૫૩૬ - ધમડકામાં ચરણારવિંદ તથા મૂર્તિપ્રતિષ્ઠા
ત્યાર પછી એ જ મહિનામાં કુંભારિયાના મનજીભાઈએ ઘમડકાના મંદિરમાં પ્રસાદીની જગ્યાએ છત્રી કરાવેલી ત્યાં ચરણાવિંદ પઘરાવવાનાં હોવાથી પોતે બાપાશ્રી પાસે આવી વિનંતી કરવા લાગ્યા જે, ' બાપા! મારા પિતાશ્રી ગોવામલભાઈને ઘમડકાના મંદિરમાં છત્રી કરાવવાનો સંકલ્પ હતો તે આપની કૃપાથી સંતોને બોલાવી છત્રી તૈયાર કરી લીધી છે અને અમાસના દિવસે ચરણાવિંદ પધરાવવાનું મુહૂર્ત છે તો આપને ત્યાં પધારવું પડશે. તમે કહો ત્યારે વાહન મોકલાવું.' ત્યારે બાપાશ્રી કહે, 'ભલે! મુહૂર્ત પહેલાં બે દિવસ આગળથી અંજારમાં ગોઠવણ કરજો. હું ધનજીભાઈ તથા દેવરાજભાઈ સાથે મુહૂર્ત ત્યાં આવી પહોંચીશ.' આવું સાંભળી મનજીભાઈ ઘણા રાજી થયા. ભૂજના સંતો તો આગળથી ત્યાં આવી ગયા હતા, તેથી પાછો કંકોત્રી સાથે મનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થનાભરેલો કાગળ મોકલ્યો એટલે પોતે ધનજીભાઈને બોલાવી ધમડકે જવા નીકળ્યા. તે વખતે દહીંસરાના ખીમજીભાઈ પણ સાથે ચાલ્યા. એ સહુ પ્રથમ ભૂજ આવ્યા, ત્યાં ધનજીભાઈને ઠાકોરજી પાસે મંડળ પુરાવવાનું હતું. તેથી તેમણે એ સંકલ્પ પૂરો કર્યો ને સંતોને રસોઈ આપી જમાડ્યા તે ભેળા બાપાશ્રી આદિ સર્વેને પણ જમાડ્યા. પછી બીજે દિવસ રેલે બેસીને અંજાર પહોંચ્યા; ત્યાં તો મનજીભાઈએ સિગરામ તૈયાર રાખેલો હતો તેમાં બેસીને સૌ ચાલ્યા.
ઘમડકામાં બાપાશ્રીની સહુ વાટ જોઈ રહ્યા હતા કે, 'આજ આવે કે કાલ આવે.' ત્યાં તો રાતના બે વાગ્યે ગાડી આવી તેમાંથી બાપાશ્રી, ધનજીભાઈ તથા ખીમજીભાઈ વગેરે ઊતર્યા. એ ટાણે સંત-હરિભક્તો સહુ જાગી ગયા ને દંડવત્ કરતા પરસ્પર મળી માર્ગના સમાચાર પૂછ્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો એવું હેત જે, બાપાશ્રીને જોયા કે બીજું કાંઈ સૂજે નહિ, એટલે તેમણે તો પાધરું પૂછવા માંડ્યું કે, 'બાપા! કેમ વાર લગાડી? બે દિવસ થયા તમારી સૌ વરસાદની પેઠે વાટ જુએ છે. મનજીભાઈ કહેતા હતા જે, મને બાપાશ્રીએ જરૂર આવવાનું કહ્યું છે.' ત્યારે મેં જાણ્યું જે, બાપા આવ્યા વિના તો નહિ જ રહે. મોડું થયું, પણ હવે સૌના મનોરથ પૂરા કરજો અને મૂર્તિના સુખરૂપ મહા રસ રેલાવજો. બાપાશ્રી તેમનાં આવાં પ્રેમભરેલાં વચન સાંભળી બોલ્યા જે, 'બ્રહ્મચારી મહારાજ! આપણે તો અખંડ એનું એ કરવાનું છે.' એમ કહી તુરત નાહવા પધાર્યા. પછી નિત્યવિધિ કરી આસને આવીને