૨૦૦ - દિવ્ય ભોજન તથા અલૌકિક દર્શન
ત્યાર પછી ભૂજ મંદિર તરફથી અનાદિ મુક્તરાજ બાપાશ્રીને ધોળી પાઘડી બંધાવી તથા તેમના બન્ને પુત્રોને છેડાવાળી પાઘડીઓ બંધાવી. પછી સભામાં બેઠેલા મોટા મોટા હરિભક્તોએ પણ બાપાશ્રીને પાઘડીઓ બંધાવી.
સમય થયો ત્યારે જમવાનો સાદ પડતાં હરિભક્તો વાડીમાં ઠાકોરજી જમાડવા ગયા. પાછળ મોટા મોટા હરિભક્તોએ સહિત બાપાશ્રી પણ સૌને દર્શન દેવા પધાર્યા. ત્યાં તો વાડીમાં હજારો હરિભક્તો પંક્તિબંધ બેસી ગયેલા ને સોયે સો સારથિયા ઉતાવળથી પીરસતા આવે. એવા દિવ્ય સમૂહ વચ્ચે બાપાશ્રી નાનામોટા હરિભક્તો પર અમૃતનજર કરતા ધીરે ધીરે ફરવા લાગ્યા. એ જોઈ સૌ આનંદ પામતા હતા. થોડી વારે બધી પંકિતમાં સુખડી, શાક, અથાણાં વગેરે પીરસાઈ રહ્યું ત્યારે જમવાની છૂટી માટે બંદૂકના ભડાકા થયા કે તુરત ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલી હરિભક્તો જમવા લાગ્યા. વચમાં બાપાશ્રી પણ અતિ રાજીપો જણાવી સહુને ‘જય સ્વામિનારાયણ’ કરતા આવે. આવી પ્રસન્નતા જોઈ નારાયણપુરવાળા જાદવજીભાઈ હાથમાં સુખડીનો તાસ ભરીને પાસે આવ્યા ને કહેવા લાગ્યા જે, ‘ભાઈ! આ એક એક કટકો માતર સૌને તમારા હાથે આપો એવી ઘણા હરિભક્તોની મરજી છે.’ આવા તેમના વિનયવચનથી રાજી થઈ બાપાશ્રીએ પાસે ઊભેલા હરિભક્તના હાથમાં પોતાનો ખેસ આપી, કેડિયાની બાંયું ચડાવી પંક્તિમાં પીરસતાં થોડી વારમાં દરેક પંક્તિમાં ફરી વળ્યા.
પછી એમ બોલ્યા જે, આ યજ્ઞમાં જે કોઈ આવ્યા હશે તેનો આત્યંતિક મોક્ષ થશે, કેમ કે આ બધા મુક્તો તેજોમય છે. વચ્ચે મહારાજ દિવ્યરૂપે અમૃતદૃષ્ટિ કરી રહ્યા છે. તેમના હજૂરી મુક્ત પણ સાથે જ છે. માટે સૌ આમ ને આમ દિવ્યભાવ રાખજો. આવી બ્રહ્મસભામાં જે દોષ પરઠે તેને બહુ મોટી ખોટ આવે. આ તો અલૌકિક વાત છે. એમ કહી હાથ ધોયા પછી વૃક્ષની છાંયે મોટા મોટા હરિભક્તોએ સહિત બેઠા. થોડી વારમાં હરિભક્તો સુખડી, ખીચડી, શાક વગેરે જમી રહ્યા ત્યારે એ પણ ત્યાં આવ્યા. એ વખતે આગેવાન હરિભક્તોની પ્રશંસા કરી પોતે પાઘડીઓ બંધાવવા લાગ્યા, ત્યારે નાતપટેલીઆઓ પણ બાપાશ્રીને તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવી દંડવત્ કરી બાથમાં ચાંપી મળ્યા, ને મોક્ષના આશીર્વાદ લીધા. પછી સૌ કીર્તન બોલતા બોલતા મંદિરમાં આવ્યા, ત્યાં પણ સંતની પંકિત ટાણે બાપાશ્રીએ દંડવત્ કરી સંતોને રાજી રાજી કરી દીધા. બાઈઓના મંદિરમાં બાઈઓ કથાવાર્તા કરતાં ને તેમની પંક્તિમાં મુક્તરાજ ધનબા સૌને દર્શન-આશીર્વાદ આપી સુખિયાં કરતાં હતાં. છેલ્લે દિવસે ધનબાએ આગ્રહ કરી આ અનાદિ મુક્તરાજને પોતાની પાસે બોલાવી સૌને સારી રીતે દર્શનનો લાભ અપાવ્યો હતો. પોતે નિરાવરણ દૃષ્ટિવાળાં અને બાઈઓને મહારાજ તથા બાપાશ્રીના મહિમાની વાતો કરતાં તેથી બાઈઓમાં પણ આનંદ આનંદ થઈ રહેતો.