૬૯૨ - ઠાકોરજીના ફુલેકાની ધામધૂમ

0:000:00

બે દિવસ ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી ત્યારે પણ અદભુત શોભા બની રહી હતી. શ્રીજીમહારાજ પાસે છડીદાર ઊંચે સ્વરે છડી બોલે, આગળ ચમર ઢોળાય, હરિભક્તો મંડળીઓમાં ઉત્સવની ઝીક વગાડે, આરતી વાગે, કેટલાક હરિભક્તો મંડળીઓને પાણી પાય, ગુલાલ ઉડાડે, શેરીએ શેરીએ પાલખી નીકળતાં સહુ મહારાજનાં દર્શન કરે, હરિભક્તોને ઘેર બાઈઓ મહારાજને વધાવે, ત્યારે શ્રીફળ તથા રૂપામહોર ભેટ મૂકે, મંડળીઓમાં એવાં એવાં કીર્તનો બોલાય જે, ‘મારો વા’લોજી વડતાલ આવ્યા,’ ‘મહારાજ આજ વડતાલથી આવશે,’ ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી,’ ‘લટકાળો લટકંતો રે આવે.’ વળી કેટલાક પ્રેમી હરિભક્તો એકબીજામાં સંવાદ કરવાની પેઠે કીર્તનો બોલે જે, ‘ઊઠ ઊઠ રે ભીમકની નાર, તોરણે આવ્યા જગદાધાર,’ ત્યારે બીજા એમ બોલે જે, ‘રાય રે તારાં શહેર બહુ સાંકડાં, મારા હરિવરના હાથીડા ન માય;’ કોઈ ‘આજ સખી આનંદની હેલી’ તો કોઈ ‘વા’લો વધાવું મારો વાલો વધાવું,’ - આ રીતે સહુ ઉમંગથી કીર્તનો બોલતા આવે. એ વખતે શેરીઓમાં એવી ભીડ થાય કે કોઈ આવે-જાય એટલી પણ જગ્યા મળે નહિ. આમ શેરીએ શેરીએ ફરતાં જ્યારે ગામ વચ્ચે સૌ આવે ત્યારે ચોકમાં ઊભા રહી હરિભક્તો સામસામા સલોકા બોલે. આ રીતે આખા ગામમાં ફરી ગાજતેવાજતે સહુ મંદિરમાં આવે ત્યારે મંડળીઓમાં પરસ્પર કીર્તનો બોલતા મંદિરના બારણામાં બબ્બે કલાક થઈ જાય, પણ કોઈ થાકે નહિ. એ બધાય જ્યારે ચોકમાં આવે ત્યારે બાપાશ્રી સૌને રાજી થઈને પ્રસાદી આપે. વળી રાત્રે વાડીઓમાં ગામોગામના હરિભક્તો કિટસન લાઈટો વચમાં રાખી આખી રાત ગરબીઓ ગાય ને કેટલાક ઉત્સવ પણ કરે. ઊંઘ-ઉજાગરાનું તો કોઈ ગણે જ નહિ. આ પ્રકારે ધામધૂમ થતાં આ યજ્ઞમાં જાણે વૃષપુર મોટું ધામ બની ગયું હોય, તેમ સૌને જણાતું હતું.