૬૬૫ - દિવ્યભાવની દૃઢતા કરાવી

0:000:00

બાપાશ્રી આ રીતે વાત કરતા હતા ત્યાં વાલજી લાલજી દર્શને આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કરી કહ્યું જે, ‘બાપા! આપને માંદાઈ બહુ ગઈ.’ એ વખતે કેરાવાળા જાદવજી કડિયા પાસે ઊભા હતા તેને જોઈને પોતે એમ બોલ્યા જે, ‘માંદો તો આ જણાય છે, અમને માંદા કરે એવું કોણ છે?’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘બાપા! હું માંદો નથી, હું તો રોજ કડિયા કામે જાઉં છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘દેહનો મંદવાડ નહિ, આ તો મહારાજના અનાદિ મુક્તને વિષે દિવ્યભાવ ન જાણે ને મનુષ્યભાવ પરઠે તે મંદવાડ.’ આ વાતથી તેણે પ્રાર્થના કરી જે, ‘બાપા! આપને વિષે મને ક્યારેય મનુષ્યભાવ આવ્યો જણાતો નથી, તોપણ જાણે-અજાણે કોઈ વખત મન, કર્મ, વચને કાંઈ સંકલ્પ થઈ ગયો હોય તો દયા કરીને માફ કરો.’ આવાં તેમનાં વિનયવચન સાંભળી પોતે પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ‘અમે તો બધાયના મંદવાડ ટાળીને શુદ્ધ અનાદિ કૈવલ્ય મુક્ત કરીને –એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને –મૂર્તિના સુખે સુખિયા કરવા આવ્યા છીએ એમ સમજો એટલે સાજા.’ ત્યારે તે કહે, ‘બાપા! હવે હું આજથી એમ જ સમજીશ.’ આમ કહ્યાથી બાપાશ્રીએ તેમના પર રાજીપો જણાવી માથે હાથ મૂક્યા.