૨૬૬ - સંતોને દેશમાં જવાની રજા
આવી રીતે બાપાશ્રી સંત-હરિભક્તોને દિવ્યભાવ જણાવી સુખિયા કરતા ને ઘેરથી સીધાં-સામાન લાવી જમાડતા અને જ્યારે ગામના હરિભક્તો ની રસોઈ હોય ત્યારે પણ પોતે કાંઈ ને કાંઈ લાવે ત્યારે નિરાંત થાય. કોઈ વાર અથાણું તો કોઈ વાર દૂધ, છાશ; ક્યારેક રાતડીઆ લાવી સુધારે ને ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી આપતાં કહે જે, ‘આ અમારો રાતડીઆનો યજ્ઞ.’ એવી જ રીતે પુત્ર-પૌત્રાદિક પણ સેવા કરતા. સવારમાં પોતે વહેલા નાહી, પૂજા કરી સંતોને મળે ને કથા ચાલતી થાય ત્યાં આવીને બેસે. બપોરે સંતો વાડીએ નાહવા જાય ત્યારે ત્યાં સભા થાય ને માનસીપૂજા, કથાવાર્તા કરી મંદિરમાં ભેળા આવે. રાત્રે સભામાં વાતો કરે. સંતો પ્રશ્ન પૂછે ત્યારે ચમત્કારિક ઉત્તર આપે. વચમાં પોતાને જરૂરી કામ માટે ગામડે જવું હોય તો સંતોની રજા લઈ અને રાજી કરીને જઈ આવે. આમ વખતોવખત કાંઈ ને કાંઈ નવીનતા જણાવી સંતોને સુખિયા કરતા. જ્યારે નવમીના સમૈયાને થોડા દિવસ રહ્યા ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! આ વખતે તમને દોઢ મહિનો થયો, પણ દેશમાં જવાનું તો સંભારતાય નથી. સમૈયામાં તમારા દર્શનની હરિભક્તો વાટ જોશે, માટે જવાનું કરો. સંતો તો ફરતા સારા! તમે જ્યાં જાઓ ત્યાં હરિભક્તો રાજી થાય, મુમુક્ષુઓ દર્શન કરે;’ એમ કહી દહીંસરા ને રામપુર થઈ ભૂજ જવાની આજ્ઞા કરી એટલે સંતો બીજે દિવસ્રે ઠાકોરજીને જમાડી તૈયાર થયા ને મહારાજ તથા બાપાશ્રીની ચંદન, પુષ્પહારથી પૂજા કરી દંડવત્ કર્યા. બાપાશ્રી પણ સંતોને દંડવત્ કરી હેતે સહિત મળ્યા ને ગોળની પ્રસાદી વહેંચી પોતે ગામના હરિભક્તોએ સહિત ઘણે છેટે સુધી વળાવવા ગયા ને પ્રસનતા જણાવી આશીર્વાદ આપ્યા. પછી સંતો ત્યાંથી દહીંસરે ગયા, ત્યાં મુક્તરાજ કેસરાભાઈને બાપાશ્રીનો દિવ્યભાવ બહુ, તેમ ગામના હરિભક્તો પણ એવા જ મહિમાવાળા, તેથી સદ્ગુરુ આદિ સંતોને સાત દિવસ સુધી રોક્યા. રોજ સંતો વાતો કરે તે સાંભળી મુક્તરાજ કેસરાભાઈ ગદગદ થઈ જાય. પોતાની અવસ્થા મોટી તોય સંતોની પાસે બેઠા જ રહે.