૩૪૯ - ભેળા રહેવાની તાણ પૂરી કરી
થોડા દિવસ થયા ત્યાં તો એ પાછા વૃષપુર આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીને દંડવત્ કરતા હતા. એ જોઈ પોતે એમ કહ્યું જે, ‘માસ્તર! આ ટાણે ક્યાંથી?’ ત્યારે તે કહે, ‘બાપા! મને આ ફેરે ઘેર ગોઠ્યું જ નહિ. બહારગામ જવાનું નક્કી કરેલ, ત્યાં પણ જવાનું મન ન થયું.’ આમ કહેવાથી બાપાશ્રીએ તેમને થોડા દિવસ પોતાની પાસે રાખ્યા. વળી ત્યાંથી રામપુર મોકલ્યા, ત્યારે ત્યાં દર્શન કરી આવ્યા. પછી ભૂજ જવા કહ્યું, એટલે ભૂજ ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને પોતાની વાત કરી, તેથી તે બ્રહ્મચારીએ રોહાના કારભારી કુંવરજીભાઈ આવેલા તેમને ભલામણ કરી કે, ‘આ માસ્તરને તમો ત્યાં લઈ જાઓ, એમને કચ્છમાં રહેવાની ઇચ્છા છે.’ આવી ભલામણથી તેમને તે રોહે લઈ ગયા. પછી ત્યાંથી પાછા રામપુર પારાયણ થઈ, એટલે એ ત્યાં આવ્યા; તે વખતે પોતે સો જેટલા પ્રશ્નો લખીને લાવેલા તે પૂછવાનું કરતાં બાપાશ્રી કહે, ‘માસ્તર! મહારાજને મુક્ત પ્રગટ મળે ત્યારે તો દર્શન ને સેવા-સમાગમનું સુખ લેવું; એમાં સમજવાનું છે ને કરવાનું છે, તે સહેજે થઈ જાય!’ આથી તેમને તે પ્રશ્નોના ઉત્તર કરવાની તાણ ન રહી, પછી તેમને ઘણા દિવસ પાસે રાખ્યા હતા.