૧૭૬ - ‘વૃષપુર તથા નારાયણપુરમાં અલૌકિક દર્શન’
ત્યાર પછી બાપાશ્રી ગુજરાતમાંથી કચ્છમાં આવ્યા ને થોડા દિવસ થયા ત્યારે વળી મૂળીના સંતો તથા એ દેશના કેટલાક હરિભક્તો બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા વૃષપુરમાં આવ્યા. તે વખતે નિત્ય સવાર-સાંજ સભામાં કથાવાર્તા થતી ને સંતો ભારે ભારે પ્રશ્નો પૂછતા. તેના ઉત્તર બાપાશ્રી સહજમાં કરતા જોઈ એક હરિભક્તને રોજ એવા સંકલ્પ થયા કરે જે, બાપા બહુ ભણ્યા હોય તેવું જણાતું નથી, પણ વાતોમાં તો બહુ નવીનતા આવે છે; એમ કરતાં વળી એક દિવસ રાત્રે નવ વાગ્યે એવો સંકલ્પ થયો જે, ‘આ બાપાશ્રીને મોટા મુક્ત જાણી હજારો સંત-હરિભક્તો જોગ-સમાગમ કરવા આવે છે, હાથ જોડે છે, દંડવત્ કરી આશીર્વાદ માગે છે, તેથી મોટા તો બહુ છે; પણ કોઈને ઐશ્ચર્ય, ચમત્કાર જણાવતા હશે કે નહિ? આ ફેરે એવું કાંઈ આપણને જણાય તો ખબર પડે.’ આમ વિચાર કરે છે એટલામાં તો મંદિરમાં ને ફળિયામાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો ને હમહમાટ શબ્દ થવા લાગ્યો, તેથી સભામાં બેઠેલા સંત-હરિભક્તોએ આશ્ચર્ય પામી બાપાશ્રીને પૂછ્યું જે, ‘આવો પ્રકાશ ક્યાંથી? ને આ ધડેડાટ શબ્દ જેવું શું થાય છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘કોઈને ચમત્કાર જોવાની ઇચ્છા થઈ હોય તો મહારાજ એમ દેખાડે.’ એટલામાં તો એ તેજ તથા ગર્જના બધુંય બંધ થઈ ગયું. પછી જે હરિભક્તને સંકલ્પ થયો હતો તેના મનમાં એમ થયું જે, આ અનાદિ મુક્તરાજ બહુ જ જબરા છે, તેથી આનંદ પામી સંત-હરિભક્તોને પોતાને થયેલા સંકલ્પની વાત કરી.
ત્યાર પછી બીજે દિવસ સંતોને નારાયણપુર તેડી જવા ધનજીભાઈ આવ્યા. તેમણે એમ વાત કરી જે, ‘બાપા! કાલ રાત્રે હું મારે ઘેર અગાસી ઉપર બેઠો હતો, તે વખતે જાણે ઓચિંતું તેજોમય વિમાન ઘરેરાટ કરતું આવ્યું, તે મારા માથાથી જાણે બેત્રણ હાથ ઊંચું ઊભું રહ્યું તેમાં શ્રીજીમહારાજ ને તમે તથા સ્વામી અક્ષરજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી એ ત્રણ સદ્ગુરુ તથા ભેળા મારા બાપ જાદવજીભાઈ એટલા બેઠા હતા એ જોઈ હું તો હર્ષભર્યો ઊભો થયો ને લાંબા હાથ કરી જ્યાં સ્પર્શ કરવા જાઉં ત્યાં તો એ વિમાન ઉત્તર દિશામાં ચાલ્યું ગયું.’ આ વાત સાંભળી જે હરિભક્તે ચમત્કાર જોવાનો સંકલ્પ કર્યો હતો તેણે સભામાં પોતાની વાત કરી, તેથી સૌ વિસ્મય પામ્યા. પછી ધનજીભાઈ કહે, ‘બાપા! મને આ અલૌકિક દર્શન તો દેહ મૂકવા સુધી સાંભર્યા કરશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજીભાઈ! આપણે તો એક શ્રીજીમહારાજ સામી નજર રાખવી. ઐશ્વર્ય, ચમત્કાર, પરચા કે સમાધિ, એ કાંઈ અખંડ ન કહેવાય; એમાં કાંઈ નહિ. કોઈને સમાસ કરવા મહારાજ દેખાડે તે ભલે. પણ સુખ તો મહારાજની મૂર્તિમાં જ છે. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે. માંહી અનંતકોટિ મુક્ત છે, એ મૂર્તિના એક એક રોમમાં અનંત બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એવી મોટપ આપણાં શાસ્ત્રોમાં લખી છે. આવા મહાપ્રભુ ને તેમના લાડીલા મુક્ત મળ્યા પછી બીજો કાંઈ સંકલ્પ જ ન રાખવો ને કાંઈ ઐશ્વર્ય, પરચા, ચમત્કાર જોવા પામવા ઇચ્છવું નહિ’ આમ વાત કરી, તેથી તે હરિભક્તે બાપાશ્રીને પ્રાર્થના કરી રાજી કર્યા ને કોઈ દિવસ મનુષ્યભાવ ન આવે એવા આશીર્વાદ માગ્યા.