૩૭૧ - મૂળીમાં સ્વામીશ્રીનું અત્યંત હેત
બાપાશ્રીને એમ જે, ઘણા હરિભક્તો છે તેથી ક્યાંય વધુ રોકાવું નહિ, પણ સ્વામીશ્રીને ખબર હતા કે, ‘સંઘમાં કેટલાક હરિભક્તોને કોલેરા જેવું જણાય છે, તેથી બાપાશ્રીને રાજી કરવા તેમણે આગળથી બાર મણ દહીં મેળવાવી આઠ મણ ખાંડ તૈયાર રાખેલી, તે મહારાજને જમાડી સંઘના હરિભક્તોને દહીં-સાકર પાઈને ટાઢા કર્યા, તેથી જેને જેને નાહવાનું તથા ઊલટીઓ થતી હતી તે સર્વેને શાંતિ શાંતિ થઈ ગઈ. પછી વાંટાવદરના મુક્તરાજ ભૂરાભાઈ પાસે બે ગાડાં તરબૂચ ને આઠ મણ દાડમ મંગાવેલાં તે સુધારી બાપાશ્રીના હાથથી વહેંચાવી સહુને સારી રીતે જમાડ્યા. આવી સેવાથી બાપાશ્રીએ ઘણો રાજીપો જણાવ્યો ને સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું જે, ‘સ્વામી! આ ફેરે તમે ખર્ચ બહુ કર્યું,’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અમે બધાય જમીએ છીએ ને તમે પણ અમારા ભેગા જ છો, તે તમે દુ:ખી થાઓ એ અમારાથી કેમ જોયું જાય? અમે તો તમારા સંઘના ગોર છીએ ને આ સંઘ બધો યજમાન છે, તેથી યજમાન દુ:ખી તો અમેય દુ:ખી. આમાં અમે શું કર્યું છે? આ તો સર્વે તમારું જ છે.’ આવાં વચનથી બાપાશ્રી ઘણા રાજી થયા ને પરસ્પર હેત જણાવી મળ્યા. પછી જ્યારે મૂળીથી ચાલવાનું કર્યું ત્યારે પણ સ્વામીશ્રીએ બીજું મેળવેલ દહીં મોરબી સુધી પહોંચે એટલું ભેળું આપ્યું તથા બાપાશ્રીને ઘણાં વિનયવચનો કહ્યાં ને અતિ હેતે મળતાં હૃદય ભરાઈ આવ્યું ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમારા જેવા સંત ખોળતાં ન મળે! આ તો શ્રીજીમહારાજ અક્ષરધામનો દિવ્ય સાજ લાવ્યા છે, તેથી સહુને અગમ હતું તે સુગમ થયું છે.’ એમ કહી સ્વામીશ્રીને વિષે હેતવાળા સંત-હરિભક્તોને પોતે ભલામણ કરી જે, ‘સ્વામીશ્રીને હવે સેવાએ રાજી કરી લેજો. આવા મોટા સંત મળવા બહુ દુર્લભ છે.’ એવાં મહિમાનાં વચનોથી સંત-હરિભક્તોએ જાણ્યું જે, ‘બાપાશ્રી મર્મમાં કહે છે, પણ આપણે તો બને તેટલી સેવા કરી તેમને રાજી કરી લેવા.’