૫૨૫ - દિવ્ય મૂર્તિ અને દિવ્ય પૂજા
આવાં વચનથી સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની મૂર્તિઓ નવા હરિભક્તોને પૂજા આપવા માટે રાખેલ હતી તે બધી બાપાશ્રીને આપી અને મૂળીવાળા સાધુ દેવજીવનદાસજીએ પોતાની પૂજામાં મહારાજની પ્રસાદીનું વસ્ત્ર હતું તે આપ્યું, તેમાંથી પોતે કાતર વતે નાના નાના કટકા પચાસ જેટલા કરી તૈયાર રાખ્યા. થોડી વારે સહુ જમી રહ્યા, પછી ત્રણચાર હરિભક્તો ઉતાવળા ગામમાં જઈ એક ગુલાબના ફૂલનો કંડિયો લાવ્યા, પણ એ ફૂલ પરોવવાનું ટાણું નહોતું, તેથી તેની બધી પાંખડીઓ છૂટી પાથરી, બાપાશ્રી ઉઘાડે શરીરે બેઠા હતા તે એમ ને એમ પ્રાર્થના કરી તે પાથરેલાં ફૂલ પર બેસાર્યા; પછી ભાલમાં ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કરી, વધેલાં ફૂલ બાપાશ્રી તથા સંતોના મસ્તક પર નાખતા જાય ને પૂજા કરતા આવે. એમ પચાસ જેટલા હરિભક્તો હતા તે સહુએ પૂજા કરી ત્યાં સુધી બાપાશ્રી નેત્ર મીંચી ધ્યાને યુકત બેઠા રહ્યા; પછી જાગ્રત થઈ હરિભક્તો પર પ્રસન્નતા જણાવતા સંતો પાસે નારંગી, સુફ, સફરજન વગેરે ફળો હતાં તે પોતાની પાસે મગાવી સહુને કપાળે ચંદન ચર્ચી પોતે કુંકુમના ચાંદલા કર્યા ને કહ્યું જે, ‘તમે અમારી બહુ સેવા કરી તેને બદલે તમને અમે અક્ષરધામના ચાંદલા કર્યા. હવે મૂર્તિ આપીએ છીએ.’ એમ કહી એક એક મૂર્તિ તથા એક એક વસ્ત્રનો કટકો ને એક એક ફળ એમ બધાયને આપી માથે હાથ મૂકી રાજી કર્યા.