૫૯૪ - આંખની દવા કરાવવા ભૂજ ગયા
આ રીતે બાપાશ્રી પાસે મૂર્તિના સુખનો જ વ્યવહાર ચાલ્યા કરતો તેથી પૌત્ર રામજીની એક આંખ તદ્દન ગઈ, તોપણ મહારાજની ઇચ્છા જાણી મન વાળી બેસી રહ્યા, પણ થોડા દિવસ થયા ત્યાં વળી બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈ, બાવળની ડાળ ઝાલી દાતણ કાપતા હતા, તેમાં ડાળ હાથમાંથી છટકી ગઈ તેથી એક આંખમાં તે બાવળની શૂળ લાગી જતાં તેમને બહુ પીડા થઈ, તોપણ કાંઈ કર્યું નહિ. પછી એ વાતની ખબર પડતાં ભૂજના હરિભક્તો આગ્રહ કરી આંખ માટે ઔષધ કરાવવા બાપાશ્રીને સાથે લઈ કાનજીભાઈને ભૂજમાં તેડી લાવ્યા. બાપાશ્રી આવતાં મંદિરમાં સંત-હરિભક્તોને કથાવાર્તા તથા દર્શન વગેરેનું સુખ બહુ થયું, અને થોડા દિવસ દવા કરાવતાં કાનજીભાઈને આંખમાં પીડા થતી હતી તે મટી ગઈ, તેથી હરિભક્તો ઘણા રાજી થયા અને બાપાશ્રી પણ ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્તો પર પ્રસન્નતા જણાવી તેમને મૂર્તિના સુખમાં રાખવાના આશીર્વાદ આપી વૃષપુર પધાર્યા.