૨૮૫ - આત્યંતિક મોક્ષનું વરદાન

0:000:00

આ રીતે ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ થઈ રહ્યા પછી મંદિરની વાડીમાં સહુને જમવાનું હતું, તેથી હરિભક્તો હર્ષભર્યા ત્યાં ગયા. એ ટાણે મંદિરથી વાડી સુધી જ્યાં જોઈએ ત્યાં હરિભક્ત બાઈ-ભાઈના સમૂહમાં આનંદની હેલી થઈ રહી હોય તેમ જણાતું હતું. મંદિરની વાડીમાં એક તરફ પાકશાળામાં સાધુઓની પંક્તિઓ ને બીજી તરફ દેશીપરદેશી તથા કચ્છી હરિભક્તોની પંક્તિઓ થઈ. તેમ ગામપરગામના બ્રાહ્મણોને જમવાની એક કોર જુદી વ્યવસ્થા કરેલી હતી. કોઈને કાંઈ અડચણ ન આવે તેવી ગોઠવણ સાથે પાણીના હોજ કરેલા ને પીરસનારા તથા પાણી આપનારા સોએ સો હરિભક્તો હાજર રહેલા હોવાથી કોઈ પ્રકારની ક્યાંય અગવડ જણાતી નહોતી; તેમ મોટા મોટા આગેવાન હરિભક્તો, જે આવે તેને જમવા બેસારી દેતા ને પીરસાવતા. આ રીતે સાંજ સુધી જમવાનું ચાલ્યું. એ પંક્તિઓમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી સંતોએ સહિત ફરી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરતા ને સંતોની પંક્તિમાં જઈ પોતે દંડવત્ કરતા; તેથી બહારથી આવેલા સંતો પણ બહુ જ રાજી થતા.

પછી બાપાશ્રી મંદિરમાં આવી ભીંતને ટેકો દઈ થોડી વાર બેઠા ને માથે પછેડી ઓઢી લીધી. પોતાની પાસે દેવરાજભાઈ બેઠા બેઠા માળા ફેરવતા હતા, ત્યાં દહીંસરાવાળા મુક્તરાજ કેસરાભાઈ અને સુખપુરના મુક્તરાજ દેવજીભાઈ બંને મહારાજના મહિમાની વાતો કરતા કરતા આવીને બેઠા; પછી કેસરાભાઈએ દેવજીભાઈને કહ્યું કે, ‘ભાઈને કહો કે આ યજ્ઞમાં જે જે આવ્યા હોય તેને મોક્ષના આશીર્વાદ આપે.’ ત્યારે મુક્તરાજ દેવજીભાઈ કહે, ‘તમે કહો એ ઠીક.’ એમ કરતા થોડીવારે બાપાશ્રી જાગ્યા ને બેય મુક્તો સામું જોઈને પોતાની મેળાએ બોલ્યા જે, દેવજીભાઈ! સમૈયો બહુ મોટો થયો. આ યજ્ઞમાં જે જે આવ્યા છે, તેનો આત્યંતિક મોક્ષ થશે, કેમ કે આ યજ્ઞ શ્રીજીમહારાજનો કહેવાય. આજથી શ્રીજીમહારાજે નવીન દર્શન આપી કલ્યાણનું સદાવ્રત ચાલતું કર્યું, એટલે જે કોઈ અહીં આવી મહારાજનાં દર્શન કરશે, તેનો પણ આત્યંતિક મોક્ષ થશે.’ આવાં આશીર્વાદ-વચનથી એ બન્ને મુક્તો રાજી રાજી થઈ ગયા ને જાણ્યું જે, ‘ભાઈએ આપણો સંકલ્પ સત્ય કર્યો.’

આમ શ્રીજીમહારાજ તથા શ્રી રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી થયા પછી સંત–હરિભક્તોને રાજી કરી, ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ તથા સદ્‍ગુરુઓ અને સંતો ગુજરાતમાં પધાર્યા, ત્યારે પણ ભારે આનંદ-ઉત્સવ થયો હતો. આ સમૈયામાં મૂળીવાળા સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીના આશીર્વાદથી સહુ વિદાય થયા ત્યાં સુધી કોઈનું આંખમાથું દુખ્યું નહોતું, એવો મહારાજે પોતાના સંતનો મહિમા જણાવવા ચમત્કાર જણાવ્યો હતો. તેમ કોઈ પ્રકારનું વિઘ્ન પણ નડ્યું નહોતું.