૫૫ - યાત્રાસંઘ

0:000:00

અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની અગાધ સ્થિતિ હોવાથી તથા તેમના આવા સાદા વર્તનથી, તેમ જ સદ્‍ગુરુ નિર્ગુંણદાસજી સ્વામીશ્રીના ઉપદેશવચનથી ભૂજ તથા ગામડાંઓમાં ઘણા હરિભક્તોએ હવે તેમને સારી રીતે ઓળખી લીધા હતા, જેથી સમૈયા-ઉત્સવ પ્રસંગે અથવા જતાં-આવતાં હરકોઈ બહાને તેમનાં દર્શન કરી સૌ રાજી થતા. હવે સંત-હરિભક્તો આવે તેને પોતે ક્યારેક વાતો કરતા હોવાથી દિનપ્રતિદિન દિવ્યભાવ વધતો જતો હતો. સૌને તેમના ભેળા રહેવાની તાણ રહે, પણ ખેડના ધંધાને લીધે નિવૃત્તિ થોડી મળે, તેથી ભૂજ કે ગામડામાં જ્યારે સમૈયા પ્રસંગે હરિભક્તો ભેળા થાય ત્યારે હવે એવી વાત થવા માંડી કે, ‘આપણે સંઘ કાઢી યાત્રામાં ગયા હોઈએ તો ઠીક.’ આ વાત એક વખત મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈએ ભાઈશ્રીને જણાવી ને પૂછ્યું કે, ‘ભાઈ! સંઘ સોંઢે તો તમે ભેગા ચાલો કે કેમ?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ભલે, તમે સાથે ચાલશો તો હું આવીશ. કરજ તો માથે છે, પણ મહારાજ પોતે પૂરું કરશે. એમને સૌની ચિંતા છે.’

અનાદિ મુક્તરાજ ભાઈશ્રી મોટો સંઘ લઈ તિર્થયાત્રામાં કેવી રીતે પધાર્યા, તે વાત હવે વિચારીએ.

સંવત ૧૯૪૨ની સાલમાં વસંતપંચમીનો ઉત્સવ મંદિરમાં હતો. તે વખતે હરિભક્તોમાં પરસ્પર એવી વાત ચાલી કે, આપણે મોટો સંઘ કાઢી તીર્થયાત્રામાં જઈએ તો દર્શનનું સુખ સૌને સારું આવે. માર્ગમાં કથા, વાર્તા, આરતી, ધૂન્ય થાય, ગામોગામના હરિભક્તોની ઓળખાણ થાય, મોટાં મોટાં મંદિરોમાં ઠાકોરજી તથા નાનામોટા સંત-હરિભક્તોનાં દર્શનનો લાભ મળે. આ વાત કેટલાક હરિભક્તોએ ભાઈશ્રીને જણાવી, ત્યારે ભાઈશ્રી કહે, મને આ વાત મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈએ થોડા દિવસ પહેલાં કરી ને સાથે ચાલવા કહ્યું છે, તેથી જો સંઘ સોંઢશે તો હું સાથે આવીશ. આવાં વચન સાંભળી હરિભક્તોમાં વધુ આનંદ થયો.

