૧૪૨ - સુંથરામપુરના સુખદેવ ભક્ત
ભાઈશ્રી સંઘે સહિત કચ્છમાંથી છપૈયે જવા નીકળી પ્રથમ ગુજરાતમાં આવી ઉપરદળમાં રામજીભાઈને દર્શન દેવા આવવાના હતા, એવો કાગળ થોડા દિવસ પહેલાં આ મુક્તરાજે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી લૂણાવાડામાં હતા ત્યાં લખેલો, તેથી તેમને એમ જે ચારપાંચ દિવસ વહેલા નીકળી સુંથરામપુરમાં સુખરામભાઈનાં દર્શન કરતા જઈએ તો ઠીક. આ વિચારથી સ્વામીશ્રી આદિ સંતો ત્યાં ગયા હતા. તેમણે એક દિવસ રોકાઈ સુખરામભાઈને રાજી કરી, જવા ઇચ્છા બતાવી ને કહ્યું કે, ‘ઉપરદળમાં રામજીભાઈ બહુ માંદા છે તેને જોવા ભાઈશ્રી આવવાના છે, ત્યાં અમારે ભેળું થવું છે.’ ત્યારે તેમણે એમ કહ્યું જે, ‘સ્વામી! તમે દયા કરીને આવ્યા છો તેમ અહીં નિરાંત કરીને રહો. તમારે ભાઈશ્રીને મળવું છે, તે વાતમાં હું ફેર પડવા નહિ દઉં, જ્યારે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી કચ્છમાંથી રવાના થશે, ત્યારે હું તમને અહીંથી રજા આપીશ. ત્યાં સુધી તો રાજી થઈને રહો.’ આવાં વચનથી સ્વામીશ્રીએ જાણ્યું જે, ‘આ મુક્ત મહાસમર્થ છે, તેમ નિરાવરણ દૃષ્ટિવાળા છે, તેથી એ જેમ કહે તેમ કરીએ.’ પછી તો દસ દિવસ સુધી સંતો ત્યાં રહ્યા; ત્યારે છેલ્લે દિવસે તેમણે કહ્યું કે, ‘સ્વામી! હવે સુખેથી ઉપરદળ પધારો. મુક્તરાજ ભાઈશ્રી ભૂજથી રવાના થયા છે, તે મૂળી થઈ આ તરફ આવશે.’ તેમનાં આવાં વચનથી બીજે દિવસ સંતો સવારમાં વહેલા નીકળી ઉપરદળ જવા રવાના થયા.
આ સુખદેવ ભક્ત બહુ સમર્થ ને વચનસિદ્ધ હોવાથી તેમનો મહિમા ઘણા માણસો જાણતા. એમને બે દીકરા હતા, તેમાં નારાયણ નામના દીકરાને સત્સંગ ઘણો હતો ને બીજાને સત્સંગ બહુ નહિ, તેથી પોતાની મિલકતમાંથી એ દીકરાને કાંઈ પણ આપવાની પોતે ના પાડી ને કહ્યું જે, ‘મારે તો સત્સંગ માથા સાટે રાખે તેવો દીકરો જોઈએ.’ પછી તે દીકરાએ જાણ્યું જે, ‘મારા બાપ મને કાંઈ આપશે નહિ. તેથી જ્યારે સુખદાતાનંદ સ્વામી ત્યાં આવ્યા ત્યારે તેમના પાસે તેણે રાવ કરી જે, ‘સ્વામી! મારા બાપાને સમજાવો તો ઠીક, મને કાંઈ આપતા નથી. હું શું દીકરો નહિ?’ આમ એ વાત કરતો હતો, ત્યાં જ સુખદેવ ભક્ત આવી પહોંચ્યા, તેથી પોતાને માઠું લાગ્યું ને કહ્યું જે, ‘એક તો તું સત્સંગ બહુ રાખતો નથી ને વળી મોટા સંત પાસે ભાગ લેવા રાવ કરે છે, તે ભાગ તો નહિ મળે પણ તને દીકરોયે નહીં થાય’ –આમ એ દુ:ખાઈ જવાથી તેમના કહેવા પ્રમાણે જ તેને થયું હતું.
એક વખત એ ગામના રાજા પાસે એક ભાટે આવીને કહ્યું કે, ‘સ્વામિનારાયણને લોકો ભગવાન માને છે, પણ તે ભગવાન ક્યાં છે?’ પછી એ વાત કોઈ હરિભક્તે સુખરામભાઈને કહી, તેથી પોતે ત્યાં ગયા. દરવાજામાં સુખરામભાઈને આવતા જોઈને તે રાજાએ ઊઠીને સામા આવી દંડવત્ પ્રણામ કર્યા ને કહ્યું જે, ‘બાપા! મેં કાંઈ કહ્યું નથી. ને મારો કાંઈ વાંક નથી.’ ત્યારે સુખરામભાઈ કહે, ‘તમે એના એવા બોલ સાંભળી કેમ રહ્યા?’ પછી તો તે રાજાએ હાથ જોડ્યા, એટલે કાંઈ બોલ્યા નહિ; પણ ભાટ પાસે જઈને કહ્યું જે, ‘એલા મૂર્ખ! તું કહે છે કે, સ્વામિનારાયણ ભગવાન નથી, પણ હું પ્રતિજ્ઞા કરું છું કે સ્વામિનારાયણ ભગવાન ન હોય તો મને રૂંવાંડે રૂંવાંડે જીવડા પડે ને જો એ નક્કી ભગવાન હોય તો તને પરમ દહાડે પાઠું નીકળે ને એક મહિનામાં મરી જા.’ એમ બોલ્યા તે પ્રમાણે જ તેને ત્રીજે દિવસે પાઠું નીકળ્યું, તોપણ તેણે માફી ન માગી એટલે બરાબર એક મહિને તે દેહ મૂકી ગયો. કદાચ તેણે રાજાની પેઠે હાથ જોડી માફી માગી હોત તો આમ ન થાત, પણ તેને હાડમાં અભાવ હોવાથી સારું ન સૂજયું.
એક વાર પોતે માનસીપૂજા કરતા હતા ને ધોતિયાને છેડે દાગીનો બાંધેલ તે ચોર લઈ ગયા, તે વખતે પણ નારાજ થઈને એ દાગીનો લઈ જનારને જેવાં વચન કહ્યાં હતાં તે પ્રમાણે જ બન્યું હતું. આવા મહાસમર્થ સુખરામભાઈએ સ્વામીશ્રીને ઉપરદળ જવાનું કહ્યું. અને તે ગયા પછી બે કલાકે જ ભાઈશ્રી ઉપરદળ પધાર્યા.