૭૦૫ - અત્યંત હેત અને મર્મવચન
ત્યાર પછી બારશના દિવસે બાપાશ્રીએ અરજણભાઈના દીકરા રામજીને ભૂજ મોકલી સદ્ગુરુઓ આદિ સંતોને પાછા તેડી લાવવાનું કહેવરાવ્યું. તે સમાચાર સ્વામીશ્રી આદિ સંતોને મળતાં સૌ રાજી થયા, પણ બીજે દિવસ વિઠ્ઠલજીભાઈની રસોઈનું નક્કી કરેલ હોવાથી ઠાકોરજીના થાળ થયા ત્યારે જમીને સૌ વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રી ચોકમાં સૂતા હતા, તે સંતોને જોઈને બોલ્યા જે, ‘અમે તમારી વાટ જોઈ રહ્યા હતા ત્યાં તમે આવ્યા તે બહુ સારું કર્યું.’ એમ કહી સર્વે સંતોને મળ્યા, પછી વિરહનાં કીર્તનની ટૂંક બોલીને કહ્યું જે, ‘તમને ન દેખીને અમે ઉદાસ થઈ ગયા હતા, તે તમે આવ્યા એટલે બહુ આનંદ થયો.’ પછી સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, ‘તમારે જવું હતું પણ અમે પાછા વાળ્યા, અમે તમને નેવળ બાંધીને રાખીએ એવા છીએ, તે આગળ ફરી વળ્યા ને પાછા વાળી લીધા, હવે જવાના સંકલ્પ કરતા નહિ.’ પછી સંતોએ ઠાકોરજીનાં દર્શન કરી આસન કર્યા.
થોડી વારે સંતો વચનામૃતની કથા કરવા લાગ્યા તે પ્રસંગે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આવા અનાદિ મુક્તનો તથા આવા સંતનો જોગ-સમાગમ કરી મહારાજને જેવા છે તેવા જાણી પોતાનું પૂરું કરી લેવું, આવો જોગ ફેર આવવો બહુ દુર્લભ છે.’ પછી પોતે યજ્ઞમાં બહુ પ્રતાપ જણાવ્યો હતો તે વાત કરી. એ વખતે રામપુરવાળા દેવરાજભાઈએ પૂછ્યું જે, ‘બાપા! મૂર્તિમાં મુક્ત કેવી રીતે રહ્યા હશે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘મુક્ત સર્વે સાકાર થકા રસબસભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે, જેમ ચિંતામણિમાં જે કાંઈ ચિંતવે તે નીકળે છે ને પાછું સમાઈ જાય છે, એવું સામર્થ્ય તો જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિષે અલૌકિક સામર્થ્ય હોય તેમાં શું કહેવું? પણ એ વાત આ લોકના દૃષ્ટાંતથી સમજાય તેવી નથી.’ પછી મૂર્તિમાં રહેલા મુક્તોને અધિક-ન્યૂન સુખ હશે કે કેમ એ પૂછ્યું, ત્યારે પણ એમ બોલ્યા જે, ‘સિદ્ધકાળમાં તો સર્વે મુક્તને એકસરખું જ સુખ છે અને અધિક-ન્યૂન કહેવાય છે તે તો સાધનકાળવાળાની સ્થિતિના ભેદ છે.’ એમ કહી ઘણી વાર ચમત્કારી વાતો કરી.
વળી બીજે દિવસ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી સભામાં પધાર્યા ત્યારે સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી વચનામૃતની કથા થઈ ત્યાં સુધી ધ્યાનસ્થ બેસી રહ્યા. પછી સંતો સામું જોઈને બોલ્યા જે, ‘તમને અમે પાછા તેડાવ્યા તે ઠીક થયુંને!’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘બાપા! બહુ દયા કરી.’ પછી પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! આ ફેરે તમે ગયા, પણ અમને તમારા વિના સારું લાગ્યું નહિ. રામપુર એક રાત જઈ આવ્યા, પણ આ સભા વિના સૂનું લાગ્યું. અમને આવી સભા અખંડ ખપે, તમે પણ આ લાભ લઈ લેજો, અમે તો સૌને કારણમૂર્તિમાં રાખીએ છીએ. અહીં કેટલાક એમ જાણે છે જે, બાપા અમારી નાતના છે, એવાને આ વાતની ખબર ન પડે, તમારામાંય પણ કેટલાક અહીં આવી બહુ હેત જણાવતા હોય પણ કોઈના બે શબ્દ સાંભળે એટલામાં તો બીજી રીતના ઘાટ-સંકલ્પ કરવા માંડે, એવાને આ જોગમાં સુખ આવે નહિ, પણ જેને દિવ્ય ભાવ છે, તે તો આ સભાના જોગે ન્યાલ થાય છે. આ સમયે શ્રીજીમહારાજ સૌને સુખ આપે છે, આજ તો અમૃતના ઘન વરસે છે, તેથી એ સુખમાં સહુ રસબસ નાહ્ય છે, આમ સમજાય તો કાંઈ અધૂરું ન રહે, આવી બ્રહ્મસભામાં જે આવે તેનાં અનેક જન્મનાં પાપ નાશ પામી જાય છે. મહારાજના અનાદિની તો વાત જ જુદી છે. સત્સંગમાં કેટલાક આવી વાત જાણ્યા વિના દૃષ્ટાંત-સિદ્ધાંત મેળવતા હોય તેવાને કહીએ, સમજાવીએ તોય માને નહિ ને સમજે પણ નહિ અને તમારા જેવા વિશ્વાસી છે તે કામ કાઢી જાય છે, જ્યારે અનંત જન્મનાં સુકૃત ઉદય થાય ત્યારે આવા મોટાની ઓળખાણ થાય છે. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તને જે ન ઓળખે તે તો ખીજડા જેવા છે અને આ દિવ્ય સભાને વિષે નિષ્ઠા હોય એ તો આંબા જેવા છે, એમ અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, તે ખીજડામાં તો સાંગર્યો જ આવે, મહારાજ તથા મોટા મુક્તને વિષે હેત ન હોય તો તેનો મોક્ષ કેમ થાય?’
