૫૨૧ - મલીર તથા હવાબંદર પધાર્યા
કરાંચીથી મલીર છસાત ગાઉ જેટલું દૂર છે, ત્યાં એક દિવસ ઉકાભાઈ, હીરાભાઈ તથા સાંવલદાસભાઈ વગેરે પોતાને બગીચે બાપાશ્રી તથા સંત-હરિભક્તોને મોટરમાં તેડી ગયા હતા. મલીરમાં બગીચા ઘણા હોવાથી પોતે આસપાસ ચારે તરફ વૃક્ષની ઘાટી ઝાડી તથા મનુષ્ય, પશુ, પક્ષીઓ પર કૃપાદૃષ્ટિ કરતા તેમના બગીચામાં કૂવા પાસે પાણીનો મોટો હોજ હતો તેમાં નાહ્યા, એ વખતે સંત-હરિભક્તો ધૂન્ય કરે ને પોતે સૌ પર પાણી ઉછાળે, એમ રાજીપો જણાવતા પોતે વારાફરતી એ હોજમાં સૌને મળ્યા ને નાહતા હતા ત્યાંથી પ્રસાદીનું જળ કૂવામાં નાખી એમ બોલ્યા જે, ‘આ કૂવાનું પાણી જે કોઈ પીશે તેનો અમે મોક્ષ કરશું’ –એ વર આપ્યો. પછી કોરાં વસ્ત્ર પહેરી તેમના બંગલામાં પધાર્યા. ત્યાં મગજના લાડુ તથા પૂરી આદિ કોરો થાળ તૈયાર રાખેલ હતો તે તથા બગીચામાંથી આવેલ મેવો વગેરે પોતે ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી આપી. એ વખતે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોને રાજી કરવા બાપાશ્રીના આસન સામે ચોકમાં બેસી ઘણી વાર ઉત્સવ કર્યો તથા ગરબીમાં કીર્તન ગાયાં. પછી બાપાશ્રી પ્રસન્ન થઈને એમ બોલ્યા જે, ‘મહારાજે વચનામતમાં કહ્યું છે કે, અમને વન, પર્વત ને જંગલ બહુ ગમે છે, તેવું આ સ્થાન રળિયામણું છે. મહારાજ જ્યારે વનમાં ફરતા ત્યારે ઘાટી ઝાડી ને મોટાં વન-પર્વત મૂકીને વસ્તીમાં આવવાનું તેમને ગમતું નહિ, એવું લોજમાં પધાર્યા ત્યાં સુધી રાખ્યું.’ હવે તો ગામ વચ્ચે વન કરી દીધાં છે, તે ગામોગામ મંદિરો થઈ ગયાં છે. એ મંદિરમાં સંત-હરિભક્ત વિના બીજું કોઈ રહી જ ન શકે. આપણું વન એ. જ્યાં મહારાજ ત્યાં આપણે રહેવાનું,’ એમ વાતો કરી સહુને રાજી કર્યા.
એક દિવસ હવાબંદર જે દરિયાનો કિનારો છે, ત્યાં હરિભક્તોની પ્રાર્થનાથી બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત મોટરમાં બેસી પધાર્યા ને ત્યાં સમુદ્રમાં પોતે ઘણી વાર ધૂન્ય કરાવી નાહ્યા. પછી કોરાં વસ્ત્રો પહેરી સૌને મળી આશીર્વાદ આપ્યો.
આ રીતે નિત્ય પ્રત્યે નવું નવું હેત ને પ્રસન્નતા જણાવતા, જ્યાં જ્યાં હરિભક્તો તેડી જાય ત્યાં દર્શન આપી સૌને રાજી કરતા ને મહારાજ તથા મોટા મુક્તની ચમત્કારી વાતો કરતા.
સભામાં વાતો કરતા હોય ત્યારે પણ ઘણી વાર એમ બોલતા જે, ’શ્રીજીમહારાજ પોતાની ઈચ્છાથી અહીં મનુષ્યરૂપે દર્શન આપે તેમાં જેમ દેહ-દેહીભાવ નથી, તેમ મોટા મુક્તનું જે દેખાવું છે, તે પણ શ્રીજીમહારાજના સંકલ્પથી જ છે અને એ મુક્ત તો મૂર્તિમાં લુબ્ધ જ રહે છે; માટે મહારાજે જે મુક્ત દ્વારાએ અનેક જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો હોય તે મુક્તસ્વરૂપ પણ દિવ્ય છે, પણ તેમાં મનુષ્યભાવ નથી. મુક્તસ્વરૂપ છે ને મહારાજ સ્વરૂપી છે. અહીં દેખાય છે, તોપણ મૂર્તિમાં જ રહેલા છે, ક્યારેય જુદા રહેતા નથી. રસબસભાવે ભેળા રહે છે અને એવા મુક્તનું બોલવું, ચાલવું, ખાવું, પીવું એ સર્વે શ્રીજીમહારાજને આધીન છે. જેમ સાધનદશાવાળા ખાય, પીએ, ઊઠે, બેસે તે બધું દેહને આધીન થકા કરે છે, તેમ મુક્તની સર્વે ક્રિયા મહારાજને આધીન છે. મહારાજ સ્વામી અને મુક્ત સેવક. મહારાજ સુખના દાતા ને મુક્ત સુખના ભોક્તા, એમ જુદાપણું છે, એવા મુક્ત મૂર્તિમાંથી અખંડ સુખ લીધા જ કરે છે, તોય તેને અપારપણું મટતું નથી ને મૂર્તિમાંથી નવીન નવીન સુખ આવતાં જ જાય છે, તેથી પોતાને આનંદ પણ વધતો ને વધતો જ જાય છે, એવા અનંત મુક્ત મહારાજના સુખમાં ગરકાવ થકા અખંડ રહે છે.’
એક દિવસ વર્તમાન સંબંધી વાત કરતાં એમ બોલ્યા જે, ‘મહારાજે પાંચ વર્તમાન કહ્યા છે, એટલું જીવ પાળે ને મહારાજનો દૃઢ આશરો હોય તો પછી તેને અક્ષરધામમાં જતાં કોઈ રોકે નહિ, પણ એ વિના તો મોક્ષ ન થાય.’
આવી રીતે ઘણી વાર ચમત્કારી વાતો પોતે કરતા તેમ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પણ મહા સમર્થ, સાથે હોવાથી સભામાં અખંડ મહારાજના મહિમાની ને દિવ્યભાવની વાતો થયા કરતી.