૧૯૭ - ફુલેકામાં મહારાજનાં દર્શન

0:000:00

સંધ્યા-આરતી થયા પછી ગામમાં ફુલેકું નીકળવાનું હતું, તેથી પાલખીમાં શ્રીજીમહારાજની માણકી પર સવાર થયેલ મૂર્તિ પધરાવી. આગળપાછળ નેજાનિશાન, છત્ર, ચમર ને આરતીડંકા વાગતાં ઉત્સવીઆની મંડળીઓએ કીર્તન બોલવા માંડ્યાં; ત્યારે છડીદારે ઊંચે સ્વરે ‘સોનેકી છડી, રૂપેકી મશાલ, જરીયનકે તોરે, મોતીયન કી માળા, કાને કુંડળ, માથે મુગટ, આજુસે બાજુસે નજર રખો! મહારાજાધિરાજ, સોનેરી મોળિયાવાળાને ઘણી ખમા!’ –એમ બોલ્યા ને સવારી ચાલતી થઈ. પછી આગળ ચાલતાં મંડળીઓમાં કીર્તનની ઝીક વાગે, ગુલાલ ઊડે, ભડાકા થાય, ઘેર ઘેર બાઈઓ ઠાકોરજીને વધાવી ભેટો મૂકે, એમ શેરીએ, શેરીએ ફરીને ગામ વચ્ચે હર્ષભર્યા આવતાં હરિભક્તો સલોખા બોલ્યા. પછી મંદિરમાં આવ્યા. એ વખતે મંદિરમાંથી સંતો સર્વે આ કચ્છી હરિભક્તોનાં હેત જોતાં ઓશરીમાં આવી ઊભા રહ્યા. પછી શાસ્ત્રી બાળમુકુંદાનંદજીએ સૌ ઉત્સવીઆને ફૂલના હાર પહેરાવી રાજી કર્યા. રાત્રે પણ એમ ને એમ ઠારોઠાર ગરબીઓ ગવાય, કીર્તન બોલાય, જેથી સવારોસવાર દિવ્યનાદ થતા જ હતા.