એક દિવસ બપોરે સંતો વાડીએ નાહવા ગયા હતા, ત્યાં નાહીને માનસીપૂજા કર્યા પછી બાપાશ્રીએ વાત કરી જે, ‘સ્વામી! અમે તો આવા ડુંગરમાં બેઠા છીએ પણ મૂર્તિને સુખે સુખિયા છીએ. અમે મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી, અમારે તો એક મૂર્તિ આપવાનો જ ઠરાવ છે. આ વખતે સૌને તેડાવી યજ્ઞ કરવાની તાણ હતી તે પૂરી થઈ, તમને પણ ઠીક રાખ્યા. અમારે તો તમો સર્વે સંતોને આ ફેરે રાખવાનો ઘણો વિચાર હતો અને એમ હતું જે, આ આંબામાં હજી કેરીઓ નાની છે તે અષાઢ મહિનો બેસતાં બરાબર પાકી જશે, ત્યાં સુધી જો સંતો રાજી થઈને રહે તો રસપૂરીની રસોઈ કરી ઠાકોરજીને તથા સંતોને જમાડીએ, કેમ કે હવે આપણે આવો જોગ વારે વારે ક્યાંથી આવે? સ્વામી! તમ જેવા સંતોનું મળવું બહુ મોઘું છે, અંતર્વૃત્તિએ તો સદાય ભેગા જ છીએ, પણ આમ પ્રત્યક્ષ ક્યારે મળાય! આ વખતે સત્સંગમાં શ્રીજીમહારાજે બહુ સુખ આપ્યું છે, તેમ આવા અનાદિના જોગ-સમાગમે અનેક મૂર્તિના સુખ-ભોક્તા થયા, ધ્યાને કરીને મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તોપણ આવા જોગની વાત દુર્લભ છે. આ ટાણે આ સભામાં જે કામ થાય છે તે લાખો વર્ષ સાધન કરે તોપણ ન થાય, સ્થિતિવાળો પોતે તો સુખિયો રહે પણ આમ કરોડો જીવને મૂર્તિના સુખમાં પહોંચાડી ન શકે, આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આવું સુગમ છે, એ લાભ આપણને મળ્યો છે તે કેવાં મોટાં ભાગ્ય! તમે રાજી થઈને રહો તો જ્ઞાનયજ્ઞ થાય, તમે અહીં રહેવામાં કાંઈ બીજો વિચાર ન કરશો, કેમ જે આપણે ઘેર કોઈ વાતની ખોટ નથી, અમારાં છોકરાં બાજરો પકવે છે તે આપણે ભેળા મળી ઠાકોરજીને જમાડશું ને મૂર્તિના સુખની વાતો કરશું. આ વખતે તો તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી. હવે તમે બધાય સંતો ભેળા થઈ વિચારી નક્કી કરો, જો જવાનું કરો તોય તમારી મરજી ને રહો તો આપણે ભૂજ, માધાપુર ભેગા જશું ને બ્રહ્મયજ્ઞ કરશું, આ ફેરે અહીં રહો તો ઠીક, અમે તમને અષાઢ માસમાં જરૂર છૂટા કરશું. તમારે તો જ્યાં જાઓ ત્યાં આ એક જ કામ કરવાનું છે, આ ફેરે અમને એવો જ સંકલ્પ થાય છે જે, તમ જેવા સંતો ભેળા બે મહિના રહેવાય તો ઠીક, તમે જો રહો તો ભલે! ને તાણ હોય તો સુખેથી જાઓ.’ એમ કહી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. પછી રાત્રે કથા થઈ રહી ત્યારે થોડી વાર પોઢી ગયા અને સંતો રહેવાનો કે જવાનો વિચાર કરતા હતા તેની ઘણી વાર વાતો થઈ, પણ કાંઈ નિર્ણય થયો નહિ તેથી સર્વે સૂઈ ગયા.
