૨૪૨ - સંતોને દેશમાં જવાની આજ્ઞા
બીજે દિવસ પોતે નારાયણપુર જતા મંદિરની વાડીએ નાહી, માનસીપૂજા કરી મંદિરમાં આવ્યા ને ઠાકોરજીના દર્શન કરી સંતોને મળ્યા; તે દિવસ કથાવાર્તામાં પ્રશ્નોતર થતાં હરિભક્તોને બહુ લહાવો મળ્યો. બીજો દિવસ થયો, ત્યાં વળી પ્રેમજીભાઈની વાડીમાં જઈને પોતે પોંક લાવ્યા અને ઠાકોરજીનાં જમાડી સંતોને આપીને બોલ્યા કે, ‘આજનો દિવસ અહીંના હરિભક્તોને દર્શન-સેવા ને કથાવાર્તાએ ખૂબ સુખિયા કરી, કાલે વહેલા પાછલી રાતે ચાલો તો સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી માધાપુરમાં છે, તે તમને મળે. જો મોડું કરશો તો તે ભૂજ જતા રહેશે,’ એમ કહ્યું. તેથી સૌ સંતો વહેલા તૈયાર થઈને બાપાશ્રીને મળીને ચાલ્યા, તે માધાપુર પહોંચ્યા, ત્યાં તો સ્વામીશ્રી ભૂજ જવા માટે તૈયાર થયા હતા, તે સંતોને જોઈને રાજી થયા ને જવાનું બંધ રાખી, રસોઈ કરાવી સંતોને જમાડ્યા; પછી ભૂજ ગયા ને સંતો ત્યાંથી સીનોગ્રે થઈ ગુજરાતમાં ગયા.