૫૫૦ - `દહીંસરાની પારાયણમાં પધાર્યા`
આ રીતે રામપુરમાં બધી તૈયારી કરાવતા તથા કથાવાર્તાએ સહુને સુખિયા કરતા બાપાશ્રીને દહીંસરાના હરિભક્તો તેડવા આવ્યા. ત્યારે પોતે ઘોડીએ બેસીને ગામના હરિભક્તો તથા જામનગરથી આવેલા રતિલાલભાઈ તથા ભૂજના સોની મોતીભાઈ વગેરેને સાથે લઈ દહીંસરે પધાર્યા. બાપાશ્રી આવવાની ખબર પડતાં ત્યાંના નાનામોટા હરિભક્તો ઉતાવળા ગામને ઝાંપે સામા આવ્યા, તેમાં કેટલાક ફૂલના હાર લાવેલા તે પહેરાવતા આવે ને આગળ ઝીલણિયા કીર્તન બોલે, એ સહુને ‘જય સ્વામિનારાયણ’ કહેતા પોતે ઘોડીથી હેઠા ઊતરી એક પછી એક સૌને હેતે સહિત મળ્યા ને દેવજીભાઈ, ખીમજીભાઈ, રતનાભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો પાસે મુક્તરાજ ધનબા નિમિત્તે ખરખરો કરતાં, ધીરે ધીરે મંદિરમાં આવી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સભામાં બેઠા.
આ પારાયણમાં કેટલાકને એમ હતું જે, ‘બાપાશ્રી મુક્તરાજ ધનબાના ઉત્તરકાર્ય નિમિત્તે રામપુર રોકાઈ રહ્યા હોવાથી અહીં આવે કે ન આવે.’ પણ પોતે સંત-હરિભક્તોનો આગ્રહ જોઈ આવી પહોંચ્યા, તેથી સહુ રાજી થયા.
પછી સાંજે કથાની સમાપ્તિ થઈ ત્યારે કીર્તન બોલાણાં ને પ્રસાદી વહેંચાણી. એ ટાણે સૌ ઠાકોરજીને જમાડવા ગયા. વળી રાત્રે પણ મોડે સુધી કથાવાર્તા ચાલી. પછી સૌ સૂતા, પણ પાછલી રાત્રે જામનગરવાળા રતિલાલભાઈને સારી પેઠે તાવ આવી ગયો. તેથી એ સવારે મોડા ઊઠ્યા તે જોઈ બાપાશ્રી તેમના શરીરે તથા માથે હાથ ફેરવતા ધીરજ દેવા લાગ્યા ને ઊના પાણીથી નવરાવવા હરિભક્તોને ભલામણ કરી. પછી તેમણે નાહી પૂજા કરી લીધી, ત્યારે પોતે દૂધ ઊનું કરાવીને લાવ્યા ને કહે, ‘માસ્તર! તમને હજી શરીરમાં તાવની અસર છે પણ મૂંઝાશો નહિ, સારું થઈ જશે, આટલું દૂધ મહારાજને જમાડો,’ એમ કહી દૂધ પાયું.