૨૪૦ - મૂર્તિપ્રતિષ્ઠા સમયે ચમત્કાર
વળી બે દિવસ પછી પાંચમને રોજ કેરાના મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. એ વખતે ગામના હરિભક્તોથી મંદિર ઊભરાતું હતું. મહારાજની મૂર્તિઓ પાસે ઘીના દીવા ને અગરબત્તીના ધૂપ કરેલા તથા ગુલાબ અને હજારી ફૂલના હાર પહેરાવી ઉત્સવ કરતા સૌ વાટ જોતા હતા, ત્યાં તો વૃષપુરથી સંતોએ સહિત બાપાશ્રી પધાર્યા ને મહારાજની ચંદન, કુંકુમ ને ફૂલના હારથી પૂજા કરી, તે વખતે સંતો અષ્ટક બોલ્યા ને સમય થઈ ગયો હતો, તેથી બાપાશ્રી તથા સંતોએ પ્રતિષ્ઠા કરી થાળ જમાડ્યો ને આરતી કરી સૌ ‘જય’ બોલ્યા. પછી સૌએ દંડવત્ કર્યા ને પ્રસાદી વહેંચાણી, એમ ધામઘૂમ થતાં થોડી વાર ઉત્સવ થયો, એ વખતે મહારાજની મૂર્તિમાં જાણે પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હોય એવું ઘણાના જોવામાં આવ્યું. ત્યાર પછી હરિભક્તોના આગ્રહથી બાપાશ્રીએ ત્યાં ઠાકોરજીને જમાડ્યા. પછી સભામાં આવ્યા, ત્યારે સંતો વાતો કરતા હતા તે બંધ રહ્યા ને કહ્યું જે, ‘આજ મહારાજની પ્રતિષ્ઠા થઈ તે થોડું સંભારણું કરો,’ ત્યારે બાપાશ્રી કહે, ‘શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે, સેવા અંગીકાર કરે છે, પોતાના ભક્તના મનોરથ પૂરા કરે છે, દેહ મૂકવા સમે દર્શન દઈ તેડી જાય છે, એમ અનંત પ્રકારે મોક્ષનાં દ્વાર ઉઘાડ્યાં છે. ‘કોઈ આવો! કોઈ આવો!’ પણ જીવને એ વાત સમજાતી નથી, તેથી રહી જાય છે, માટે મોટા મુક્ત જે શ્રીજીમહારાજ લાડીલા તેમનો જોગ કરી પોતાનું પૂરું કરી લેવું.’ આટલી વાત કરી, ત્યાં તો સંત-હરિભક્તો સૌ રાજી રાજી થઈ ગયા; પછી સંતોએ સહિત વૃષપુર પધાર્યા.
આવી રીતે નિત્ય પ્રત્યે આનંદ, ઉત્સવ ને કથાવાર્તાથી સદ્ગુરુઓ તથા મૂળીના સંતો અને પ્રાણશંકરભાઈ આદિ હરિભક્તોને અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ ઓગણીસ દિવસ રાખીને ચમત્કારિક વાતો કરી બહુ સુખ આપ્યાં. પછી જેઠ સુદ ચોથના દિવસે પોતાની વાડીમાંથી બાજરીનો પોંક લાવીને ઠાકોરજીને જમાડી સંતોને વહેંચ્યો. પછી સૌને મળ્યા ને આશીર્વાદ આપી કહ્યું જે, ‘આ તમારો છેલ્લો જન્મ જાણજો, તમારું નાનામોટા સહુનું સરખું કામ કરશું.’ એમ કહી નારાયણપુર જવાની આજ્ઞા કરી ને કહ્યું જે, ‘અમો કાલે ત્યાં આવશું.’