૨૧૦ - છ મહિનાની દીકરી દેહ મૂકતાં દિવ્ય દર્શન!

0:000:00

ત્યાર પછી હરજીભાઈને થોડે થોડે નિરાંત થઈ ગઈ. પણ થોડા વખત પછી વળી ધનજીભાઈની છ મહિનાની દીકરીએ દેહ મૂક્યો, એ ટાણે ગામમાં એક હરિભક્તને એવાં દર્શન થયાં કે જાણે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી એને તેડવા આવ્યા. આ વાત તેણે ધનજીભાઈને ઘેર આવીને કરી તેથી સૌ આશ્ચર્ય પામ્યા.

થોડા દિવસે બાપાશ્રી નારાયણપુર ગયા, ત્યારે તે હરિભક્તે આવીને કહ્યું કે, ‘બાપા! ધનજીભાઈના ઘરમાં જેટલા મરે તેને તમે મહારાજ ભેળા આવીને અક્ષરધામમાં મૂકી આવો છો, એમ એમના ઘરના સૌ વાતો કરતા હતા, તેથી હું જાણતો હતો. પણ આ ફેરે તો તેમની છ મહિનાની નાની દીકરી કાનબાઈએ દેહ મેલ્યો ત્યારે પણ તમે મહારાજ ભેળા હતા, એવું મારા જોવામા આવ્યું! આ તે શું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ જાદવજીભાઈનું ઘર તે અમે અમારું ઘર માન્યું છે. ધનજીમાં પણ એમના જેવા જ ગુણ છે. મને જુએ કે છોકરાં બધાંય ‘બાપા! બાપા!’ કરે. સૌને અમારો વિશ્વાસ છે. તેથી તેની ચિંતા રાખવી પડે છે, બીજું તો શું, પણ એના ઘરમાં થાળ થાય છે, તેમાં કઈ કઈ ચીજ થઈ રહી છે, તેની પણ અમારે ચિંતા હોય; એમના ઘરમાં સાંખ્યયોગી અમરબાઈ છે, તે પણ ભોળાં, વિશ્વાસુ ને પવિત્ર છે; મહિમાવાળાં પણ એવાં. અમારા આવ્યાની ખબર પડે કે, રોટલા ખીચડીના થાળ તૈયાર કરી રાખે, તે અમે ઠાકોરજીને જમાડીએ. માટે એટલી ચિંતા તો રાખવી જ પડે ને!’ એમ બોલ્યા.