૫૪૯ - મહિમાની વાતો ને ઉત્તરકાર્યની તૈયારી

0:000:00

આ વખતે બાપાશ્રી દહીંસરાની પારાયણમાં પધારેલા ન હોવાથી ત્યાં સંત-હરિભક્તોને ઘણી તાણ રહેવા લાગી, તેથી એકાદશીને દિવસે કેટલાક હરિભક્તો સાથે પુરાણી કેશવપ્રિયદાસજી, શ્રીવલ્લભદાસજી આદિ સંતો તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી અને તેમના શિષ્ય નવલશંકર વગેરે બાપાશ્રીનાં દર્શન કરવા રામપુર આવ્યા. તે વખતે બાપાશ્રી મંદિરમાં સભા કરીને બેઠા હતા ત્યાં જઈ સહુએ મહારાજ તથા બાપાશ્રીને દંડવત્ કર્યા તે જોઈ બાપાશ્રી, એ સર્વેને ઊભા થઈ મળ્યા; પછી તેમની પાસે પોતે વાત કરવા લાગ્યા જે, ‘મોટા મુક્ત બેઠા હોય ત્યાં સુધી સુખશાંતિ વિશેષ હોય, પણ અંતર્ધાન થાય ત્યારે એવું સુખ ન રહે. અહીં મોટાં મુક્ત ધનબા હતાં તે સર્વેને સુખિયા રાખતાં ને આ ગામ પણ રામપુર, રામપુર થઈ રહ્યું હતું; હવે એવાં મોટાં જતાં ખાલી થઈ પડ્યું. માટે મોટા મુક્ત પ્રત્યક્ષ બેઠા હોય ત્યાં સુધી તેમની સેવા અને જોગ-સમાગમ કરી મૂર્તિ સિદ્ધ કરી લેવી. મૂર્તિ વિના જે જે થાય તે બધુંય લૂખું છે. કેટલાક તો કોઠાર, ભંડાર, મહંતાઈ વગેરેમાં જ્યાંત્યાં બંધાઈ જાય છે, માટે આ લોકમાં સર્વે ઠેકાણેથી વૃત્તિ ઉખાડીને મૂર્તિમાં જોડાવું ને સત્સંગની સેવા કે બીજું કાંઈ કરવું; તેમાં માન, ઈર્ષા, ક્રોધ આદિ દોષ કે વિક્ષેપ વગેરેનો ત્યાગ કરી એક મૂર્તિ જ રાખવી, પણ મૂર્તિ ભૂલીને કાંઈ કામ ન કરવું.’ આ રીતે વાતો કરી સહુને ગંગાજીએ નાહી આવવાની આજ્ઞા કરી. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ઠાકોરજીની સેવા માટે ભૂજ જવું હતું તેથી તેમને ભૂજ મોકલ્યા અને પોતાને સંતોએ દહીંસરાની પારાયણમાં બે દિવસ આવી જવા કહેવરાવેલું હતું, પણ અહીં મુક્તરાજ ધનબાના ઉત્તરકાર્ય માટે બધી તૈયારી કરવા માટે પોતે રોકાણા હતા, તેમ જ દહીંસરે સંતો હતા તેમને ત્યાંથી રામપુર લાવવાના હોવાથી મંદિરના ચોકમાં ચંદની બંધાવવી, કથામંડપ તૈયાર કરાવવો વગેરે કામ પણ ચાલતું હતું. ઘી, ગોળ, ઘઉં, ચોખા, દાળ ખીચડી વગેરે સામાન તો મુક્તરાજ ધનબાએ આગળથી તૈયાર રાખેલ હતો, પણ તેમાં જે કાંઈ વધુ જોઈએ તેવું પોતે હરિભક્તો પાસે મગાવી તૈયાર રખાવતા. ઉપરાંત મુક્તરાજ ધનબાનાં સેવક કાનબા મહા પવિત્ર તેમ બાપાશ્રીને વિષે દિવ્યભાવવાળાં હોવાથી જે જે કામ હોય તે પોતે બાપ-દીકરીની પેઠે પૂછી પૂછીને કરતાં હોવાથી બાપાશ્રી તેમને દરેક કામમાં મૂંઝાવા દેતા નહિ.