૫૩ - ખારેકનું નિમિત્ત

0:000:00

થોડા દિવસ વીત્યા પછી ભાઈશ્રીએ એક નવીન ચરિત્ર કર્યું. પોતે કાનજી તથા દેવજી નામના બે સાથી સાથે વાડીએ હતાં ત્યાં તેમની દીકરી વાલબાઈ તથા બીજાં નાનાં બેત્રણ છોકરાં આવ્યાં. એક ખજૂરી પર ખારેકો થઈ હતી તે જોઈને છોકરાં કહે, ‘બાઈ! અમને ખારેકું ખપે!’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એ શું કહે છે?’ ત્યારે વાલબાઈએ કહ્યું, ‘બાપા! આ છોકરાઓને ખારેકું ખાવી છે, તે માગે છે.’ એટલામાં તો ભાઈશ્રી બેઠા હતા ત્યાં ન દેખાણા. સાથી તથા એ છોકરાઓએ ચારેય તરફ જોયું તો ક્યાંય જોવામાં આવ્યા નહિ. કેડનો દુઃખાવો પ્રથમ થયેલ હોવાથી દોડીને ગયા હોય એમ પણ ન લાગે. આથી સૌ આશ્ચર્ય પામતા વિચારમાં પડ્યા ત્યાં તો પોતે ખજૂરી પરથી બોલ્યા કે, ‘શું આમતેમ જુઓ છો? હું તો તમારા સારુ ખારેકો લેવા ખજૂરીએ ચડ્યો છું.’ ત્યારે દેવજી કહે, ‘મામા! પડી જશો.’ ત્યારે ભાઈશ્રી કહે. ‘હું પડું એવો નથી.’ એમ કહી ખજૂરીનું થડિયું ઝાલતાં હેઠા ઊતર્યા ને પાસે રાખવાના ધોતિયામાં ખારેકો ઝાઝી ઉતારી લાવ્યા હતા તેમાંથી સૌ છોકરાંઓને થોડી થોડી આપી. ત્યારે વાલબાઈએ કહ્યું, ‘બાપા, વધુ આપોને!’ ત્યારે ભાઈશ્રી કહે. ‘હું કાંઈ તમારા સારુ ખજૂરીએ નહોતો ચડ્યો! હું તો મારા સાધુ સારુ ચડ્યો હતો; હવે નહિ દઉં.’ પછી તે દીકરીએ ઘણું કહ્યું, પણ એકેય ખારેક વધુ આપી નહિ. થોડી વાર થઈ એટલે દેવજીને કહ્યું કે, ‘તું ગાડું જોડ, મંદિર જવું છે,મારાથી ચલાશે નહિ,’ ત્યારે દેવજી કહે, ‘મામા! ખજૂરીએ ચડી ગયા હતા, તેમ હળવા હળવા ચાલીને જાઓને! મારે બાજરો ભરવો અધૂરો પડ્યો છે.’ તે વખતે પોતે એવું ચરિત્ર કર્યું કે, તદ્દન ઢીલા ગળગળા જેવા થઈ ગયા ને કહ્યું, ‘દેવજી! એ વખત તો ચડી જવાણું પણ ફરી વાર મચક આવી ગઈ કે શું થયું, તે મારાથી ઊભુંય રહેવાતું નથી. બચ્ચા! હવેથી ચલાશે નહિ. ઘોળ્યો બાજરો. મને મંદિર મૂકી જા.’ એમ કહી ગાડું જોડાવી મંદિર ગયા. ત્યાં તો ભૂજથી સંતો આવેલા, તેમને પોતે સાજા માણસની પેઠે દંડવત્ કર્યા ને કહ્યું જે, ‘સંતો! આજ તમારા સારુ હું વાડીએ ખારેકો લેવા ગયો હતો,’ -એમ કહી બધી ખારેકો સંતોને આપીને બોલ્યા જે ‘આજ તમારા સારુ મહારાજને સંભારીને ખજૂરીએ ચડ્યો, તે મહારાજે જાણું સાવ સાજો કરી દીધો.’ પછી સંતોએ ઠાકોરજીને ખારેકો જમાડી, ત્યારે પોતે ચાલવા માંડ્યું. સંતો કહે, ‘બેસો!’ તો કહે, ‘વાડીએ જવું છે; હું તો તમને ખારેકો આપવા આવ્યો હતો! તમે સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીને મારા ‘જય સ્વામિનારાયણ’ કરી કહેજો કે, તમે ઉપરથી તો બહુ જાણતા નથી, પણ અંતરમાં મારી ચિંતા ઘણી રાખો છો, તે રાખશો નહિ. મહારાજે તમારા જેવા સંતની કૃપાથી આજ કેડનો દુઃખાવો બધો મટાડી દીધો, તેથી સાવ નિરાંત થઈ ગઈ છે.’

આ પ્રકારે નવીન ચરિત્ર કરી પોતાને કેડનો દુઃખાવો રહ્યા કરતો તે તદ્દન બંધ કરી દીધો, તેથી ઘણાને આશ્ચર્ય થયું કે, જરાય મહેનતનું કામ ન થઈ શકે અથવા ઊઠતાં-બેસતાં નડે એવો દુઃખાવો ખારેકનું નિમિત્ત કરી મટાડ્યો, તે બહુ ભારે વાત થઈ. સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી પણ આ સમાચાર સાંભળી ઘણા રાજી થયા ને સર્વે સંતોને કહ્યું જે, ‘આ અબજીભાઈ મહા સમર્થ છે. તેમને રાજી કરજો, કોઈ દિવસ એમને વિષે મનુષ્યભાવ લાવશો મા. મને તો સત્સંગમાં આવ્યા પહેલાંની તેમની સ્થિતિની ખબર છે, પણ હું કોઈને આ વાત બહુ જણાવતો નહિ.’ આવા સ્વામીશ્રીના વચનથી ઘણા સંતો દિવ્યભાવે મહિમા સમજવા લાગ્યા. પછી તો જ્યારે જ્યારે ભાઈશ્રી ભૂજ દર્શને જાય ત્યારે ગોદડું પાથરી આપે, પ્રસાદીના હાર પહેરાવે, સભામાં વાતો કરવા આગ્રહ કરે, પણ ભાઈશ્રી એ વખતે બહુ બોલતા નહિ, તોપણ કોઈના આગ્રહથી થોડું બોલતા, ત્યારે સૌ રાજી રાજી થઈ જાય, એવો તેમની વાણીમાં ચમત્કાર હતો.