૧૫૧ - રામપુર તથા દહીંસરામાં જ્ઞાનયજ્ઞ

0:000:00

કુંવરજીભાઈ ધામમાં ગયાને હજુ થોડા દિવસ થયા હતા, ત્યારે માંડવીથી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ રામપુર આવ્યા છે, એવા સમાચાર સાંભળી આ મુક્તરાજ પણ ગંગાજીએ નાહવાનું નિમિત્ત કરી રામપુર ગયા. ત્યાં એ બન્ને મુક્તો ભેળા થતાં એકબીજાને હેતને લીધે આનંદનો પાર રહ્યો નહિ. મુક્તરાજ ધનબા પણ ઘણા રાજી થયાં. પરસ્પર મહિમાની વાત કરતાં આ બન્ને મુક્તો ગંગાજીએ જવાના જાણી હરિભક્તોએ ગાડું જોડી માંહી બેસાર્યા ને કીર્તન બોલતાં બોલતાં સૌ ગંગાજીએ ગયા; ત્યાં સર્વે નાહ્યા. તે વખતે સાથે આવેલા હરિભક્તો પર આ બન્ને મુક્તોએ જળ ઉછાળ્યું. હરિભક્તો એ વખતે, ‘આજ ગઈતી કાળંદ્રીને તીર રે ભરવાને પાણી રે, મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે મોહન દાણી રે,’ -એ કીર્તન બોલતા હતા. એમ સૌ નાહ્યા પછી જળમાંથી બહાર નીકળી પરસ્પર મળ્યા ને વસ્ત્ર બદલી વૃક્ષની છાંયે માનસીપૂજા કરવા બેઠા. થોડી વારે જાગ્રત થયા ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, ‘આપણે નાહીએ, મળીએ કે કીર્તન બોલીએ તેમાં મૂર્તિની સ્મૃતિ હોય તો સર્વે ક્રિયા દિવ્ય થઈ જાય, માટે સર્વે ક્રિયામાં સ્મૃતિ રાખવી. અક્ષરધામમાં અનહદ તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ મુક્તમંડળને સદાય પોતાનું દિવ્ય સુખ આપે છે. એ જ મહાપ્રભુએ અહીં મનુષ્યરૂપે દર્શન આપી અનેક જીવોને ન્યાલ કર્યા. અદભુત પ્રતાપ જણાવી મોટાં મોટાં ધામો બાંધી મોક્ષનાં સદાવ્રત ચલાવ્યાં. માટે અક્ષરધામની મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ એ બેય એક જ છે, તેમાં જરાય ફેર નથી. એ મૂર્તિ ક્યારેય ભૂલાય નહિ, એ સત્સંગ કર્યાનું ને આવા મોટાના જોગનું ફળ છે. એ જ મહાપ્રભુ મંદિરેમંદિરે ને ઘરોઘર પ્રતિમારૂપે દર્શન દે છે. તેને પ્રત્યક્ષ જાણી સદાય દિવ્યભાવ રાખવો, ને તેમની આજ્ઞામાં લેશમાત્ર ફેર પડવા દેવો નહિ.’ આમ વાત કરી ત્યાં સુધી ભાઈશ્રી તો ધ્યાનમાં ને ધ્યાનમાં બેઠા હતા, તે જાગ્યા ને પ્રસન્નતા જણાવી ફરી વાર સૌને મળી ગામમાં આવ્યા. માર્ગમાં ગાડામાં બેઠા બેઠા ભાઈશ્રીએ કુંવરજીભાઈ ધામમાં ગયાની વાત કરી, ત્યારે ‘એવાની સત્સંગમાં ખામી આવી’ એમ બોલ્યા; પછી લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! મારે કુકડીએ દામોદરભાઈને મંદવાડ સાંભળ્યો છે તે જોવા સારુ જવું છે તે કેમ કરું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘લક્ષ્મીરામભાઈ! હવે તો અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે દર્શન કરો તો ભલે! એ તો મહારાજના સુખમાં ક્યારનાય પહોંચી ગયા છે.’ -આમ કહ્યું; પણ લક્ષ્મીરામભાઈને મનમાં એમ થયું જે, ‘હું કુકડીએ જઉં ને પહોંચાય તેમ નહિ હોય, કાં તો ભાઈ દિવ્યભાવમાં બોલ્યા હશે. ગમે તેમ હોય, હવે મંદિરમાં જઈ એકાંતે પૂછતાં સમજાશે,’ -એમ વિચાર્યું; પણ એ વખતે તો તે સંકલ્પ મનમાં ને મનમાં સમાવી દીધો. પછી મંદિરમાં પહોંચ્યા, ત્યાં તો ભૂજથી બ્રહ્મચારી રામપુરમાં દર્શન કરવા આવેલ તે મળ્યા ને પાધરી જ વગર પૂછ્યે વાત કરી કે, ‘ભાઈ! તમને દામોદરભાઈ ધામમાં ગયાની ખબર છે કે કેમ? અમને કાગળ હતો.’ આ વાત સાંભળી એટલે લક્ષ્મીરામભાઈનો સંકલ્પ હતો તે ટળી ગયો. પછી તે વાત ભાઈશ્રીને કરીને કહ્યું કે, ‘ભાઈ! તમારા વચનમાં મને ક્યારેય તર્ક ન થાય ને આજ કેમ સંકલ્પ થયો હશે?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એ તો મનુષ્યભાવની રીત જ એવી, એમાં કાંઈ નહિ.’ પછી ઠાકોરજી જમાડ્યા ને રાત્રે કથાવાર્તા કરી સૂઈ રહ્યા. વળી વહેલા પરવારી ઠાકોરજીને જમાડી રામપુરથી ચાલ્યા, ત્યારે પણ દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો વળાવવા આવ્યા ને ગામને ઝાંપે ગાડું ઊભું રખાવી સૌએ ચંદન ચર્ચી આ બન્ને મુક્તોને હાર પહેરાવ્યા ને દંડવત્ કર્યા. કેટલાક હરિભક્તો દહીંસરા સુધી સાથે આવવાના હતા તે ચાલતા થયા. તે વખતે મુક્તરાજ ધનબા આવેલાં; તે કહે કે, ‘ભાઈ! રાજી રહેજો. મારે તમને બે દિવસ ખમાડવા હતા, પણ તમારે દહીંસરે ખમવું છે, તેથી ભલે ત્યાંના હરિભક્તો રાજી થાય, એમ જાણી મેં તાણ કરી નહિ, આમ તમારી મેળાએ દયા કરી સૌને સુખિયા કરો છો તે કાંઈ થોડી વાત નથી. આ ગામ ઉપર મહારાજ તથા મોટા મોટા સંતોનો રાજીપો છે. તેમ તમે પણ રાજી રહેજો ને દયા રાખજો,’ -એમ કહી હાથ જોડ્યા; પછી ગાડું દહીંસરે પહોંચ્યું, ત્યાં તો આગળથી હરિભક્તોએ જાણ કરેલ હોવાથી ગામ બધું હલકીને દર્શન કરવા ઝાંપે આવ્યું. બન્ને મુક્તોને ગાડામાં બેઠેલા જોઈ છેટેથી હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા. તેમાં મુક્તરાજ કેસરાભાઈ પણ હતા; તેથી આ મુક્તોએ ઉતાવળા ઉતાવળા ગાડામાંથી ઊતરી તેમને ઝાલી રાખ્યા ને પરસ્પર મળ્યા ને ત્યાં પણ હરિભક્તોએ કુંકુમના ચાંદલા કરી, હજારી ફૂલના હાર પહેરાવ્યા, તે કંઠમાં સમાય નહિ. પછી કેટલાક હાર કાઢી હરિભક્તોને પહેરાવ્યા ને બન્ને મુક્તોએ કેસરાભાઈની પૂજા કરી, પછી હરિભક્તોએ સહિત કીર્તન બોલતાં બોલતાં સૌ મંદિરમાં ગયા, ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી જળપાન કર્યું ને રાત ખમવાની વાત કરી. પછી સાંજના હરિભક્તો આવીને બેઠા હતા, ત્યાં અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ કેસરાભાઈ તથા ભાઈશ્રીના મહિમાની વાતો કરવા માંડી, તેથી સૌ રાજી થયા. પણ કેસરાભાઈ વચમાં બોલી ઊઠ્યા કે, ‘ભાઈ! રહેવા દ્યો. ભાઈશ્રીની જે વાત કરો તે ભલે કરો, પણ હું તો તમથી ક્યાંય નાનો છું ને તમે તો મારા ગુરુ જેવાં છો. તમારા જેવા મોટાની દયાએ હું સુખિયો છું.’ -એમ કહી સૂરજબાની કહેલ શ્રીજીમહારાજના પ્રતાપની થોડી વાર વાતો કરી, તેથી સૌને આનંદ આનંદ થઈ ગયો. રાત્રે આરતી થઈ રહ્યા પછી સભા ભરાણી તે વખતે વળી લક્ષ્મીરામભાઈ તથા કેસરાભાઈએ ભાઈશ્રીને વાતો કરવા કહ્યું; ત્યારે પ્રથમ ‘તો તમે જ કરોને,’ એમ બોલ્યા; પણ પછી તો પ્રસન્ન થકા વાત કરવા લાગ્યા જે, ‘આ સમે જીવને લેવા અક્ષરધામમાંથી શ્રીજીમહારાજ ને તેમના મુક્ત પધાર્યા છે, તેથી ‘દુર્બળનાં દુઃખ કાપિયાં, ન જોઈ જાત કુજાત’ એવું થયું છે; એમની દૃષ્ટિમાં કે જોગમાં જે આવે તેને ન્યાલ કરે છે. મહારાજની મૂર્તિમાંથી તેજની છટા છૂટે છે, ત્યાં આ સભા બેઠી છે. આવા મુક્ત મૂર્તિના સુખરુપ અમૃતનો આહાર કરનારા ક્યાંથી મળે? શ્રીજીમહારાજે આ સમે સત્સંગમાં ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યાં છે. જુઓને! આ લક્ષ્મીરામભાઈ, અખંડ એકતાર મૂર્તિમાં જોડાઈ રહ્યા છે પણ તેને કોણ પારખે? ઝવેરી વિના હીરા પરખાય નહિ. આવી બ્રહ્મસભામાં જે બેઠા છે, તે તો ઠેઠ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે બેઠા છે, એમ મહિમા જાણવો. આવા દિવ્ય મુક્તને દર્શને અનંત જન્મનાં કર્મ ને દોષમાત્ર નાશ પામી જાય, પણ મહિમા વિના કાંઈ નહિ. આપણે તો એક શ્રીજીમહારાજની મૂર્તિનું જ તાન રાખવું. રત્ન, ચિંતામણિ કે પારસમણિના દૃષ્ટાંતથી એમનો મહિમા કહેવાય છે, પણ એકેય દૃષ્ટાંત કે એકેય ઉપમા તેમને ન અપાય, પણ આ લોકમાં બીજું શું કહેવું? વર્તમાનકાળે આવા મોટાને જોગે લાખો-કરોડો જીવ મૂર્તિના સુખમાં ચાલ્યા જાય છે. જેને અનંત કાળનાં સુકૃત ઉદય થયાં હોય ને આત્યંતિક મોક્ષ થવાનો હોય તેને આવા મોટા ઓળખાય છે. આવા મુક્તનો જોગ કરીને મૂર્તિમાં જોડાઈ જવું. મૂર્તિ વિના બીજે સુખ નથી. અને એટલું તો નક્કી કરી રાખવું કે, મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે; તેણે આપણો હાથ ઝાલ્યો છે, માટે આનંદમાં રહી તેમને ઘડીયે વિસરવા નહિ, ને તેમના વચનમાં વર્તી પોતાનું પૂરું કરી લેવું. જે જાણીજોઈને મહારાજનાં વચન લોપે છે તેને તો મહારાજે અધર્મી ને વિમુખ કહ્યો છે, તે સૌએ સંભારવું.’ આવી વાતો કરી, તેથી સૌ નાનામોટા હરિભક્તો રાજી રાજી થઈ ગયા. પછી ચેષ્ટા આદિ નિત્યનિયમ કર્યા પછી આસન કર્યા, ત્યારે મુક્તરાજ કેસરાભાઈએ પાસે બેસી એકાદ દિવસ રોકાઈ જવાની તાણ કરી, પણ લક્ષ્મીરામભાઈએ તેમને સમજાવ્યા ને કહ્યું જે, ‘બારોબાર જવું હતું પણ તમને રાજી કરવા રાત રહ્યા છીએ, માટે રાજી રહેજો.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘ભાઈ! જેવી તમારી મરજી. હું તો તમારા બેયનાં દર્શને કરીને બહુ રાજી થયો. આજ સભામાં ભાઈશ્રીએ વાતો કરી, તેમાં તો બધુંય આવી ગયું. એમની વાત બહુ મોટી છે. મને એમના કરતાં વર્ષ ઘણાં થયાં, પણ તેણે કરીને શું થયું? હું તો તમારાં ને એમનાં દર્શન થાય છે ત્યારે ન્યાલ જ થઈ જાઉં છું. મને સૂરજબા વારે વારે કહેતાં જે, ‘કેસરા! આ બન્ને મુક્તોની કૃપા જેના પર થઈ તેને સાધન બધાંય પૂરાં થઈ રહ્યાં, એમ જાણવું’ -એમ કહી પાસે આસન કર્યું. પછી સવારમાં વહેલા ઊઠી નાહી પૂજા કરી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી વૃષપુર ગયા ને લક્ષ્મીરામભાઈ માંડવી ગયા; તે વખતે પણ ઘણા હરિભક્તો છેટે સુધી વળાવવા ગયા હતા.