૪૬૫ - મંદિરનો મહિમા તથા મોટાનો અભિપ્રાય

0:000:00

પછી તો બે પક્ષને લીધે પ્રસંગે પ્રસંગે કાંઈ ને કાંઈ વિક્ષેપ જણાય ત્યારે સંત-હરિભક્તો બાપાશ્રીને લખી જણાવે કે, ‘હાલ અહીં આ રીતે ચાલે છે.’ ત્યારે બાપાશ્રી તેમને એમ લખાવે જે, ‘સૌ મહારાજનાં વચન સામી સૂરત રાખજો. આપણે સત્સંગમાં મૂર્તિ સિદ્ધ કરવા આવ્યા છીએ તે કામ રહી જાય ને બીજે માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. શ્રીજીમહારાજની મૂર્તિ મંદિરોમાં અનેક સ્વરૂપે બિરાજે છે તે અને જે અક્ષરધામમાં તેજોમય મૂર્તિ રહી છે એ બેમાં રોમનો ફેર નથી, માટે સદાય પ્રત્યક્ષભાવ રાખી તેમના રાજીપાની તાણ રાખજો. શ્રીજીમહારાજે ગઢપુરનું મંદિર થતું હતું તે વખતે પોતે સોનેરી પાઘ ઉપર પાણો ઉપાડી સેવાનો તથા મંદિરનો મહિમા જણાવ્યો છે. વડતાલનું મંદિર થતું હતું તે વખતે પણ એક પટેલીએ કહ્યું હતું કે, ‘મહારાજ! તમે આવી મહેનત કરો છો તે ઠીક નથી લાગતું. કહો તો હું દાડીયા તથા ગાડાં મોકલાવું, પણ તમે દાખડો ન કરો.’ ત્યારે શ્રીજીમહારાજે તેને એમ કહ્યું જે, ‘અમે જમીનમાંથી સોનાનાં મંદિર તૈયાર કાઢીએ એવા છીએ, પણ આ તો સહુને સેવા થાય તે માટે કરીએ છીએ.’ એવી જ રીતે મૂળીનું મંદિર થયું હતું ત્યારે પાણાની ખાણે પાણીની તાણ પડતાં મહારાજે સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપી વાવ બતાવી. આમ જેટલા મંદિર થયાં છે તેમાં મહારાજની પ્રસન્નતા બહુ હતી, કેમ કે એવા સ્થાનમાં સૌના કલ્યાણ કરવાનો સંકલ્પ છે. અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, ‘જેને વગર દાખડે પોતાનું કલ્યાણ જોઈતું હોય ને ઝાઝું કાંઈ જાણતો ન હોય તેને એક એક બાઈ-ભાઈનું મંદિર બંધાવી દેવું, એટલે એનું સહેજે કલ્યાણ થાય.’ આવો મોટાનો અભિપ્રાય જાણી આવાં કલ્યાણકારી મંદિરોનો મમત્વ રાખવો ને બનતી સેવા કરવી, પણ પરસ્પર એકબીજાનો દ્રોહ ન થાય એ જાળવવું. આ સત્સંગરૂપ શ્રીજીમહારાજની ફૂલવાડી છે તેનું રક્ષણ કરવું, આ લોકમાં ઝાઝું રહેવાય તેવું નથી, માટે મોટા મોટાના સિદ્ધાંત પ્રમાણે ચાલવું.’ આવાં ભલામણ વચનોથી સંત-હરિભક્તો અત્યંત રાજી થતા. પોતે તો રોજ સવારમાં વહેલા નાહી પૂજા કરી લે, પછી આઠ વાગ્યા સુધી કથાવાર્તા કરી ઠાકોરજીને જમાડી વાડીએ જાય. ત્યાં કોઈ હરિભક્ત આવે તો તેને મહારાજની વાતો કરે. પાછા સાંજે ઘેર આવે ત્યારે જરા ખીચડી જમાડી મંદિરમાં આવતા રહે તે છેલ્લી કથા સુધી સભામાં બેસે. સૂતા હોય ત્યારે પાસે બેસી હરિભક્તો સેવા કરતા હોય તેને વાતો કરી રાજી કરે, પ્રસાદી આપે, કોઈ હેતે સહિત સંભારે તો તેને દર્શન આપે, મહારાજ કોઈને તેડવા પધાર્યા હોય તો ત્યાં પણ ભેળા દેખાતા હોય. આમ દિવસે દિવસે પોતે અલૌકિકભાવ જણાવી અનેકને સુખિયા કરતા હતા.