૪૦૭ - સ્વપ્નની વાત કરી રાજીપો જણાવ્યો
આગલે દિવસ રાત્રે સંત-હરિભક્તો કોઈ સૂતા નહોતા, તેમ બે દિવસના ઉપવાસી હોવાથી સૌને થાક્યા જાણી, તેમ ઘરમાંથી પુત્ર-પુત્રીઓએ આગ્રહ કરવાથી બાપાશ્રી તે રાત્રે ઘેર સૂવા ગયેલા, એ વખતે સેવા કરનારા થોડા હરિભક્તો પાસે હતા, ને ઓચિંતાનો પોતાને નાહવાનો સંકલ્પ થયો એટલે સેવકોએ નવરાવ્યા. પછી સૂતા ત્યારે સેવા કરનારા હરિભક્તોને કહેવા લાગ્યા જે, ‘આજ તો બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ને પુરાણી કેશવપ્રિયદાસજીએ મને બહુ જ રાજી કરી દીધો.’ તમે મંદિરમાં જાઓ ને સ્વામી ઈશ્વરચરણદાસજી ભેળા બીજા સંતો અને એ પુરાણી તથા બ્રહ્મચારી એટલાને મારી પાસે તેડી લાવો, એમ કહી રાત્રિના બાર વાગ્યા ટાણે પોતાની પાસે બોલાવી એ બેયના ઉપર ઘણો રાજીપો જણાવી બેઠા થઈ મળ્યા ને માથે હાથ ફેરવી શાબાશી આપતાં, સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘આજ આ બે સંત તથા ભૂજના ઘેલાભાઈ એ ત્રણેય જાણે મારી પાસે આવ્યા એવું મને સ્વપ્નમાં જણાણું.’ મેં પૂછ્યું કે, ‘આ ટાણે કેમ આવ્યા?’ ત્યારે તે કહે, ‘અમે તમારો રોગ લેવા આવ્યા છીએ.’ પછી તુરત જ મને નાહવાનો સંકલ્પ થયો એટલે ઘણું પાણી રેડી નવરાવવાથી જાણે હું સાવ સાજો થઈ ગયો. એમ રાજીપો જણાવી સંતોને મંદિરમાં જવાનું કહી પોતે સૂઈ ગયા.