૬૧૮ - ધર્મશાળાનું કામ કરનારાઓ પર પ્રસન્નતા

0:000:00

સંતો વૃષપુર હતા ત્યારે સ્વામીશ્રીએ કેરાના કડિયા જાદવજી તથા ભારાસરના ખોડા ભક્ત તથા ગોપાળ ભક્તના દીકરા હરજી, કાનજી ને નારણ એ ત્રણેયને છત્રી પર જે ધર્મશાળા પડી ગઈ હતી તેનું કામ પાકું કરી દેવા ભલામણ કરી હતી. સંતોને તો એ કામ પૂરું કરાવીને જવું હતું, પણ છત્રી પરની ધર્મશાળામાં ગડર નાખવા માટે કરાંચીમાં રહેતા હરિભાઈ પ્રાગજીએ કાગળ લખેલ જે, ‘આપ એ સ્થાનમાં ગડર નાખી કામ પાકું કરજો ને એ ગડર હું અહીંથી આગબોટમાં મોકલાવું છું.’ પણ એ ગડરને કરાંચીથી આવતાં વાર લાગી, જેથી સંતો ગયા પછી એ કામ ચાલતું થયું. ઘરનો કરો વગેરે પડી ગયું હતું, તે તો કડિયા જાદવજીભાઈએ તૈયાર કરી નાખ્યું હતું. હવે આ ધર્મશાળાનું કામ ચાલ્યું ત્યારે બાપાશ્રીએ કામ કરનારા હરિભક્તો પર પ્રસન્નતા જણાવી, રોજ ઘોડીએ બેસી બપોર કે સાંજના છત્રીએ જતા અને ત્યાં હરજીભાઈ તથા જાદવજીભાઈ આદિ કામ કરનારા હરિભક્તો પાસે બેસી મૂર્તિના સુખની વાતો કરતા, તેથી એ સેવા કરનારા સર્વેને ઉમંગ વધતો જતો.