૬ - લગ્નની ધામધૂમ
આ રીતે નિત્ય પ્રત્યે કાંઈ ને કાંઈ નવીન ચેષ્ટાઓ કરતા આ મુક્તરાજને આઠ વર્ષ પૂરાં થયાં ને નવમું વર્ષ બેઠું, ત્યારે લગ્ન લેવામાં આવ્યાં. પોતે નાની ઉંમરમાં લગ્ન કરવાની માતાપિતાને ઘણી ના પાડી, પણ જ્ઞાતિમાં એવો રિવાજ ચાલ્યો આવતો હોવાથી સાસુ-સસરાએ વાતને ન ગણીને કહ્યું જે, લગ્ન કરો. તેમનાં સગાંવહાલાંઓએ પણ આગ્રહ કર્યો; તેથી પાંચાભાઈ અને દેવબાઈએ નછૂટકે એ વાત કબૂલ રાખી લગ્ન લીધાં.
ગાંગજી કેરાઈએ પણ વૃષપુર કંકોત્રી લખી. તેમાં ગામ તથા પોતાનું નામ જણાવી લખ્યું જે, અમારી દીકરી દેવુભાઈનાં લગ્ન અમોએ આ શુભ તિથિ-વારનાં નિરધાર્યાં છે. તે ઉપર તમો જાન લઈને વહેલા પધારજો; અને પાંચ માણસ વધુ આવે તેમ કરજો, જેથી મંડપની શોભામાં વૃદ્ધિ થાય.
આવી કંકોત્રી આવતાં હર્ષભર્યાં લગ્ન વધાવ્યાં. સગાંવહાલાં તથા ગામના બીજા માણસો આ અનાદિ મુક્તરાજનાં લગ્નની વધામણી સાંભળી રાજી થયાં. આગલી રાત્રે ઢોલ આદિ મંગળ વાજિંત્રો સાથે બાઈઓએ ગીત ગાયાં અને ગાડામાં બેસાડી ગામમાં ફુલેકું ફેરવ્યું.
આ મુક્તરાજની શોભા જોઈને સૌ આનંદ પામતાં હતાં. કેટલાંક બાઈભાઈ સગાંવહાલાંઓ હસતાં હસતાં એમ પણ બોલતાં જે, ‘અબજીભાઈ, વરરાજા બન્યા છો તે સોપારી લાવો, ખારેકો આપો; તમારી જાનમાં અમને સાથે લેજો; અમે સારાં ગીત ગાશું. કોઈ કોઈ તો એમની શોભા જોઈને રાજી થાય, કેટલાક તો આંખો મીંચીને બેઠેલા જોઈ હસે; પણ સૌને આ મુક્તરાજને જોઈ જોઈ આનંદ ઊભરાતો. એ વખતની શોભામાં શું ખામી હોય!
એક તો મુક્તરાજનું શરીર બધું ભરાવદાર, નેત્ર ઘેરાં, મુખ મરમાળું – જાણે મંદ હાસ્ય કરતા હોય, આખા શરીરે પીઠી ચોળેલી, અને કેસરીઆ વાઘા ઉપર શ્વેત વસ્ત્રથી શોભતા, કંઠમાં સુવર્ણહાર, ખંભે ઉપરણી, પગે મોજડીઓ પહેરેલ, ભાલમાં અક્ષતે સહિત ચાંદલો અને હાથમાં ખાંડુ તથા શ્રીફળ ધરી રહેલા આ નિર્મોહી, નિર્ગુણ, અનાદિ મુક્તરાજને જોઈ સહુ બાઈઓ હરખાતે હૃદયે ગીત ગાતાં વારે વારે નીરખતાં હતાં અને સાથે સાથે મહારાજના મહિમાનાં કીર્તન બોલતાં રાજી થતાં હતાં.
આવી શોભાએ સહિત વરરાજાનું ફુલેકું ગામમાં ફરી ગાજતેવાજતે સૌ ઘેર આવ્યાં; ત્યારે બારણામાં ઊભાં રહી દેવબાઈએ પોતાના દિવ્ય પુત્રનાં મીઠડાં લીધાં. પછી મુક્તરાજે મંડપમાં આવી સૌને પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. આ રીતે અલૌકિક દિવ્ય મુક્તની લૌકિક રીતમાં પણ અજબ શોભા બની રહી હતી.
લગ્નના દિવસે પાંચાભાઈએ જાન જોડી માનકૂવે જવાની તૈયારી કરવા માંડી. દેવબાઈએ પોતાના પુત્રને-ઘરમાં સમૃદ્ધિ ન હોવા છતાં - તે દિવસે તો ખૂબ શણગાર્યા. ઘરને આંગણે ઢોલ તથા વાજિંત્રના મંગળનાદ થઈ રહ્યા હતા. જાનૈયાઓ સાથે જવા તૈયાર થયા. બાઈઓ ગીત ગાવા લાગ્યાં. એ વખતે પણ અવનવાં વસ્ત્રો તથા સુવર્ણહારથી શોભતા આ વરરાજાના ભાલમાં અક્ષતે સહિત કુંકુમનો ચાંદલો કરી દેવબાઈએ હેતભર્યા મીઠડાં લીધાં. પછી હાથમાં ખાંડુ તથા શ્રીફળ ધરી રહેલા એવા આ મુક્તરાજ ગાડા(વહેલ)માં બેઠા. સાથે જાનડીઓ ગીત ગાવા લાગી; બીજાં ગાડાંઓમાં જાનૈયાઓ બેસી ગયા અને જાન ચાલી.
