૭૦૪ - સંતો પર બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી
ત્યાર પછી બાપાશ્રીએ સંતોને એવો વિચાર જણાવ્યો જે, ‘આ વખતે મારે તમને અષાઢ મહિના સુધી અહીં રાખવા છે, તમો રાજી થઈને રહો એટલે આપણે મૂર્તિના સુખની લહાણી કરીએ.’ આ વિચારથી સ્વામી ઈશ્વરચરણદાસજી બહુ રાજી થયા. બીજે દિવસ સવારમાં કથાવાર્તા થઈ રહી ને સંતોએ ઠાકોરજીને જમાડી લીધા, પછી બાપાશ્રી કહે, ‘સંતો! આજ અમાસ છે તેથી આપણે સહુ છત્રીએ જઈએ.’ એમ પ્રસન્નતા જણાવીને બોલ્યા, તેથી સંત-હરિભક્તો તૈયાર થઈ કીર્તન બોલતા બોલતા છત્રીએ ગયા, ત્યાં ચરણારવિંદ તથા હનુમાનજીનાં દર્શન કરી ધર્મશાળામાં સભા કરી. તે વખતે નારાયણપુરથી ખીમજીભાઈ તથા હરજીભાઈ આદિ હરિભક્તો ચંદન, કુંકુમ તથા હજારી ફૂલના હાર લાવેલા, તેથી બાપાશ્રી અને સંતોની પૂજા કરી. પછી બાપાશ્રી પણ એ સહુને ભાલે ચંદન ચર્ચતા એમ બોલ્યા જે, ‘આ ચંદન ને ચંદનના ચર્ચનારા બહુ દુર્લભ છે એમ જાણજો, આ સંતો પણ મૂર્તિમાં રહેનારા છે, તેથી સહુને ચમકની પેઠે ખેંચે છે, એ જ્યાં બેઠા હોય ત્યાં સભા ભરાઈ જાય છે, અમે પણ આવા સંતના જોગ-સમાગમ ને રાજીપાથી સુખિયા છીએ.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! આપે તો સાજા સત્સંગને સુખિયો કરી મૂક્યો છે. અમો ગામોગામ જઈએ છીએ ત્યાં હરિભક્તો આપનાં દર્શન થયાની જુદી જુદી વાતો કરે છે ને કહે છે જે, ‘આજ અમારા ઉપર બાપાશ્રીએ બહુ પ્રસન્નતા જણાવી, સાથે મહારાજનાં દર્શન થયાં, સંતો પણ ભેળા હતા. અમને આમ કહ્યું, આ રીતની ભલામણ કરી, એવાં એવાં દર્શનથી અમને એમ થાય છે જે, આપે આ સમયે સત્સંગમાં બહુ દયા વાપરી છે.’ આવાં વચન સાંભળી પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! સૌને સુખ શ્રીજીમહારાજ આપે છે, એ મૂર્તિ જ એવી ચમત્કારી છે, મૂર્તિમાં રહેનારા મુક્ત તો મૂર્તિ ભેળા જ હોય.’
એ વખતે ગોધાવીના માસ્તર જગન્નાથ અને તેમના દીકરા મણિલાલે આવી બાપાશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ તેમની ઓળખાણ આપી, એટલે બાપાશ્રીએ રાજી થઈને તેમને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા ને માથે હાથ મૂક્યા. પછી સંત-હરિભક્તોએ સહિત પોતે ધર્મશાળાની અગાસી ઉપર પધાર્યા. ત્યાં સંતોએ બાપાશ્રીનું આસન વચમાં રાખ્યું અને હરિભક્તો ફરતા કીર્તન ગાવા લાગ્યા, એ સહુની વચ્ચે બાપાશ્રી કંઠમાં ઘણા હારે સહિત ધ્યાનસ્થ બેઠેલા જોઈ હરિભક્તો આનંદ પામતા હતા. એ રીતે ઘણી વાર કીર્તન બોલ્યા. પછી પોતે જાગ્રત થઈ સૌને મૂર્તિમાં રાખવાનો વર આપી સંત-હરિભક્તોએ સહિત પાછા મંદિરમાં પધાર્યા.