વળી સવારે વહેલા ઊઠી સહુ નાહી પૂજા કરી સભામાં બેઠા હતા, ત્યાં બાપાશ્રી પણ નિત્યવિધિ કરી પધાર્યા ને સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી એ જ વાત પૂછી કે, ‘સ્વામી! તમે શું નક્કી કર્યું? રાત્રે સહુએ મળી જે વિચાર કર્યો હોય તે કહો.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! મારે તો આપ રાખો ત્યાં સુધી રહેવું છે, બીજા સંતો હજી વિચાર કરે છે, પણ તમે રાજી હો તેમ કરે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સંતોને જવાની તાણ છે, એવું અમને જણાય છે તેથી સહુ જવાનું કરો; થોડા જાય ને થોડા રહે એ ઠીક ન કહેવાય!’ પછી એમ બોલ્યા જે, ‘સ્વામી! આપણે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ, મહારાજે દયા કરીને પોતાના જાણ્યા એ કામ ભારે થયું અને આવા અનાદિ મુક્ત મળ્યા એ વાત પણ કાંઈ સાધારણ નથી, અક્ષરધામમાં મળવા જવું હોય તો શું બને? આ તો સહેજમાં મેળાપ, એ કાંઈ જેવીતેવી વાત નથી. સ્વામી! તમે પણ ઘણા જીવોને મૂર્તિના સુખે સુખિયા કરો છો.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘બાપા! આપ આ વખતે અમારા ઉપર બહુ રાજીપો જણાવો છો તથા હેતે કરીને મળતાં, જમાડતાં, પ્રશંસા કરતાં, બોલાવતાં, સંતો ઘણા સુખિયા થાય છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! વારે વારે આવો અવસર ક્યાંથી આવે! આ તો તમને ભૂજથી પાછા તેડાવ્યા ત્યારે આ મેળાપ થયો, જો બે મહિના રહેવાનું થયું હોત તો તમને ને અમને ઘણો લાભ થાત, પણ એ તો સહુની મરજી પ્રમાણે કરવું.’ એમ કહી પોતે ઘેર પધાર્યા. વળી ઠાકોરજી જમાડીને મંદિરમાં આવ્યા તે વખતે સંતો વચનામૃતની કથા વાંચતા હતા, તે સર્વેને ‘જય સ્વામિનારાયણ’ કરી પાછી એની એ વાત ચલાવી, ‘સ્વામી! સંતોએ જવાનો શું વિચાર કર્યો? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! આપ અંતર્યામીપણે બધુંય જાણો છો તેથી તમે આજ્ઞા કરો તેમ કરીએ, અમે હજી કાંઈ નક્કી કર્યું નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારે એમ છે જે, અમે રહીએ ને બીજા સંતોને જવું હોય તો ભલે જાય, કેમ કે થોડાક સંતોને જવાની તાણ છે, પણ અમને એમ થાય છે જે નોખા નોખા ન જવું, તાણ હોય તો બધાય સાથે જાઓ, જુદા પડો એ ઠીક નહિ, તમે સહુ આજ પાછલી રાત્રે ચાલજો ને ભૂજ જઈ રેલે બેસી જજો.’ એમ કહી પોતે ઘેર ગયા. પછી ગામના હરિભક્તોને બોલાવીને કહ્યું જે, ‘સંતો પાછલી રાત્રે ચાલવાના છે, માટે તમો ગાડાં જોડીને તેમને ભૂજ મૂકી આવજો.’
