૧૦૧ - સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનું આમંત્રણ

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૪૪ની સાલમાં સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. ત્યારે તેમને એવો વિચાર થયો જે, ઝાલાવાડ દેશના મોટા મોટા હરિભક્તો અહીં સમાગમ કરવા આવે છે તથા અહીંના સંતો બહુ ખપવાળા છે અને આપણા મંડળના સાધુને પણ જોગ-સમાગમનો ખરો આગ્રહ છે, આમ સૌને મહારાજના સુખની તાણ છે, તેથી જો વૃષપુરથી અનાદિ મુક્તરાજ અબજીભાઈને તેડાવ્યા હોય તો સંત-હરિભક્તોને દર્શન-સમાગમનો ઘણો લાભ મળે, કેમ કે શ્રીજીમહારાજે તેમને પોતાની વતી મોકલ્યા છે, એવી સત્સંગમાં હજી ઘણાને ખબર નથી. તેમ અહીંથી તેમનો જોગ-સમાગમ કરવા કચ્છમાં થોડા જઈ શકે. માટે કાગળ લખી અહીં તેડાવ્યા હોય તો સારું. એમ વિચારી સ્વામીશ્રીએ કાગળ લખ્યો, તેમાં બહુ જ વિનયવચનો લખ્યાં જે, ‘અમારું મંડળ તથા મૂળીના સંતો અને ઝાલાવાડ દેશના હરિભક્તોના સુખ સારુ તેમ જ શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે તમો ત્યાંથી ફાવતા હરિભક્તોને સાથે લઈ હાલ મૂળીએ જરૂર પધારશો. તમારા આવવાથી સંત-હરિભક્તો ઘણા રાજી થશે, તેમ અનંત જીવોના ઉદ્ધાર થશે. મહારાજે તમને એ કામ કરવા મૂક્યા છે. તમે બહુ નિર્માનીપણું જણાવી સામર્થ્ય ઢાંકી ઢાંકીને વર્તો છો, પણ ઢંકાશે નહિ. તમો અહીં આવો એટલે આપણે પરસ્પર ભેગા મળી શ્રીજીમહારાજના રહસ્ય-અભિપ્રાયની વાતો કરશું, તેથી જોગ-સમાગમવાળાને પણ ઘણો સમાસ થશે. માટે આવવાની ઢીલ કરશો નહિ. તમો ત્યાંથી નીકળો તે પહેલાં અમને કાગળમાં લખી જણાવજો જે, અમે આ દિવસે નીકળશું.’ સ્વામીશ્રીનો આવો પત્ર વૃષપુરમાં પહોંચતાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ તે પત્ર છાતી સાથે દાબી માથે ચડાવ્યો. પછી કુંવરજી પટેલ તથા બીજા જે જે હરિભક્તોને સ્વામીશ્રીનાં દર્શન ને જોગ-સમાગમની તાણ હતી તે સૌને સાથે આવવાનું નક્કી કરી પોતે પણ બહુ જ પ્રાર્થનાવિનય સાથે એમ લખ્યું જે, ‘આપ શ્રીજીમહારાજના સંકલ્પથી આ લોકમાં દર્શન આપી અનંત જીવોને જ્ઞાનદાન તથા આશીર્વાદે કરીને મહારાજના સુખમાં મેલી દ્યો છો, તેથી તમારા દર્શન-સમાગમમાં બધુંય આવી જાય છે, તોપણ આપે મને શ્રીજીમહારાજ તથા આપનાં દર્શન સાથે દિવ્ય સભાના જોગ-સમાગમનો લાભ આપવા તેડાવેલ છે, તે આપનું વચન મે માથે ચઢાવ્યું છે. હું, કુંવરજીભાઈ આદિ હરિભક્તો સાથે બે દિવસ પછી આપની સમીપે આવી પહોંચીશ.’ આવી રીતે કાગળ લખી હરિભક્તોએ સહિત ભાઈશ્રી ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરી ખારી રોડથી સમુદ્રની ખાડી ઊતરી ધીરે ધીરે મૂળીએ પહોંચ્યા. આગળથી ખબર હતા તેથી સૌ વાટ જોઈ રહ્યા હતા. ત્યાં કચ્છી સંઘે સહિત આ અનાદિ મુક્તરાજ આવતાં સંત-હરિભક્તો સામા જઈ મળ્યા, સુખસમાચાર પૂછ્યા. પછી ભાઈશ્રીએ હરિભક્તોએ સહિત મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સંતો પાસે જઈ દંડવત્ કરવા માંડ્યા. એ વખતે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી ભાઈશ્રીને દંડવત્ કરતા જોઈ અતિ હેતભર્યા ઊભા કરી બાથમાં ચાંપી મળ્યા ને કહ્યું જે, ‘બહુ દયા કરી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! તમે હેતથી ખેંચ્યા તે અવાણું.’ આમ બન્ને દિવ્ય મુક્તોએ હર્ષભર્યા વાતો કરી. પછી સ્વામીશ્રીએ હરિભક્તો તથા ભાઈશ્રીનું આસન ભંડારને જૂને મેડે પોતાના આસન સામે કરાવ્યું.