૨૬૭ - હરનારાયણભાઈની ચમત્કારી વાત
એક દિવસ મૂળીના સાધુઓ ધ્રાંગધ્રાના સલાટ હરિભક્તને મહારાજે તથા બાપાશ્રીએ બહુ દર્શન આપ્યાં હતાં તે વાત સભામાં કરી, એ ટાણે મુક્તરાજ કેસરાભાઈ સભામાં નહિ, પછી તેમના દીકરાએ ઘેર જે કહ્યું જઈ, ‘બાપા! આજ સાધુએ ભારે વાત કરી હતી.’ એ સાંભળી પોતે મંદિરમાં આવ્યા ને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘સ્વામી! સભામાં એક હરિભક્તને મહારાજે બહુ ચમત્કાર જણાવ્યાની વાત થઈ, પણ હું ઘેર હતો તે રહી ગયો છું, મને દયા કરીને એ વાત સંભળાવો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘એ સલાટ ધ્રાંગધ્રા ગામના હતા ને તેનું નામ હરનારાયણ હતું. પહેલાં એ ગણપતિની પૂજા કરતા, પણ એક વાર વડતાલમાં મંદિરનું કામ કરવા ગયેલા, ત્યાં તેમને સત્સંગ થયો. પછી તો એ હેતે સહિત ભજન કરવા મંડ્યા, ત્યારે મહારાજે તેને શ્રી નરનારાયણ તથા શ્રી લક્ષ્મીનારાયણ સાથે દર્શન દીધાં. થોડી વારે એ બેય મૂર્તિ મહારાજમાં લીન થઈ ગઈ. ત્યાં ગણપતિ દેખાણા ને એ હરિભક્તનું કાંડું ઝાલીને કહ્યું, ‘મહારાજ! આ તમારો બાળક છે.’ પછી મહારાજે તેને સંતોની સભામાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ઓળખાવ્યા ને કહ્યું કે, ‘આ તારા ગુરુ’ પછી એ ધ્યાન કરવા બેસે ત્યારે મહારાજ ભેળી સભા દેખાય. એક દિવસ વળી મહારાજ ખુરશી પર બેઠા છે, એવું દેખાયું; એક વાર તેમને મંદવાડ ઘણો થઈ ગયો, તે એકવીસ દિવસ સુધી ઉઠાણું નહિ, પણ સૂતા સૂતા એને એમ જણાય જે, ‘હું મૂળીએ શ્રી ઘનશ્યામ મહારાજ પાસે બેઠો છું.’ પછી એ વાત તેણે પુરાણી ધર્મકિશોરદાસજીને કરી, ત્યારે પુરાણીએ બાપાશ્રીનો મહિમા કહી ઓળખાણ કરાવી ને મહારાજ ભેગા સંભારવાનું કહ્યું; એ વિશ્વાસી બહુ હતા, તેથી પાધરા જ ધ્યાન કરવા બેઠા, ત્યાં તો એક પડખે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ને બીજે પડખે બાપાશ્રી, વચમાં શ્રીજીમહારાજ એવા દર્શન થયાં. પછી તુરત એ બેય મુક્તો મૂર્તિમાં લીન થઈ ગયા. એક વખત એ મૂળીએ દર્શન કરવા ગયા, ત્યારે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ દર્શન આપીને તેને કહ્યું હતું જે, ‘તમને અનાદિ મુક્ત મળ્યા છે તે બહુ મોટા છે, તેથી હવે કાંઈ અધૂરું નહિ રહે.’ એક વખત તેના ભાઈનો દીકરો પાટણમાં બહુ માંદો થઈ ગયો, ત્યારે તેને બાપાશ્રીને સંભારી પ્રસાદીનું પાણી પાયું કે તુરત સાજો થઈ ગયો. પછી બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે, ‘એ છોકરાની આયુષ્ય નહોતી, પણ તમે અમને બહુ જ સંભાર્યા, તેથી રાખવો પડ્યો.’ એક વાર વળી એ મૂળીએ દર્શન કરવા જતા હતા ને પોતાની પાસે જોખમ હતું, તેથી માર્ગમાં બીક લાગી એટલે મહારાજને સંભારવા મંડ્યા, ત્યાં તો મહારાજ તથા બાપાશ્રીએ આવી બેય હાથનાં કાંડાં ઝાલ્યાં ને બેય કોર દિવ્ય તેજોમય મુક્ત દેખાતા આવે, તે મંદિરમાં પહોંચ્યા સુધી એમ ને એમ રહ્યું; પછી તો મૂર્તિઓ ને સંતની સભા એ બધુંય તેજોમય દેખાય, એ જોઈ આશ્વર્ય પામતા આસન કરી સૂતા; પણ રાત્રે ટાઢ વધુ પડવાથી તાપ કરવા માટે સાંઠિયું લેવા જતાં એમ વિચાર થયો જે, ‘માહી કાંટા હશે તો?’ ત્યાં તો બાપાશ્રી દર્શન દઈને બોલ્યા જે, ‘લઈ લ્યો, કાંટા નથી.’ આ વાત તેણે પુરાણીને તથા સદ્ગુરુ રામકૃષ્ણદાસજીને કરી, તેથી એ સંતને પણ બાપાશ્રીનો દિવ્યભાવ થઈ ગયો. એ સ્વામી મહા સમર્થ હતાં. તેમને પણ જ્યારે મંદવાડ થયો, ત્યારે તે મૂર્તિમાં જોડાઈ ગયા, બીજી વાત જ નહિ. આ વાત સાંભળી મુક્તરાજ કેસરાભાઈનું હૃદય ભરાઈ આવ્યું ને કહેવા લાગ્યા જે, ‘સ્વામી! અમને બાપાનો મહિમા સૂરજબા અને સદાબા કહેતાં. પણ આવડી કાંઈ ખબર નહિ. આ તો બહુ ચમત્કાર જણાવે છે.’