૩૫૩ - દિવ્ય દર્શન ને નવો જન્મ

0:000:00

બીજે દિવસ એ સવારમાં વહેલા ઊઠી હર્ષભર્યા ગંગાજીએ નાહી આવ્યા ને પૂજા કરી વેકરાના મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરતાં જ બાપાશ્રી સંતોએ સહિત ઓશરીમાં બેઠા હતા, ત્યાં આવીને દંડવત્ કરી રમૂજ કરતા બોલ્યા જે, ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો –આ સેવક આવ્યો છે. તેને મહાપ્રભુજીનાં દર્શન કરાવો. આજની રાત તો બહુ મોટી, જાણે ખૂટતી જ નહોતી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘હજી થોડી વાર ખમો,’ એમ કહી ઓશરીમાં કથાવાર્તા થતી હતી, ત્યાં તેમને બેસાર્યા. કલ્યાણસિંહજી તો ઘડી ઘડી બાપાશ્રી સામું જુએ, કે હમણાં મને દર્શન કરાવશે. પણ બાપાશ્રી તો તેમના સામું જુએય નહિ, તેમ કાંઈ દર્શન સંબંધી વાતેય કરે નહિ. પછી રામપુરમાં પારાયણ વંચાવાનો સમય થવા આવ્યો, ત્યારે પોતે ઊઠ્યા ને સંતો તથા હરિભક્તોને કહ્યું જે, ‘સહુ ચાલો, આજ આ કલ્યાણસિંહજીને શ્રીજીમહારાજનાં દર્શન કરાવવાં છે.’ પછી તો સહુને ઉમંગનો પાર રહ્યો નહિ. બાપાશ્રીએ તેમનો હાથ ઝાલ્યો, ત્યારે તે કહે, ‘ગરીબનિવાજ! આમ ને આમ આ સેવકને પકડી રાખજો; છટકવા દેશો નહિ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે પણ અમને મૂકજો મા.’ ત્યારે તે કહે, ‘કબૂલ.’ પછી હર્ષભર્યા સહુ રામપુર મંદિરમાં આવ્યા, ત્યાં સભામાં ઘણા સંત-હરિભક્તો બેઠા હતા, તે સર્વેને ખબર પડી જે, ‘બાપાશ્રીએ કાલે વાત કરી હતી તે પ્રમાણે આજે કલ્યાણસિંહજીને દર્શન કરાવવાના છે.’ બાપાશ્રીએ પ્રથમથી કહેવરાવેલ હોવાથી સંતોએ મહારાજની ગુલાબ તથા હજારી ફૂલના હારથી પૂજા કરી ફૂલડે ગરકાવ કરી મૂક્યા હતા ને અગરબત્તીના ધૂપથી મંદિર બધું સુગંધીમાન થઈ રહ્યું હતું. એક પડખે આરતીમાં વાટ્યો પૂરી તૈયાર રાખેલ, ને મંદિરમાં તો સંત-હરિભક્તો ઊભા સમાય નહિ. સૌ મૂર્તિ સામું જોઈ રહ્યા હતા. ત્યાં બાપાશ્રી બોલ્યા જે, ‘જુઓ, કલ્યાણસિંહજી! આ સિંહાસનમાં કોણ બિરાજે છે? બરાબર નજર કરો!’ આ વચન સાંભળી જેમ ત્રાટક કર્યું હોય તેમ એમણે તો મહારાજની મૂર્તિ સામાં નેત્ર સ્થિર કરી દીધાં, તે મટકુંય ન મારે! તે વખતે બાપાશ્રીએ આરતી પ્રગટાવી એટલે સહુ ‘ જય સદ્‍ગુરુ સ્વામી, જય સદ્‍ગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી,’ એ બોલવા લાગ્યા, સાથે આરતી-નગારાં વાગવા માંડ્યાં. કલ્યાણસિંહજીને તો જેમ કોઈ જાદુ લાગ્યું હોય ને એમ ને એમ એકનજરે જોઈ રહે, તેમ એ મહારાજ સામું એક નજરે જોઈ રહેલા, ત્યાં તો તેમને મહારાજની મૂર્તિમાંથી જાણે તેજની કિરણો છૂટતી હોય તથા નવીન ખુશબો આવતી હોય તેમ જણાવા માંડ્યું; પછી સહુ ‘જય’ બોલ્યા. એટલામાં તો તેમના નેત્રમાંથી પ્રેમનાં આંસુ ચાલ્યાં ને ગદગદ કંઠે ‘હે મહારાજ! હે દયાળુ! દીનબંધુ! દયાસિંધુ!’ એમ બોલવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ તેમને એમ કહ્યું જે, ’ કલ્યાણસિંહજી! મહારાજનાં દર્શન થાય છે કે કેમ?’ ત્યારે તે પોતાના હાથે પોતાના બેય કાન ઝાલીને ઊંચે સાદે બોલ્યા જે, ‘બાપા! તમે આજ ચોરને બરાબર પકડ્યો; આવડી સભામાં એ ચોર ક્યાં જઈ શકે?’ એમ કહી દંડવત્ કરતા જાય ને નેત્ર લૂવે, પછી સંત-હરિભક્તો સામા દંડવત્ કરવા મંડ્યાં ત્યારે બાપાશ્રીએ તેમને ઝાલી લીધા ને હેતે સહિત બાથમાં ચાંપી મળ્યા. પછી સૌને કહ્યું જે, ‘આજ કલ્યાણસિંહજીનો નવો જન્મ થયો, માટે સહુ મળો.’ આમ કહેવાથી સંત-હરિભક્તો સૌ મળ્યા. પછી સભામાં આવીને સર્વે બેઠા, ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, ‘આ સભામાં શ્રીજીમહારાજ અખંડ બિરાજે છે ને સૌના મનોરથ પૂરા કરે છે. સંત-હરિભક્તો પર અમૃતનજર કરી રહ્યા છે, પણ જીવને બહિર્દ્રષ્ટિનો અભ્યાસ થઈ ગયો છે, તેથી એમ ને એમ ખબર વિના આળપંપાળમાં આવરદા ખોઈ નાખે છે; પણ જેને એ સુખમાં દૃષ્ટિ પહોંચે, તે તો આવી દિવ્ય સભા તથા દિવ્ય મહારાજને ઘડીએ મૂકે નહિ, મૂર્તિમાંથી તેજનાં બંબ છૂટે છે. અતિ અપાર તેજોમય મૂર્તિ છે. અનંત મુક્તો એકનજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે.’ એવાં વચન સાંભળી કલ્યાણસિંહજીની સ્થિતિ તુરત જ ફરી ગઈ, તેથી એ સભામાંથી ઊઠ્યા ત્યાર પછી ઊઠતાં-બેસતાં પરભાવની જ વાતો કરવા લાગ્યા.