વળી બીજને દિવસ સવારે નિત્યવિધિ કરી બાપાશ્રી સભામાં બેઠા હતા, ત્યારે પોતે સંતોને પ્રશ્ન પૂછ્યો જે, વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ?’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી. પછી પોતે એમ બોલ્યા જે, ‘સંતો! ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે, પણ વૈરાગ્યને ઓળખો છો?’ પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહિ. પછી સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી સંતોને કેમ નિયમમાં રાખતા તે વાત કરતાં બોલ્યા જે, ‘અમે પણ મોટા મોટા સંતોના પ્રતાપે સુખિયા છીએ, અમને ભૂખ હોય તોપણ કોઈ દિવસ એવું ન જમીએ. જો જમીએ તો સ્વામિનારાયણ તાજેણા મારે.’ કહો, ‘સંતો! મઠની ખીચડી ને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી, કે ઘી, ગોળ, સાકર, ખાંડ દેખો છો? કોઈક પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. ભૂજમાં જઈએ ત્યારે પણ મઠની ખીચડી કરાવી ઠાકોરજીને જમાડીએ; લાડુ કે બીજી વસ્તુ નહિ. ખોટી વાત હોય તો પૂછો, આવા કહેનારા નહિ મળે, નહિ મળે, નહિ મળે. તમે અમારા છો, તેથી કહું છું, માટે નિઃસ્વાદી રહેવું, સ્વાદે જવું નહિ. એ વાતનો ખટકો ન રાખે તો સ્વામિનારાયણ રાજી ન થાય.’ એમ કહી વૈરાગ્ય રાખવાની તથા વૈરાગ્યવાનને આગળ સાધુ થવામાં કેવાં દુઃખો પડતાં તથા તેની પોતે કેવી રીતે સહાય કરતા વગેરે વિસ્તારીને વાત કરી, તેથી સંતોએ જાણ્યું જે, ‘બાપાશ્રી આપણને પોતાના જાણી મહારાજના વચનમાં ખબડદાર રહેવાની ભલામણ કરે છે.’
એક દિવસ સભામાં કથાપ્રસંગે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ સમય ફેર ફેર નહિ મળે, માટે બીજાં બધાંય કામ ખોટી કરીને આ જોગ કરી લેજો, આ લાભ અક્ષરધામમાં છે કે અહીં છે.’ પછી સંતોને આગળ બોલાવીને કહ્યું જે, ‘આવો સંતો! આજ બ્રહ્મરસ વરસે છે, આ દિવ્ય સભામાં શ્રીજીમહારાજ તેજોમય બિરાજે છે, મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે, આપણે એ દિવ્ય સુખનો આહાર કરવો, અમારે તો સૌને મૂર્તિમાં રાખવાનો ઠરાવ છે, બીજું કાંઈ કામ નથી, ઘેર ઘેર જઈએ, ગામ-પરગામ જઈએ પણ ઠરાવ એ એક જ, આ વાત જે જાણતા હોય તે જાણે.’ પછી તો ઘણી વાર મહિમાની વાતો કરવા લાગ્યા તેથી સંત-હરિભક્તો બહુ રાજી થયા. એ વખતે નારાયણપુરથી ધનજીભાઈના દીકરા રામજીભાઈ, લાલજીભાઈ તથા હરજીભાઈ એ આવી ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા! સંતો અહીં ખપે એટલા દિવસ રહે, પણ જ્યારે દેશમાં પધારે ત્યારે નારાયણપુરમાં સૌને દર્શન દઈને પછી જાય, સાથે આપને પણ આવવું પડશે.’ ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘સંતોને માથે મંદિરના વ્યવહાર ઘણા તેથી દેશમાં જવાની ઉતાવળ કરે છે, માટે તાણ કરીને રોકીએ તો રાજી ન થાય, અમારે સંતોને એકાદ મહિનો રાખવાની મરજી હતી પણ સંતોમાં પરસ્પર વાતચીત થતાં તેમને રહેવામાં તાણ પડશે એમ અમે જાણ્યું તેથી અમે તેમને કહ્યું કે, તમે રહો તો રાજી છીએ અને જાઓ તો સદાય ભેળા છીએ. પણ અમને એમ લાગે છે કે સંતોમાં જવાની ઉતાવળ હશે, માટે તમે હમણાં જાઓ, સંતો ભૂજ જશે ત્યારે નારાયણપુર થઈને જશે, અમે પણ આવશું.’ એમ કહ્યું તેથી તે રાજી થયા. પછી બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને ભૂજ જવા આજ્ઞા કરીને કહ્યું જે, ‘તમે ત્યાં જઈ કથાવાર્તા કરી સૌને મૂર્તિના સુખે સુખિયા કરજો, સદ્ગુરુઓ ભૂજ આવશે ત્યારે ચાર દિવસ રોકાશે.’ એમ તેમને પણ વિદાય કર્યા. પછી રાત્રે સંતોને રોકાવાની તાણ કરી, પણ એકાદ માસ રહેવાની તેઓની મરજી જોઈ નહિ, તેથી વધુ તાણ ન કરતાં, બીજે દિવસે જ પોતે સંતોએ સહિત નારાયણપુર પધાર્યા, તેથી ત્યાંના હરિભક્તો અત્યંત રાજી થયા ને ધનજીભાઈના પુત્રોએ બીજે દિવસ રસોઈ કરાવી સંતોને જમાડ્યા અને બાપાશ્રીને માટે પોતાને ઘેર થાળ કરાવ્યો. પછી બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધાર્યા; ત્યારે ગામના હરિભક્તોએ સંતોને ત્રણચાર દિવસ રોકવા પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘તમો વધુ આગ્રહ કરશો નહિ, સંતોને માથે મંદિરના વ્યવહાર એટલે માંહી માંહી કેટલાક ઉતાવળ કરે છે. સ્વામી ઈશ્વરચરણદાસજીને તો રહેવાની તાણ બહુ છે, પણ થોડા જાય ને થોડા રહે તે ઠીક નહિ, તેથી તેમને સમજાવીને સૌની ભેળા જવાનું નક્કી કર્યું છે, માટે સંતો આજ રાત ખમે, એટલામાં સૌ સંતોષ માનજો.’ આવાં વચનથી હરિભક્તો કાંઈ બોલી શક્યા નહિ. પછી સંતો જમી રહ્યા, ત્યારે ધનજીભાઈના પુત્રોએ તથા ગામના હરિભક્તોએ ચંદન-પુષ્પથી પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં તથા સહુના પર રાજી રહેવા પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘તમો સહુ અમારા જ છો, માટે તમને અમે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડશું.’ પછી સાંજ સુધી કથાવાર્તા કરી રાત્રે આરતી, ધૂન્ય થયા પછી પણ છેલ્લી કથા સુધી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ મહારાજના મહિમાની તથા પરસ્પર હેત રાખવાની બહુ વાતો કરી, તેથી હરિભક્તો રાજી રાજી થઈ ગયા. એ વખતે બાપાશ્રીએ સંતોને મળીને કહ્યું જે, ‘હવે તમે ચાર દિવસ ભૂજમાં રહી દેશમાં જવાનું કરજો, અમે તમારા પર બહુ રાજી છીએ.’ ત્યારે સંતોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! અમારા ઉપર આમ ને આમ સદાય રાજી રહેજો.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘અમે તો તમારા ઉપર રાજી જ છીએ, તમો પણ સદાય મૂર્તિમાં રહી મૂર્તિનાં સુખ ભોગવજો.’ એમ આશીર્વાદ આપી પોતે વૃષપુર પધાર્યા ને સંતો ત્યાંથી ભૂજ ગયા.