૩૨ - પાંચાભાઈ ધામમાં ગયા
પાંચાભાઈને આ મુક્તરાજનું આવું પરાધીન શરીર જોઈ બહુ દુઃખ થતું હતું, તેથી પોતે ક્યારેક રાત્રે ઊંઘમાંથી જાગી જાય તે સવાર સુધી સૂવે જ નહિ. ઘરમાં કોઈ પૂછે તો કહે, ‘શું સુખે ઊંઘ આવે? મને ઘડપણ આવ્યું તે પહેલાં તો આ પુત્રને આવ્યું. હવે શું થશે? આખો જન્મ કાઢવો ને કેડમાં ખોટ પડી. હે મહારાજ! તમને આવું કેમ ગમ્યું!’ આવું બોલતાં જ્યારે આ મુક્તરાજ સાંભળે ત્યારે વળી ધીરજ આપે. આમ કરતાં તેમને શરીરે પણ મંદવાડ જણાવા લાગ્યો. તાવ રહ્યા કરે, ઊંઘ આવે નહિ, અન્ન ભાવે નહિ ને અંતરમાં આ મુક્તરાજની ચિંતા! વળી મહિમાનો વિચાર કરે ત્યારે આ બધું ભૂલી જાય ને સમજે કે સૂરજબા જેવાં આમનો મહિમા કહેતાં તેથી આ કેવા જબરા હશે! વળી પોતાને પ્રથમ તાવ આવેલ ત્યારે દિવ્ય ખજૂર જમાડીને રાત્રે શ્રીજીમહારાજ સાથે દર્શન આપેલાં, એ સંભારતાં એમ પણ થાય જે, ‘ખરે ટાણે એ ભૂલે એવા તો નથી.’ આ રીતે મહિમાનો વિચાર કરતાં થોડા સમયમાં તેમના દેહનો અવધિ આવી રહ્યો હોય તેમ મંદવાડ વધતો ગયો. ત્યારે આ મુક્તરાજે કહ્યું જે, ‘પિતા! મહારાજમાં વૃત્તિ જોડી મેલજો, મારાથી બેસી રેહવાતું નથી, તેમ હું સેવા કરી શકતો નથી, તોપણ તમારા સામી મારી નજર છે એમ જાણજો. શ્રીજીમહારાજ આપણી પાસે ને આપણી પાસે છે, તેથી મનમાં બીજા સંકલ્પ ન કરવા. એક મૂર્તિ ધારવી. આ લોકમાં મહારાજ વિના કોઈમાં માલ નથી. સર્વે દુઃખદાઈ છે. કોઈ જૂઠાને સાચું માને તેણે કરીને શું એ સાચું થાય? સાચા તો એક શ્રીજીમહારાજ છે. તેથી તેમને સંભારી સુખિયા રહેશો.’ આવી વાતો કરી શાંતિ પમાડે. પોતાને કેડનો દુઃખાવો રહેતો હોવાથી ઘર પાસેના ઓરડામાં સૂતા ને પાંચાભાઈની વારે વારે ખબર કઢાવી સમાચાર પૂછતાં; વળી ખુરસીમાં બેસારી સગાંવહાલાંઓ તેમની પાસે લઈ જાય, ત્યારે પાસે બેસી મહારાજના પ્રતાપની વાતો કરી સુખિયા કરે. જે દિવસ તેમને દેહ મૂકવાનો હતો તે દિવસ આ મુક્તરાજ તો જાણતા હતા. તેથી ખુરસીમાં બેસી હરિભક્તોએ સહિત તેમની પાસે આવ્યા ને મહારાજનાં લીલાચરિત્રની વાતો ઘણી વાર કરી. એકબે કીર્તન બોલ્યા, તેથી પિતાને શાંતિ ઘણી થઈ. જ્યારે આ મુક્તરાજે ઊઠવાનું કર્યું, ત્યારે તેમણે આ દિવ્ય પુત્રનો હાથ ઝાલી રાખ્યો ને કહ્યું, ‘મને તમારી માની પેઠે ઠેઠ મહારાજ પાસે પહોંચાડજો. ભૂલતા નહિ, હો! મારી કાંઈ ભૂલચૂક થઈ હોય કે વાંકગુનો થયો હોય, તે સર્વે માફ કરજો,’ એમ પ્રાર્થના કરતાં નેત્રમાં પ્રેમનાં આંસુ આવ્યાં. ત્યારે આ મુક્તરાજ કહે, ‘કાંઈ ભૂલેય નથી ને ચૂકેય નથી. એક મૂર્તિ છે.’ પછી પોતે પિતા સામું એકવૃત્તિથી જોઈ રહ્યા ને કહ્યું જે, ‘આમ ને આમ મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી રાખો!’ એ વચન બોલતાંની સાથે જ પાંચાભાઈને મહારાજનાં તેજોમય દર્શન થયાં, તેથી ‘અહો! અહો!’ કરતાં ને હાથ જોડતાં ભૌતિક દેહ મૂકી દેવબાઈની પેઠે મૂર્તિના સુખમાં પહોંચી ગયા. સગાંવહાલાં તથા ઘરમાં જે જે પાસે હતાં તે જોઈ રહ્યાં કે, આ અનાદિ મુક્તરાજની ધામમાં પહોંચાડવાની રીત પણ અલૌકિક છે.