૧૫૮ - જનનો મોક્ષ કર્યો

0:000:00

હવે સદ્‍ગુરુઓ વૃષપુરમાં હોવાથી વાતોનો પ્રસંગ ઘણો ચાલતાં એક દિવસ ભાઈશ્રી વાડીએ ગયા જ નહિ ને કથાવાર્તા કરી ત્યાં જ સૂઈ રહ્યા. પછી રાત્રે બહુ મોડા ઊઠીને માથે પાઘડી બાંધવા માંડી. સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી એ ટાણે માળા ફેરવતા હતા, તેમણે આ જોયું, તેથી પોતે ઊઠયા તે વખતે ઘડિયાળમાં દોઢ વાગ્યો હતો, તેથી વિચાર કર્યો જે, ‘અત્યારે અડધી રાત્રે ભાઈશ્રી ક્યાં જતા હશે?’ એમ જાણી બહાર આવ્યા ને પૂછ્યું તો કહે, ‘સ્વામી! મારે વાડીએ જવું પડશે.’ સ્વામી કહે, ‘ભાઈ! અત્યારે કેમ?’ તો કહે, ‘સુવર વાડીમાં પેઠા છે તે બાજરામાં ભંજવાડ કરે છે ને છોકરાં સૂઈ રહ્યાં છે. એક રખવાળ છે, પણ એ બીજે ઠેકાણે ચાલ્યો ગયો છે.’ ત્યારે સ્વામી કહે, ‘એમ હોય તો ભલે પધારો.’ પછી ભાઈશ્રી મંદિરમાંથી નીકળી ઉતાવળા વાડીએ જતા હતા ત્યાં વાડીથી થોડે નજીક ડાબા હાથ પર એક ઓટો છે ત્યાં જન રહેતો હતો, તે આડો ઊભો રહ્યો. ભાઈશ્રીએ તેણે જોઈને પોતાના અંગમાંથી તેજનો સમૂહ દેખાડ્યો, તેથી તે તેજમાં અંજાઈ જવાથી એમ ને એમ ઊભો થઈ રહ્યો ને ભાઈશ્રી તો ચાલ્યા ગયા ને આગળ જતાં તેજ સંકેલી લીધું. પણ એ તેજના ઝબકારાથી સુવર એકોએક ભાગી ગયાં; પછી પોતે વાડીમાં જઈ છોકરાંઓને જગાડી ભલામણ કરી; અને એ જન તો તેજમાં દર્શન થવાથી એમ ને એમ આશ્ચર્ય પામતો ત્યાં જ થોડી વાર ઊભો રહી પગલાં પડેલાં હતાં તેમાં આળોટવા લાગ્યો, તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ. જ્યારે ભાઈશ્રી મંદિર જવા પાછા વળ્યા ત્યારે એ જન પગમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો જે, તમે મહાસમર્થ ને ચમત્કારિક છો, માટે તમારા પ્રતાપે મને આ દેહમાંથી છોડાવી મોક્ષ કરો. મેં આ દેહે બહુ પાપ કર્યાં છે ને કેટલાય જીવ લીધા છે. મારા ગુના સામું જોશો તો પાપનો પાર નથી, પણ આ રસ્તે તમારાં જતાં-વળતાં દર્શન થાય છે, એટલું પુન્ય છે. તે પુન્યે મને આ દેહમાંથી છોડાવો; હવે હું તમારે શરણે છું. એમ જાણી તમારી મોટપ સામું જોઈને મારો મોક્ષ કરો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘જા બદરિકાશ્રમમાં, ત્યાં જઈ તપ કર.’ ત્યારે તે દીન થઈને બોલ્યો જે, ‘જ્યાં તમારું દર્શન થતું હોય ત્યાં મને મૂકજો.’ તેવાં વચન સાંભળી તેના પર અત્યંત દયા લાવી પોતે પછેડી ઓઢી હતી તેનો છેડો મારીને કહ્યું કે, ‘જા અક્ષરધામમાં,’ -એમ તેનો એ પાપરૂપ દેહ મુકાવી મોક્ષ કર્યો. પછી મંદિરમાં આવીને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને આ બનેલી વાત કરી, તેથી સૌ આશ્ચર્ય પામ્યા ને ગામના માણસોને એ જગ્યાએ જતાં-વળતાં બીક રહેતી તે નિવૃત્ત થઈ, તેથી સૌ અત્યંત રાજી થયા.