૩૭૬ - નિર્ગુણ મુક્ત અને નિર્ગુણ રીત
આ પ્રકારે સ્વામીશ્રીએ મૂળીમાં ચમત્કાર જણાવી દેહ મૂક્યો તે જ રાત્રે વૃષપુરની સભામાં બાપાશ્રીએ હરિભક્તો પાસે વાત કરી જે, ‘આજે મૂળીમાં સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી આ લોકમાંથી અદૃશ્ય થઈ મહારાજના સુખમાં ચાલ્યા ગયા. ઝાલાવાડ દેશમાં એ ‘જંગમ તીર્થ હતા. તેમની સત્સંગમાં બહુ ખોટ આવી. આવા મોટા સંતના દર્શનમાત્રે કલ્યાણ થાય. એમની શું વાત કહેવી! સાધનીક હજારો હોય, પણ સિદ્ધમુક્તની વાત જુદી એવા બેઠા હોય ત્યાં માયા દબાઈ રહે. એવા મોટા સંતના સંકલ્પથી જીવોના મોક્ષ થતાં જરાય વાર ન લાગે. સાધન કરીને લાખ વર્ષ દાખડા કરે તોય એવું કામ ન થાય.’ એ રીતે મહિમાની વાતો કરી. પછી તો થોડા દિવસ સુધી ગામડાંના જે જે હરિભક્તો આવે તેની પાસે પોતે સ્વામીશ્રીના ગુણનું વર્ણન કરતા તેમ જ મહિમાની વાતો કરી સ્વામીશ્રી ઉપર બહુ જ પ્રસન્નતા જણાવતા.