનાયે દાસ. રાતદિવસ એમને સંભારીએ ને સુખિયા રહીએ.’ આવાં વચનથી રણછોડલાલભાઈએ જાણ્યું જે, ‘આમની સ્થિતિ તો બહુ મોટી લાગે છે. પણ થોડીક વાતો કરે તો સારું,’ એમ જાણી કહ્યું, ‘હું તમારી પાસે મહારાજની વાતો સાંભળવા આવ્યો છું, તો મારા પર દયા કરી થોડી પ્રસાદી આપો.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘બાપ! વાતોમાં હું શું જાણું! તમને બાપાએ વાતો કરવામાં શું બાકી રાખ્યું હશે?’ તોપણ રણછોડલાલભાઈએ આગ્રહ ન મૂક્યો, તેથી પોતે એમ બોલ્યા જે, ‘ભાઈ! તમે બાપાશ્રીને દાડમ જમાડ્યું તે ટાણે તમને ચાકળા હેઠેથી દાણો કાઢીને આપ્યો ને મહિમા કહ્યો ને એ દાણો તમે જમી ગયા, હવે વાતોનું શું બાકી છે?’ આ વાતથી રણછોડલાલભાઈ તો રાજી રાજી થઈ ગયા ને પૂછ્યું કે, ‘ભાઈ! તમે એ ટાણે ક્યાં હતા?’ ત્યારે કહે, ‘ભાઈએ મારા પર દયા કરી છે, તેથી એમના દર્શન થાય છે! કોઈ આવરણ નડતું નથી.’ એ વાત સાંભળીને તે બહુ રાજી થયા. પછી તો મહારાજ તથા મોટાના મહિમાની ઘણી વાતો કરી, તેથી તેમને બહુ સમાસ થયો.