થોડા દિવસ વીત્યા પછી ફૂલડોલ આવ્યો, ત્યારે હરિભક્તો ઠાકોરજીનાં દર્શન કરવા ભૂજ ગયા હતા, ત્યાં માંહોમાંહી એમ વાત થઈ કે, ‘વહેલો સંઘ સોંઢે તો અમદાવાદ સમૈયો થાય.’ તે વિચાર ઠીક જણાતાં હરિભક્તો વૃષપુર આવ્યા. તે વખતે દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ તથા નારાયણપુરના જાદવજીભાઈ અને રામપુરના દેવરાજભાઈ આદિ ભાઈશ્રી પાસે આવેલા. તે કહે, ‘હવે આપની મરજી હોય તો સંઘ કાઢીએ, કેમ કે વહેલા જઈએ તો અમદાવાદ રામનવમીનો સમૈયો થાય.’ પછી સમૈયાની વાત સહુને ઠીક લાગી, તેથી હરિભક્તોએ સભામાં નક્કી કર્યું. તે ટાણે ભાઈશ્રીએ વાત કરી જે, ‘આપણે તીર્થયાત્રા કરવા જઈએ તે ભલે, પણ મહારાજના વચન પ્રમાણે પ્રકટ ભગવાન ને પ્રકટ સંતોનાં દર્શન વિના જ્યાંત્યાં જવાનું તાન ન રાખવું.’ કેટલાક યાત્રામાં જઈને આવે છે, તેને પૂછીએ છીએ, તો કહે છે જે, ‘અમે તો સરાવણું કરવા ગયા હતા, અમારે ફલાણે ઠેકાણે માનતા હતી, ગગો માંદો હતો તે દિવસે અમે સંકલ્પ કર્યો હતો.’ –એવી યાત્રામાં શું વળે? આપણે તો ચાલીએ ત્યાંથી શ્રીજીમહારાજ ને દિવ્યસભા ભેગી ને ભેગી રાખવી. જે જે ઠેકાણે શ્રીજીમહારાજ તથા સંતનાં દર્શન કરીએ, ત્યાં અક્ષરધામની સભાના જેવો દિવ્યભાવ રાખવો સંત-હરિભક્તને પરસ્પર મળીએ ત્યારે પણ મહારાજ તથા અનંત મુક્તને મળ્યા એમ જાણવું. સેવા, પૂજા, આરતી, ધૂનમાં એકસરખો આનંદ વર્તે તો યાત્રાનું ફળ મળે; નહિ તો બહિર્વૃત્તિએ અંતર ડોળાઈ જાય. આપણે ઘેર બેઠા કચ્છમાં શું નથી? બધુંય છે. મહારાજ! મોટામુક્ત! સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી જેવા શ્રીજીમહારાજના લાડીલા સંતનો જોગ છે. ગામોગામ આવી દિવ્યસભાઓ છે; કથા, વાર્તા, બ્રહ્મયજ્ઞ નિરંતર થયા કરે છે. માટે તીર્થયાત્રામાં જઈએ ત્યાં આથી અધિક સુખ મળે ને ઠાકોરજીનાં દર્શન થાય તેવો ઠરાવ રાખવો. યાત્રામાં જવાથી દેહને કષ્ટ ખમવું પડે, તેથી દેહની અને દ્રવ્ય વપરાય તેથી દ્રવ્યની શુદ્ધિ થાય. વળી મોટાના જોગવાળા વૃદ્ધ સંતોનાં દર્શન થાય. કેટલાક સ્થિતિવાળા સંતહરિભક્તો જોઈને રાજી થાય. માર્ગમાં ઝાડ, પહાડ, મનુષ્ય, પશુ, પક્ષી, જે જે દર્શન કરે તેને શ્રીજીમહારાજની કૃપાદૃષ્ટિમાં આવ્યાનું બીજબળ થાય. કોઈ ઉપયોગમાં આવે તેનું કામ થઈ જાય; કથા, વાર્તા, આરતી, ધૂન થતાં આવે, તેથી સૌને ગુણ આવે ને પોતાને મૂર્તિ ભુલાય નહિ. આવા ઠરાવથી અનેક જીવનો ઉદ્ધાર થાય. મહારાજ મોટી મોજ આપે. માટે સંઘ સોંઢાડો તેમાં આવી સમજણ રાખજો. મહારાજ તથા મોટા મુક્તના ઠરાવ આવા હતા.’ એમ વાત કરી તેથી હરિભક્તો ઘણા રાજી થયાં ને સભામાં આવેલા મોટા હરિભક્તોને વહેલા સોંઢવા સૌએ ભલામણ કરી.