૪૩૫ - અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ સંત-હરિભક્તોના હેતને લીધે સત્સંગમાં વધુ દર્શન આપી અનેક જીવોને સુખિયા કર્યા
થોડા દિવસ પછી અમદાવાદના પુરાણી નંદકિશોરદાસજી, પુરાણી ધર્મજીવનદાસજી, પુરાણી લક્ષ્મીપ્રસાદદાસજી, પુરાણી નારાયણસેવાદાસજી આદિ સંતમંડળ સૌએ ભૂજમાં આવી છપૈયામાં જન્મસ્થાનનું કામ ચાલતું હતું તે માટે ખરડો કરવા સદ્ગુરુ સ્વામી મહાપુરુષદાસજી આદિ સંતોને એ વાત જણાવી, એ સેવાના કામમાં પુષ્ટિ કરાવવા કહ્યું, ત્યારે સંતોએ રાજી થઈ ગામોગામમાં હરિભક્તોને શ્રદ્ધાએ સહિત સેવા કરવા ખબર મોકલાવ્યા. પુરાણી આદિ સંતોએ તો પહેલાં મિસ્ત્રીઓના ગામોમાં જવા વિચાર કર્યો હતો, પણ બપોરના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ઠાકોરજીને જમાડવા મંદિરમાં ગયા, ત્યારે શ્રીહરિકૃષ્ણ મહારાજે પ્રથમ કણબીઓના ગામડાંમાં જવાની આજ્ઞા કરી, તેથી તે સભામાં આવીને સંતોને કહેવા લાગ્યા જે, ‘મહારાજની આજ્ઞા એવી થઈ છે કે, તમે પહેલાં મિસ્ત્રીઓના ગામમાં ન જતાં પ્રથમ કણબીઓના ગામોમાં જઈ સેવા કરાવજો.’ આથી પુરાણી આદિ સંતો રાજી થયા ને જાણ્યું જે, ‘મહારાજે આજ્ઞા કરી છે, તેથી બધુંય સારું થશે.’ બીજે દિવસે સંતો વૃષપુરમાં ગયા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીને મળ્યા. પછી ‘છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજના જન્મસ્થાનનું કામ ચાલે છે તે સારુ ખરડો કરવા આવ્યા છીએ,’ તે વાત કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘પુરાણી! અમને પણ ભૂજથી સ્વામી મહાપુરુષદાસજીએ કહેરાવ્યું છે.’