૧૫૩ - ઉંદરનો આત્યંતિક મોક્ષ

0:000:00

જ્યારે એ સર્વે અંજારથી પાછા વળ્યા ત્યારે ગોવામલભાઈએ ભૂજના સંતો સ્વામી અક્ષરજીવનદાસજી આદિ તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રી વગેરેને પાછા કુંભારિયે લઈ જવા આગ્રહ કર્યો, તેથી સૌ કુંભારિયે જતા હતા, ત્યાં માર્ગમાં એક દરમાંથી ઉંદર બહાર નીકળ્યો; તે જોઈ સમળીએ ઓચિંતાની ઝડપ નાખી. ઘણા મનુષ્યને લીધે ઉંદરને એ પકડી શકી નહિ, પણ ઝડપ લાગવાથી તેને કળ ચડી ગઈ ને તરફડવા લાગ્યો, તે જોઈ ધૂળની ચપટી લઈ ભાઈશ્રીએ તેને વર્તમાન ધરાવ્યા કે તરત જ તે ઉંદરે દેહ મૂક્યો. તે વખતે સાથે સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી અને મુક્તરાજ કેસરાભાઈ આદિ સંત-હરિભક્તો ઘણા હતા. તેમણે પૂછ્યું જે, ‘ભાઈ! આ ઉંદરનાં બહુ મોટાં ભાગ્ય! એને શી પ્રાપ્તિ થઈ હશે?’ ત્યારે આ મુક્તરાજ બોલ્યા જે, ‘તેનો તો આત્યંતિક મોક્ષ થઈ ગયો.’ આ વચન સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા.

પછી ત્યાંથી કુંભારિયે પહોંચ્યા, ત્યારે ત્યાંના હરિભક્તોએ ત્રણ દિવસ સુધી તાણ કરી રોક્યા. સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો સાથે હોવાથી મહારાજના મહિમાની તથા આજ્ઞા-ઉપાસનાની વાતોથી હરિભક્તો ઘણા રાજી થયા. ત્યાં પણ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ એક દિવસ સભામાં વાત કરી જે, ‘શ્રીજીમહારાજના મહિમાનો તથા સુખસામર્થીનો કોઈ પાર પામી શકે નહિ, એવી અલૌકિક દિવ્ય મૂર્તિ આપણને મળી છે, પણ જીવને એવો મહિમા સમજાતો નથી તેથી દુઃખિયા રહે છે. માટે મોટા મુક્તનો જોગ કરી મહિમા સમજવો. આવો વખત ને આવો દાવ ભૂલ્યા તો કોઈ રીતે ખામી ભાંગશે નહિ. જપ, તપ, ત્યાગ, વ્રત, સેવા કે ભક્તિ અથવા કોટી સાધને કરીને પણ શ્રીજીમહારાજ મળે નહિ, એવા મોંઘા છે, પણ આજ દયાએ કરીને સોંઘા થયા છે, એમ જાણી ખબડદાર થઈ ધ્યાન-ભજન કરવું, આજ્ઞા પાળવી ને પૂર્ણકામ માની ‘હરિ મેરે હારલકી લકડી’ની પેઠે મૂર્તિને બાઝી રહેવું. આજ તો નકરો સ્વાંત વરસે છે. તે શું? તો શ્રીજીમહારાજનાં વચન મુક્ત દ્વારા સત્સંગમાં પ્રવર્તે છે. તેમાં જે અધરથી ઝીલે છે, તે તત્કાળ મુક્ત થાય છે. આમ સમજી મહારાજના હજુરી ને લાડીલા મુક્તનો જોગ-સમાગમ કરવો.’ આવી અલૌકિક વાતોથી સંત-હરિભક્તોને ઘણો આનંદ થયો ને ગોવામલભાઈ આદિ મિસ્ત્રીઓ તથા નાનામોટા સર્વે હરિભક્તો બહુ રાજી થયા; પછી ભૂજના સંતો ભૂજ ગયા ને અનાદિ મુક્તરાજ ભાઈશ્રી સાથે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા મુક્તરાજ કેસરાભાઈ આદિ સૌ વૃષપુર આવી એક દિવસ રહી પોતપોતાને ગામ ગયા.