૨૮૭ – બ્રહ્મચારીને ભલામણ
આ દર્શનની વાત બાપાશ્રીને જણાવવા બીજે દિવસ પોતે સંતોને સાથે લઈ ગાડીમાં બેસી વૃષપુર આવ્યા. ત્યાં મહારાજનાં દર્શન કર્યાં; પછી બાપાશ્રીને દંડવત્ કરી મળ્યા ને કહ્યું જે, ‘બાપા! ભૂજમાં શ્રી રાધાકૃષ્ણદેવ અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારે આપે આશીર્વાદ આપ્યો હતો જે, ‘આ મૂર્તિઓનાં હવેથી જે કોઈ દર્શન કરશે, તેનો આત્યંતિક મોક્ષ થશે.’ પણ મને એક દિવસ એવો સંકલ્પ થયો હતો જે, ‘આ મૂર્તિઓ પ્રત્યક્ષની પેઠે ભક્તના મનોરથ પૂરા કરતી હશે કે કેમ?’ ત્યાં તો મહારાજની મૂર્તિમાંથી આવો ચમત્કાર થયો. વળી રાત્રે પોતે દર્શન દઈ મળ્યા, વગેરે બનેલી વાતો કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘બ્રહ્મચારી! મહારાજ તો અખંડ એક જ સ્થિતિમાં દર્શન આપે છે ને સદાય પ્રત્યક્ષપ્રમાણ છે, પણ જેવાં જેવાં પાત્ર તે રીતે તેને અલૌકિક ભાવ જણાય. સૌથી મોટામાં મોટા પાત્ર અનાદિ છે. તેથી જેવા અનાદિ મુક્ત રસબસભાવે દર્શનનું સુખ લે છે, તેવું પરમ એકાંતિકને ન કહેવાય ને જેવું પરમ એકાંતિકને સુખ લેવાની ગતિ છે, તેવી એકાંતિકને ન કહેવાય. બીજા દેહધારીને તો જેવી પાત્રતા તેવું સુખ, પણ મહારાજ તો સર્વને એક જ રીતે દર્શન આપે છે. ને જે ફેર રહે છે તે પોતાની સ્થિતિનો છે. તમે તો મહારાજના હજૂરી મુક્ત છો, તેથી તમારા મનોરથ મહારાજ પૂરા કરે, એમાં શું નવાઈ!’ એમ કહી પોતે પણ ઓઢેલ ધોતિયું હેઠે મૂકીને ઉઘાડા શરીરે સૌને મળ્યા ને માથે હાથ મૂકી બ્રહ્મચારીને પ્રસાદીનો હાર પહેરાવ્યો. પછી કહ્યું જે, ‘ધામની મૂર્તિ છે તે જ મનુષ્યરૂપે ને મૂર્તિરૂપે દર્શન આપે છે, કેમ કે પોતે જેવા તેજોમય છે, તેવા ને તેવા દર્શન આપે, તો તે સ્વરૂપનું તો કોઈ જીવ દર્શન કરવા સમર્થ થાય નહિ. માટે દયા કરીને તેજ, એશ્વર્ય-પ્રતાપ ઢાંકીને મહારાજ વર્તે છે, એમ જાણી સદાય અલૌકિક ભાવ રાખવો. મહારાજના અનાદિ પણ એવા જ દિવ્ય છે ને સભા બધી દિવ્ય તેજોમય છે.’ એમ કહીને કીર્તનની ટૂંક બોલ્યા જે, ‘મારી મૂર્તિ રે, મારા લોક, ભોગ ને મુક્ત, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત’ એમ મહારાજ કહે છે, માટે સર્વે સમાજ અલૌકિક દિવ્ય છે, એમ જાણવું,’ એમ કહી પ્રસન્નતા જણાવીને તેમને પાછા ભૂજ મોકલ્યા.