૩૬૬ - ખીમજીભાઈને અલૌકિક દર્શન
એક દિવસ સંધ્યાઆરતીને સમયે બાપાશ્રીને નાહવાનો સંકલ્પ થયો, એટલે દહીંસરાવાળા ખીમજીભાઈને પોતાની સાથે લીધા. તેમણે દોરી-લોટો લઈ માંહીલે કૂવેથી લોટો ભરી આપ્યો, તે લઈ બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવી હાથપગ ધોઈ નાહતા હતા, ત્યાં આરતી થઈ. એ ટાણે આકાશમાં બધે ઝળેળાટ તેજ તેજ થઈ રહ્યું. તેમાં દૃષ્ટિ માંડી જુએ તો વિમાન ને તેજોમય મૂર્તિઓ લાગે. આથી એ તો આશ્ચર્ય પામતા પૂછવા લાગ્યા જે, ‘બાપા! આ શું?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘ખીમજી! ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, તેથી અનેક મુક્તો દર્શને આવ્યા છે.’ ત્યારે તે કહે, ‘બાપા! રોજ આરતી વખતે આવાં દર્શન થતાં હશે?’ એ સાંભળી બાપાશ્રી કહે, ‘એ મુક્તો આવે તો નિત્ય; પણ આજ મહારાજ ને મોટા મુક્તના સંકલ્પથી દર્શન થાય છે.’ ખીમજીભાઈ આ વાત સાંભળી આનંદમાં ગરકાવ બની ગયા.
બીજે દિવસે પણ બાપાશ્રી સવારમાં નારાયણસરોવરમાં નાહીને ઉગમણી બાજુએ પૂજા કરતા હતા, ત્યાં એવી જ રીતે આકાશમાં દેખાવા માંડ્યું, તેવાં દર્શન ઘણી વાર સહુએ કર્યા, પછી સંતોએ પૂછ્યું જે, ‘બાપા! આ સ્થાનમાં તો રોજ રોજ ભારે ચમત્કાર જણાય છે!’ ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે મહારાજની પૂજા કરીએ છીએ, તેથી મહારાજનાં દર્શન કરવા મુક્તો આવે છે.’ આવાં અલૌકિક દર્શનથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા.
એક દિવસ સંઘે બધો ગૌઘાટ, વિશ્વામિત્રી, ખાંપા તલાવડી આદિ પ્રસાદીસ્થાને દર્શન કરવા ગયો હતો. વચમાં વચમાં હરિભક્તો મખોડાઘાટ, મીનસરોવર, દહીંઓ આંબો, ભૂતીઓ કૂવો વગેરે પ્રસાદીસ્થાનનાં દર્શન કરતા ને કથાવાર્તા કરી આનંદ પામતા હતા. આ પ્રકારે આનંદોત્સવ કરતા ચૈત્ર વદિ દસમ આવી. તે દિવસ તો પ્રતિષ્ઠાનો હોવાથી મંદિરના દરવાજે સવારથી ચોઘડિયાં, શરણાઈ, ત્રાંસા, નગારાં વગેરે વાજિંત્રોના નાદ થવા લાગ્યા, તેમ શ્રી ઘનશ્યામ મહારાજની ષોડશોપચારે પૂજાવિધિ કરવાની તૈયારી થવા માંડી. એ ટાણે અનાદિ મુક્તરાજ બાપાશ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે ઊભા રહી, ઘણી વાર એકનજરે જોતા થકા દર્શન કરતા હતા.