૩૧૮ - કેરીઓ નિર્ગુણ થઈ

0:000:00

એક દિવસ બપોરના કાકરવાડીએ સંતો બેઠા હતા ને બાપાશ્રી ઊઠીને આંબા નીચે પોતાના પૌત્રા માવજી, જાદવજી, હરજી આદિ કાચી કેરીઓ ખરી પડેલી વીણતા હતા તે જોતા હતા. જ્યારે કેરીઓ સહુએ ભેળી કરી, ત્યારે બાપાશ્રી તે બધી કેરીઓ લૂગડામાં લઈ પોતાના પુત્રાદિક સહિત આંબા નીચે આવ્યા ને સંતોને કહેવા લાગ્યા જે, ‘ભગવાનના સંબંધને જે પામે તે નિર્ગુણ ને દિવ્ય થઈ જાય, એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે; તેમ આ કેરીઓ નાની છે, પણ મહારાજ અંગીકાર કરે એટલે નિર્ગુણ થઈ જાય.’ એમ કહી કેડિયાના ગુંજામાંથી ચાકુ કાઢી પાંચ કેરીઓ સુધારી મહારાજને જમાડી; પછી બોલ્યા જે, ‘લ્યો, આ પ્રસાદી! હવે આ કેરીઓ નિર્ગુણ થઈ ગઈ. આને જે જમે તે અખંડ સુખમાં પહોંચી જાય એટલે તેનું આત્યાંતિક કલ્યાણ ને આત્યાંતિક મોક્ષ થાય’ -એમ કહી બધી કેરીઓ ભેળી નાખી સંતોને આપીને બોલ્યા જે, ‘આને સુધારી રાખજો ને જે માગે તેને દેજો.’ એ વખતે સંતોએ બાપાશ્રીને અતિ રાજીપામાં જાણી દંડવત્ કરી જે જે આશીર્વાદ માગ્યા તે સર્વે રાજી થઈને આપ્યા. પછી ત્યાંથી વાતો કરતા કરતા સહુ નવી વાડીએ આવ્યા ને પોતે કૂવા પાસે ઊભા રહી પોતાના પુત્ર, પૌત્રાદિક ગામમાં આવવા તૈયાર થતા હતા તેમની સાથે આવવા સંતોને કહ્યું, ‘તમો તમારું મંડળ લઈને મંદિર જાઓ ને અમે હવે અમારા મંડળ ભેળા આવશું.’ એમ રમૂજ કરી થોડી વારે પોતે મંદિરમાં આવ્યા. એ વખતે પુરાણી કેશવપ્રિયદાસજી પાણીની લોટી ભરીને પ્રસાદી-જળ લાવ્યા તે પીધું.