૨૫૩ - સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી
એ વર્ષમાં ભૂજના સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીને શરીરે તાવ તથા દમ રહ્યા કરતો. પોતે પ્રથમથી જ દૃઢ વૈરાગ્યવાન હોવાથી શરીરને તો એ ગણતા જ નહિ, તેમ ગમે તેવા મંદવાડમાં ઔષધની પણ ચોખ્ખી ના પાડી દેતા. આમ કરતાં થોડે થોડે દમ વધી જતાં બહુધા સૂવાતું નહિ, એટલે રાત્રિદિવસ ધ્યાન-ભજન કર્યા કરતા. પોતાને ભૂજનું પાણી જરા ભારે પડતું. તેથી એ ઘણો વખત માધાપુરમાં પણ રહેતા. પ્રથમથી જ તેમનું વૈરાગ્યનું અંગ, એટલે જમવાની રુચિ ઓછી હતી, તેમાં આ દમનું દરદ થયું; પછી તો આ લોકમાંથી સાવ ઉદાસી કરી નાખી. તેમના સારુ સંતો ઘઉંના લોટની બબે રૂપિયાભાર જેટલી પાંચ-સાત પૂરીઓ કરે ને તાંદળજાની ભાજી ધીમે ધીમે તાપે બબે કલાક ચોડવે તે જરા જમતા. દમને લીધે આગળ ને પાછળ ઓઠીંગણ રાખવું પડતું, પણ કોઈ સંત-હરિભક્તો આવે, ત્યારે તો જાણે જરાય મંદવાડ જ ન હોય તેમ વાતો કરતા. નિસ્પૃહી પણ એવા. એક વખત સિનોગ્રા ગામમાં માંદા થઈ ગયેલા, તે વખતે સંતો સાથે હતા તે કહે, ‘સ્વામી! તમને ઠીક નથી તે ભૂજ જશું?’ ત્યારે કહે, ‘શું બોલ્યા! ભૂજ શું આપણું છે? આપણે ઘરબાર મૂક્યાં પછી એવા ઠરાવ શું? મૂળી હોય કે અમદાવાદ હોય, જયાં રહીએ ત્યાં મહારાજને સંભારવા. આગળ સંતો બાવળ ને થોરના ઝાડ હેઠે પડ્યા રહેતા ને આપણને – આવા સ્થાનમાં શ્રીજીમહારાજ બિરાજે છે ત્યાં – શું ઓછું છે!’ એ જ રીતે એક વખત ધર્મધુરંધર આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે તેમના સારુ સભામાં ચાકળો ને તકિયો નખાવ્યો, ત્યારે તે કહે, ‘મહારાજ! મારા ઉપર સદાય રાજી રહો, મને આમ જ ઠીક પડે છે.’ પછી મોટા મોટા સંતોએ ઘણો આગ્રહ કર્યો, ત્યારે જરા બેઠા, એવી તેમની ત્યાગ-વૈરાગ્યમાં રુચિ હતી. મંદવાડમાં પણ એ જ રીત. કોઈ તેમને આગ્રહ તો કરી જ ન શકે, એવો સૌને દાબ પડતો, છતાં સંત-હરિભક્તો પાસે નિર્માનીપણું રાખતા.
એક વખત ભૂજમાં પોતે વધુ માંદા થઈ ગયા હતા, ત્યારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તેમને જોવા ગયેલા, તે મંદિરમાં જઈ પ્રથમ ઠાકોરજીનાં દર્શન કર્યાં, ત્યાં તો બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ મળીને કહેવા માંડ્યું કે, ‘બાપા! તમે દયા કરી પધાર્યા તે બહુ સારું કર્યું, પણ હમણાં સ્વામીનું શરીર સાવ લેવાઈ ગયું છે ને કાંઈ જમતા નથી, તે આ ફેરે જાણે ધામમાં જતા રહે, તેવું થઈ ગયું છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘જેવી મહારાજની મરજી. પણ એવા મોટા સંત બેઠા છે તો કચ્છનો સત્સંગ દીપી રહ્યો છે. સૌ મહારાજની આજ્ઞામાં ખબડદાર વર્તે છે.’ એમ કહી સભામાં દર્શન કરી એમને આસને ગયા, ત્યાં સ્વામી ઓઠીંગણ રાખી બેઠા હતા. આ અનાદિ મુક્તરાજે તો પાધરા જ દંડવત્ કરવા માંડ્યા, ત્યાં સ્વામીશ્રીને ખબર પડી એટલે ‘હાં હાં’ કરતા પોતે ઊભા થઈ, બાથમાં ચાંપી મળ્યા ને બોલ્યા જે, ‘ભાઈ! તમે ઘણી દયા કરી ચાલીને આવ્યા, એવડો બધો દાખડો કર્યો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમારા જેવા સંતનાં દર્શન કરવા આવવું તેમાં દાખડો શું? મારે શરીરે જરા પાંચ-સાત દિવસ થયા ઠીક નહોતું, પણ મનમાં તાણ રહ્યા કરતી, તે આજ તમને જોયા એટલે શાંતિ થઈ. તમે તો મહાસમર્થ છો, પણ આ ટાણે આપણે મૂર્તિ વિના બીજું કાંઈ સંભારવું નહિ. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે, તેમ આપણે એમના સામું જોઈ રહેવું એટલે હૈયો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! મારા ઉપર રાજી રહેજો ને તમે જેમ મૂર્તિના સુખમાં સદાય રહો છો, તેમ રાખજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આપણે તો સદાય ભેગા જ છીએ. અક્ષરધામ અને મહારાજની મૂર્તિ કાંઈ છેટે નથી. આમ અંતદૃષ્ટિ કરીને જોઈએ તો દર્શન થાય, એટલી જ વાર લાગે. જેને એ વાતમાં નજર ન પહોંચે, તે બિચારા દાખડા કરે. તમે તો અનેક જીવોને સુખિયા કરી મૂક્યા છે. તમ જેવા સંતનાં દર્શન થોડે પુણ્યે ન થાય.’ એમ કહી સ્વામી મહાપુરુષદાસજી આદિ સંતો પાસે હતા, તેમને કહ્યું કે, ‘સ્વામીની સેવા બરાબર કરજો, હવે સ્વામી બહુ રહે તેમ જણાતું નથી.’ આમ બોલ્યા. તે વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે ઊભા હતા તેમને પણ આજ્ઞા કરી જે, ‘તમે સ્વામીને કથાવાર્તા રૂપી સેવાએ રાજી કરી લેજો. આવા મોટા સંતનાં દર્શન ને સેવા બહુ દુર્લભ છે.’ એમ કહી નાનામોટા હરિભક્તોને પણ ભલામણ કરી, સાંજના પાછા વૃષપુર પધાર્યા.