બેઠા, એટલે સંતોએ વચનામૃત વાંચવા માંડ્યાં. સવારમાં વહેલા બાપાશ્રીને સભામાં બેઠેલા જોઈ જે જે હરિભક્તો દર્શન કરવા આવે તે એમ વિચાર કરે જે, 'કાલે છેલ્લી કથા સુધી બાપાશ્રી અહીં નહોતા ને અત્યારમાં ક્યાંથી આવ્યા?' આમ આશ્ચર્ય પામતાં સહુ હાર પહેરાવવા ને દંડવત્ કરવા લાગ્યા. એ સૌને બાપાશ્રી બેઠા બેઠા મળે, માથે હાથ મૂકે, કોઈને બોલાવે, તેથી એ સર્વે રાજી થાય. પછી મનજીભાઈને ખબર પડી એટલે એ પણ આવ્યા ને હાર પહેરાવી દંડવત્ કરી મળ્યા ને કહ્યું જે, 'બાપા! બહુ દયા કરી!' આમ ઘમડકામાં બાપાશ્રી પધારતાં સંત-હરિભક્તો રાજી રાજી થઈ ગયા. એક દિવસ દુધઈથી ખબર આવ્યા, કે ઘેલા પટેલે બાપાશ્રીને દર્શન દઈ જવા કહ્યું છે ત્યારે બાપાશ્રી ધનજીભાઈને કહે, 'હજી પ્રતિષ્ઠાને વાર છે, તેથી આપણે ગાડું લઈને આજ જઈ આવીએ.' એમ કહી ત્યાં પણ દર્શન દઈ આવ્યા. એમ બાપાશ્રી પધારતાં સવાર-સાંજ કથાવાર્તામાં સૌને નવો નવો આનંદ થવા લાગ્યો. બપોરે નદીએ નાહવા પધારે ત્યારે હરિભક્તો ઘણા સાથે હોય તેમની સાથે પોતે જતાં-વળતાં વાતો કરતા આવે. રાત્રે આસને તો સંત-હરિભક્તો બેઠા જ હોય. એ રીતે સહુને રાજી કરતાં અમાસને દિવસે મહારાજની મૂર્તિઓ અને ચરણાવિંદનું ચંદન, પુષ્પ, કુંકુમ, ધૂપ, દીપ આદિ સામગ્રીથી વિધિ સહિત પૂજન થવા લાગ્યું. એમ આનંદ-ઉત્સવ થતાં બાર વાગ્યા ત્યારે બાપાશ્રી તથા સંતોએ મળી પ્રથમ સિંહાસન પર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી. ત્યાર પછી છત્રી પર ચરણારવિંદ પધરાવી, ત્યાં પણ આરતી ઉતારી. એ ટાણે સર્વત્ર જયજયકાર થઈ રહ્યો ને સહુ દંડવત્ કરી પગે લાગ્યા. થોડી વારે ચોકમાં સભા થઈ ત્યારે મનજીભાઈ તથા તેમના સેવકે બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે મનજીભાઈએ સભામાં કહ્યું જે, ‘મારા પિતાશ્રીનો સંકલ્પ એવો હતો જે, આ ઠેકાણે છત્રી કરાવી ચરણાવિંદ પધરાવવાં, તે સંકલ્પ આજ પૂરો થયો અને આ પ્રસંગે કેટલાય જીવોને બાપાશ્રી તથા સંત-હરિભક્તોની દિવ્ય સભાનાં દર્શનનો લાભ મળ્યો.' આ રીતે મનજીભાઈનો મનોરથ પૂર્ણ કરી બાપાશ્રી બ્રહ્મચારીના ઉતારે ઠાકોરજી જમાડવા પધાર્યા. પછી હરિભક્તોની પંક્તિઓમાં દર્શન દઈ મનજીભાઈના સિગરામમાં બેસી પાછા અંજાર થઈ ભૂજ આવ્યા, ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સુખપુરના હરિભક્તોનું ગાડું આવેલ હતું, તેમાં બેસી સુખપુર, માનકૂવા થઈ ભારાસર પધાર્યા.