આ રીતે બાપાશ્રીએ સંતોને જવાનું નક્કી કર્યું પણ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને હજુ જવાની મરજી નહોતી, તેથી સાંજના ફરી વાર પ્રાર્થના કરી જે, ‘બાપા! મને અહીં રહેવા દ્યો તો ઠીક, મારે જવાની તાણ નથી.’ તે વખતે પણ બાપાશ્રી એમ બોલ્યા જે, ‘તમને તો આ ફેરે મારે જવા દેવા જ નહોતા. કેમ જે, આપણે બે મહિના ભેળું રહેવાનું થાય તો કેટલો લાભ મળે! અમારે તો અખંડ ક્થાવાર્તા ખપે. તે તમે હો તો સદાય કથાવાર્તા થયા કરે,’ –એમ કહીને વળી બોલ્યા જે, ‘સ્વામી! જો રહ્યા હોત તો આપણે એકાંતનો છેલ્લો યજ્ઞ થાત.’ હમણાં યજ્ઞ બહુ મોટો થયો, તેમાં હજારો સંત-હરિભક્ત સુખિયા થઈ ગયા, પણ એમાં ઉદઘોષ બહુ, પ્રવૃત્તિ પણ ખરી, અને આમાં તો નકરી મૂર્તિની જ વાતો થાત, જેથી સમાસ ઘણો હતો, પણ તમારા ભેગા સંતો છે, તેમને જવાના વિચાર રહે છે, તેથી સૌ સાથે જાઓ. આપણે મૂર્તિમાં સદાય ભેગા રહીશું. જો અષાડ મહિના સુધી રહેવાણું હોત તો સાત્વિક યજ્ઞ થાત, પણ જેવી શ્રીજીમહારાજની મરજી. હવે તમે તૈયાર થઈ રહેજો, ગાડાનું નક્કી કર્યું છે, એટલે ટાણું થયે આવશે. તમે એ વખતે મોડું કરશો નહિ ને અહીંથી પરબારા સ્ટેશને જજો ને ત્યાં નાહી પૂજા કરી લેજો.’ આવાં વચનો સાંભળી સ્વામીશ્રીએ સંતોને આ વાત જણાવી પણ બાપાશ્રી મર્મવચનોમાં વારે વારે રોકવાની મરજી જણાવે છે, એ વાત જાણી ન શકતાં કેટલાકને જવાનો વિચાર હતો તેથી સંતો કાંઈ બોલ્યા નહિ.
પછી રાત્રિના બે વાગ્યે ગાડાં આવ્યાં. એ ટાણે સંતો તૈયાર થતા હતા, ત્યારે બાપાશ્રી મંદિરમાં આવીને ઠાકોરજીનાં દર્શન કરવા લાગ્યા, ત્યારે સંતો પણ દંડવત્ કરવા મંડ્યા, એ સર્વેને બાપાશ્રી બાથમાં ઘાલીને મળ્યા. તે વખતે સંતોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! અમારા પર આપ કૃપાદૃષ્ટિ રાખજો. અમે આપની મરજી ન જાણી શક્યા હોઈએ તોપણ આપ દયાળુ છો, તેથી આવા ને આવા રાજી રહેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તો સદાય રાજી છીએ. મૂર્તિમાં આપણે સૌ ભેળા રહીશું, તમે પણ ભેળા રહેજો. દિવ્યભાવે મૂર્તિમાં રસબસ રહીએ એટલે સદાય સાથે ને સાથે, તમે સહુ આમ ને આમ આ દિવ્યસભાને સંભારજો,’ –એમ વાત કરતા હતા, ત્યાં ગાડાંવાળાઓ ઉતાવળ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી પણ વળાવવા આવવા તૈયાર થયા. પછી સંતો બાપાશ્રીનાં દર્શન કરે, ત્યારે બાપાશ્રી પણ સંતો પર પ્રસન્નતા જણાવીને વાતો કરે જે, ‘સ્વામી! આ સુખની કાંઈ તૃપ્તિ થાય તેવું છે? લાખ વર્ષ સુધી આમ ને આમ દર્શન કરીએ, વાતો કરીએ તોય તૃપ્ત ન થવાય,’ –એમ વાત કરતા હતા ત્યાં વળી સૌ દંડવત્ કરી મળ્યા. પછી બાપાશ્રી કહે, ‘ચાલો સંતો! હવે તમારે મોડું થાય છે,’ –એમ કહી પોતે સંતોની સાથે મંદિરથી બહાર આવી થોડી વાર ઓટે બેસી રહ્યા, તેથી સંતો વિચારમાં પડી ગયા. પછી હરિભક્તો માંચી લાવ્યા તેમાં બેસી સંતોની સાથે ગાડાંની આગળ ચાલ્યા. જ્યારે સહુ ગામબહાર આવ્યા ત્યારે સંતો ઊભા રહી બાપાશ્રીને પગે લાગ્યા. ત્યારે બાપાશ્રી પણ હેત જણાવી સંતોને ફરી વાર મળ્યા. પછી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘હવે દિવ્યભાવે સદાય ભેળા રહેજો.’ આમ પોતાને અંતર્ધાન થવાનું મર્મમાં જણાવ્યું, પણ કોઈ એ મર્મવચનને સમજી શક્યા નહિ. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ તો એ વખતે પણ રહેવાની બહુ ઇચ્છા જણાવી પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે હમણાં તો સૌની સાથે જ જાઓ,’ –એમ આજ્ઞા કરી ફરી વાર સંતોને મળ્યા ને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા જે, ‘હવે સદાય મૂર્તિનાં સુખ ભોગવજો ને આમ ને આમ દિવ્યભાવે આ સભા સંભારજો,’ -એમ કહી સંતોને ગાડે બેસારી વિદાય કર્યા. પછી પોતે પાછા મંદિરમાં પધાર્યા.