૩૫૮ - મૂળીમાં મેઘાભાઈને મહિમા

0:000:00

એક દિવસ ઈસ્પિતાલના મેડા ઉપર બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજી આદિ સંતો બેઠા હતા. તે વખતે લીંબડી સ્ટેટના દીવાન ઝવેરભાઈ તથા રેવન્યુ કારભારી રાણાશ્રી મેઘાભાઈ, એ બંને આ મુક્તમંડળનાં દર્શન કરવા મેડા પર આવ્યા ને દર્શન કરી દીવાનજીએ બાપાશ્રીને એક મોટો હાર પહેરાવ્યો ને સ્વામીશ્રીએ તેમને ઘટતું આસન નખાવ્યું તે પર બન્ને બેઠા; પછી સ્વામીએ બાપાશ્રીની બહુ જ મોટી સ્થિતિ છે એમ કહી ઓળખાવ્યા ને કહ્યું કે, ‘આ પુરુષ બહુ ચમત્કારી છે, અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે, આવા મોટા પુરુષ જેને મળે તેને કાંઈ સાધન કરવાં ન પડે.’ એવી મહિમાની વાતો કરતા હતા ત્યારે મેઘાભાઈના મનમાં એમ થયું જે, ‘સ્વામી કહે છે તેમ મોટા તો હશે, પણ જો મને એ પહેરેલો હાર પહેરાવે તો અંતર્યામી ખરા! દીવાન સાહેબ સાથે છે એટલે લોક વ્યવહારે કદાચ તેમને આપે, પણ મોટા પુરુષને આ લોકનું કાંઈ હોય નહિ.’ એમ સંકલ્પ કરતા હતા ત્યાં તો બાપાશ્રીએ પહેરેલો હાર ઉતાર્યો. તે વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ‘ઝવેરભાઈને હાર પહેરાવો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! મેઘાભાઈનો સંકલ્પ છે.’ એમ કહી એ હાર તેમને જ પહેરાવ્યો. એ વખતે સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીએ કહ્યું, ‘ભાઈ! તમે થોડી વાત કરો.’ ત્યારે એટલું બોલ્યા જે, ‘સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ મુદ્દો હાથ રાખવો અને આવા સંત દિવ્ય કલ્યાણકારી છે એમ જાણી હેત રાખવું.’ આટલા વચનમાં તો દીવાન સાહેબ તથા મેઘાભાઈ ઘણા જ રાજી થઈ ગયા. પછી સભામંડપમાં જઈ, બાપાશ્રીએ પોતાને અંતર્યામીપણે હાર આપ્યો તે વાત કરી, તેથી સભામાં જે જે સંત-હરિભક્તો બેઠા હતા તેમને બાપાશ્રીનો ઘણો જ દિવ્યભાવ આવ્યો.