આવી રીતે પોતાના પુત્રની શોભા જોઈ માતાપિતાને હૈયે હર્ષ ઊભરાતો હતો. આ દિવ્ય મુક્ત તો મૂર્તિ વિના એકલા રહેતા જ નહિ; એટલે તેમને વહેલમાં બેસતાં જ સોનેરી વસ્ત્રો તથા અમૂલ્ય આભૂષણોએ સહિત જમણા કરમાં રેશમી રૂમાલ ધરી રહેલા એવા શ્રીજીમહારાજનાં દર્શન થયાં. મહાપ્રભુની આવી અદભુત શોભા જોઈને આ અનાદિ મુક્તરાજ હમેશની પેઠે જાણે નિદ્રામાં જતાં રહ્યા હોય તેમ સૌને જણાયું. ત્યારે સાથે બેઠેલા જાનૈયા તથા જાનડીઓએ કહ્યું કે, ‘આ તો આવા ને આવા જ રહ્યા. આમને તો ઘરની કે બહારની કાંઈ ખબર જ નથી. જગન હોય કે લગન હોય, પણ જ્યાં બેઠા હોય ત્યાં આમ ને આમ જ. બીજું તો બધુંય ઠીક, પણ લગ્ન થાય એ ટાણે આમ ન કરે તો સારું.’ એમ કહી હસતે મુખે એ તો ગીત ગાતાં જ રહ્યાં. આ મુક્તરાજ પણ શ્રીજીમહારાજનું અલૌકિક સ્વરૂપ નીરખતાં તલ્લીન બન્યા હતા. આ રીતે જાન નારાયણપુર થઈ માનકૂવે પહોંચતાં પહેલાં મુક્તરાજ જાગ્રત થયા. જાગ્યા ત્યારે પાસે બેઠેલા સૌએ કહ્યું કે, ‘ભાઈ! આમ લગ્ન ટાણે સૂવાનું હોય?’ ત્યારે આ મુક્તરાજ કહે ‘સૂવે છે કોણ? આપણે તો મહારાજની મૂર્તિથી જરા વારેય જુદા ન રહેવું. સૂવુંય નહિ, ને જાગવુંય નહિ, ખાવુંય નહિ ને પીવુંય નહિ, જેનું કામ છે તે તો સાથે જ છે. પછી બીજી વાત શું કરવા કરવી પડે!’ આમ બોલ્યા, પણ એ સુખમાં ગતિ ન પહોંચી હોય ત્યાં સુધી એવાં વચન તેઓ ક્યાંથી સમજી શકે!
આ પ્રમાણે આનંદ પામતાં જાન જ્યારે માનકૂવે પહોંચી ત્યારે બંદૂકના ભડાકા થયા, ઢોલ વાગ્યાં, બાઈઓ ગીત ગાવા લાગી. એ વખતે આકાશ નિર્મળ જણાતું હતું. અને પુષ્પના વનમાં ગાડાં ઊભાં હોય તેવો સુગંધ આવતો હતો. ગાંગજી કેરાઈએ સગાંવહાલાંઓ સાથે ત્યાં ઉતાવળાં આવી સૌનું સામૈયું કરી હેતે સહિત મળી ‘જય સ્વામિનારાયણ’ કર્યા; પછી ગાજતેવાજતે ગીત ગાતા સૌએ ઉતારે જઈ જ્ઞાતિના રિવાજ પ્રમાણે જમવાનું કર્યું. જ્યારે વર તોરણે આવ્યા ત્યારે સાસુએ પોંખ્યા. પછી જ્ઞાતિના રિવાજ પ્રમાણે વર માંડવે જ રહ્યા. સવારમાં સૌ જાગ્યા ત્યારે વરને સીમ ચાંપવા (દાતણ કરાવવા) તેડી ગયા; ત્યાંથી પાછા આવી આ નિર્ગુણવર મંડપ મધ્યે માહ્યરામાં બેઠા. ફરતા જાનૈયા તથા સાસરા પક્ષના નાતીલાઓની ભીડ થઈ. એ વખતે વિપ્રે વિધિ સહિત વેદમંત્રઉચ્ચારણ કરી વરને ભાલે પ્રથમ કુંકુમનો ચાંદલો કરી અક્ષત ચોડ્યા; પછી સૌના ભાલે એવી જ રીતે ચાંદલા કર્યા. સમય થયો ત્યારે કન્યાને માહ્યરામાં પધરાવી વેદોક્ત મંત્રથી છેડાછેડી બાંધી હસ્તમેળાપ કરાવી મંગળફેરા ફેરવ્યા. આ વખતે બાઈઓ હર્ષભર્યાં ગીત અને કીર્તન ગાતાં ગાતાં આ મુક્તરાજનું ભીનેવાન સ્વરૂપ નીરખતાં હતાં. જ્ઞાતિના રિવાજ પ્રમાણે લગ્નવિધિ પૂરો થયા પછી વર તથા જાનૈયાઓને જમાડવાનો વેવાઈએ લહાવ લીધો. પછી જાન વળાવવાનો સમય થતાં ગામના ઝાંપા સુધી વરકન્યાએ સહિત સૌ ભેગા ચાલ્યા. પછી આ મુક્તરાજ સાથે સૌને મળી જાન વૃષપુર ગઈ.